યુએસમાં એઆઇ સર્જિત લશ્કરી યુવતી જેસિકા ફોસ્ટર ગાયબ થતાં તેના દસ લાખ ફોલોઅર્સ હતપ્રભ! | Jessica Foster an AI created military girl in the US has lost her 1 million followers in shock

![]()
– જેસિકા ફોસ્ટરના સ્થાને બીજા અનેક એઆઇ અવતાર મુકી દેવામાં આવ્યા
– અમેરિકન અને ઇરાની સૈનિકો એઆઇથી બનેલી ઓનલાઇન મહિલા સૈનિકોની પાછળ ઘેલાં બની તેને અસલી વ્યક્તિની જેમ ફોલો કરે છે
વોશિંગ્ટન: યુએસની મેક અમેરિકા ગ્રેટ અગેઇન-માગા-રિપબ્લિકન ચળવળના ટેકેદારો જેના પ્રેમમાં પડી ગયા હતા તે અમેરિકન બ્લોન્ડ લશ્કરી યુવતી જેસિકા ફોસ્ટરનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતાં તેના દસ લાખ કરતાં વધારે ફોલોઅર્સ માટે એ માનવું મુશ્કેલ બની રહ્યું છે કે તે અસલી બ્લોન્ડ યુવતી નહીં પણ એક એઆઇ અવતાર હતો. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જ્યારે યુએસના લશ્કરને આ જેસિકા ફોસ્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે જણાવાયું કે આ નામની વ્યક્તિનો કોઇ રેકોર્ડ મળતો નથી.
જેસિકા ફોસ્ટરના જાતજાતના વિડિયો બનાવી ઓનલાઇન મુકવામાં આવ્યા હતા.આ વિડિયોમાં જેસિકા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલતી દેખાય છે, તે વ્લાદિમિર પુતિન સાથે સેલ્ફી લે છે, મેલેનિયા ટ્રમ્પ અને વોલોડિમિર ઝેલેન્સ્કીને મળે છે. બીજું તો ઠીક તે વેનેઝુએલાના બંદી બનાવવામાં આવેલાં પ્રમુખ નિકોલસ માડુરોને કેદમાં પુરે છે. આ બ્લોન્ડ મહિલા સૈનિકના દસ લાખ કરતાં ફોલોઅર્સ હતા અને તેની તસવીરોને લાખો લોકોએ લાઇક કરી હતી. સમસ્યા એક જ છે કે આ બ્લોન્ડ લશ્કરી યુવતીનું કોઇ અસ્તિત્વ જ નથી.
અમેરિકા ફર્સ્ટ એજન્ડાની સેવામાં અસામાન્ય જીવન જીવતી યુએસ આર્મીની સૈનિક જેસિકાનું સર્જન એઆઇ દ્વારા કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં યુદ્ધજહાજ પર હીલ્સ પહેરી ફરતી બતાવવામાં આવી હતી. તે ભાષણો આપતી હતી અને અન્ય મહિલા સૈનિકો સાથે ઓશિકાં વડે લડતી પણ હતી. પોસ્ટના અહેવાલ અનુસાર જેસિકાને બ્યુટિફૂલ ગણાવનારા અને તેના અમેરિકા ફર્સ્ટ સંદેશાને બિરદાવતાં લોકોના પ્રોફાઇલ્સ પિકચર્સ મોટાભાગે પુરૂષોના છે. જેસિકાના કેટલાક ફોટાઓને તો ૩૦,૦૦૦ કરતાં વધારે લાઇક્સ મળી હતી. જેમાં વપરાશકારોએ દિલના ઇમોજી સાથે કોમેન્ટ્સ કરી હતી. દેખીતી વાત છે કે આ ફોલોઅર્સમાંથી કોઇએ જેસિકા અસલી છે કે નકલી તે તપાસવાની કોઇ દરકાર કરી નહોતી.
પણ જેસિકાનું એકાઉન્ટ ઉતારી લેવામાં આવ્યું તે પહેલાં તે ઓન્લીફેન્સ પેજ સાથે લિન્કડ જણાયું હતું. ઓન્લીફેન્સ પ્લેટફોર્મ દ્વારા વોશિંગ્ટન પોસ્ટને જણાવવામાં આવ્યું હતું કે આ એકાઉન્ટ બનાવનારી વ્યક્તિનું વેરિફિકેશન થઇ ન શકતાં તેને દૂર કરવામાં આવ્યું છે. જેસિકાનું ઓરિજિનલ એકાઉન્ટ ઉતારી લેવામાં આવ્યું તે સાથે તેના સ્થાને અન્ય એઆઇ સર્જિત યુવતીઓ આવી ગઇ છે. રસપ્રદ બાબત એ છે કે જેસિકા ફોસ્ટર એ આવો એકમાત્ર કેસ નથી. ટ્રમ્પને ટેકો આપતી એઆઇ જનરેટેડ મહિલા સૈનિકો અને પોલીસ અધિકારીઓના ચાહકો ટિકટોક, ઇન્સ્ટા અને એક્સ પર મોટી સંખ્યામાં તેમને ફોલો કરે છે. અને આ યુવતીઓ અસલમાં અસ્તિત્વ ધરાવતી હોય તેમ તેના પર કોમેન્ટ્સ કરી તેને બિરદાવ્યા કરે છે. એક્સ પર પોસ્ટ મુકી ભૂતપૂર્વ રિપબ્લિકન કોંગ્રેસમેન એડમ કિન્ઝિન્ગરે જણાવ્યું હતું કે જેસિકા ફોસ્ટર એઆઇ છે. જેસિકા ફોસ્ટર યુએસ આર્મીમાં સૈનિક નથી. જો તમે કોમેન્ટ્સ જુઓ તો સમજાશે કે લોકો એઆઇ પાછળ પાગલ બની ગયા છે. આ તો નર્યું ગાંડપણ છે.
જો કે, આવું યુએસની બહાર પણ જોવા મળે છે. બીબીસીના અહેવાલ અનુસાર ઇરાની મહિલા સૈનિકો અને પાઇલટ્સના હજારો વિડિયો ઓનલાઇન ફરે છે જે તેમના સૈનિકોને પાનો ચડાવે છે. હકીકત એ છે કે ઇરાનના લશ્કરમાં મહિલાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.



