दुनिया

Explainer: મિડલ ઈસ્ટ યુદ્ધે ખતરનાક રૂપ ધારણ કર્યું! દુનિયાની એનર્જી લાઈફલાઈન પર ખતરો | US Israel Iran War middle east shifted to oil and gas targets kharg south pars



US Israel Iran War: મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 20 દિવસના વાણા વીતી ગયા છે. મિલિટ્રી બેઝ અને નેતાઓ પર હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં હવે ટાર્ગેટ બદલાયા છે અને એનર્જી ફિલ્ડ મુખ્ય નિશાને બન્યા છે. હવે યુદ્ધમાં તેલ અને ગેસના કુવાઓ ‘પ્રાઇમ ટાર્ગેટ’ બની ગયા છે. પહેલા ઈરાનના ખર્ગ દ્વીપ પર હુમલો અને હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલો મોટો હુમલો દર્શાવે છે કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની દિશામાં પગલાં ભરી ચૂક્યા છે. વળતી કાર્યવાહીમાં હવે ઈરાન પણ એનર્જી સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. ત્યારે જાણો કેવી રીતે આ જંગ હવે દુનિયા માટે એક મોટું સંકટ ઉભું કરી શકે છે.

પાવર સ્ટ્રક્ચર પર હુમલો, દુનિયા પર સંકટના ભણકારા

ઈરાન સાથેના યુદ્ધમાં સૌથી પહેલા પાવર સ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને સીધા સૈન્ય મથકો તથા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ યુદ્ધનો વ્યાપ સમુદ્ર સુધી પહોંચ્યો, જ્યાં ટોર્પિડો હુમલા અને જહાજોને ઉડાવવાની ઘટનાઓથી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા રસ્તાઓ અસુરક્ષિત બની ગયા. પરંતુ, હવે આ સંઘર્ષ એક ખતરનાક વળાંક લઈ ચૂક્યો છે, જ્યાં સીધા દેશોની ‘એનર્જી લાઈફલાઈન’ પર હુમલા થઈ રહ્યા છે. એટલે કે જંગ હવે માત્ર સૈન્ય તાકાતની નહીં, પરંતુ આર્થિક મોરચે નુકસાન પહોંચાડવાની થઈ રહી છે, જેની અસર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. ઈઝરાયલ દ્વારા સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલા બાદ ઈરાને કતારની LNG ગેસ ફેસિલિટીને નિશાન બનાવી હતી. આ પહેલા પણ 7-8 માર્ચની રાત્રે ઈઝરાયલે તેહરાનના ઓઈલ ડેપો પર એરસ્ટ્રાઈક કરી હતી. શહરાન ઓઈલ ડેપો અને કરજમાં પણ મોટી તબાહી થઈ હતી.

કયા એનર્જી ફિલ્ડ પર ક્યારે અને કોણે કર્યો હુમલો?

1. ખર્ગ દ્વીપ (ઈરાન) – અમેરિકાનો હુમલો

આ જંગમાં ખર્ગ દ્વીપ પર હુમલાથી જ એનર્જી ફિલ્ડ પર એટેકનો સિલસિલો શરૂ થયો હતો. શનિવારે ઈરાનની લાઈફલાઈન ગણાતા ખર્ગ દ્વીપ પર અમેરિકાએ હુમલો કર્યો હતો. આ દ્વીપ ઈરાનના તટથી અંદાજે 30 કિલોમીટર દૂર છે અને અહીંથી દેશનું લગભગ 90% કાચું તેલ એક્સપોર્ટ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરશે, તો આ દ્વીપના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે.

2. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ (ઈરાન) – ઈઝરાયલનો હુમલો

ત્યારબાદ ઈઝરાયલ દ્વારા ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ સાઉથ પાર્સને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ફિલ્ડ કતારના નોર્થ ડોમ સાથે મળીને દુનિયાનો સૌથી મોટો ગેસ ભંડાર છે. ઈરાનની લગભગ 70 ટકા સ્થાનિક ગેસ સપ્લાય અહીંથી જ આવે છે. હુમલા બાદ અહીં ભીષણ આગ લાગી હતી, જેની પુષ્ટિ ઈરાની સરકારી ટીવીએ કરી હતી. આ હુમલાની કતાર અને યુએઈ જેવા અખાતી દેશોએ ટીકા કરી છે, કારણ કે તે બાદ તેમના એનર્જી ઠેકાણાઓ પર પણ સતત હુમલા થઈ રહ્યા છે.

ટ્રમ્પે હાથ ઉંચા કરી દીધા

પરંતુ આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હુમલો ઈઝરાયલે કર્યો છે અને અમેરિકાને તેની જાણ ન હતી. સાથે જ અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન કતાર પર હુમલો કરશે તો તેઓ ઈરાનના સાઉથ પાર્સને તબાહ કરી દેશે.

3. રાસ લાફાન (કતાર) – ઈરાનનો હુમલો

ઈઝરાયલના હુમલાનો જવાબ આપતા ઈરાને કતારના રાસ લાફાનને નિશાન બનાવ્યું. આ દુનિયાનું સૌથી મોટું LNG હબ છે. જંગ શરૂ થયા બાદ અહીં ઈરાન તરફથી વારંવાર હુમલા કરવામાં આવ્યા છે. અહીં મોટું નુકસાન થયું હોવાનું અને કેટલાય પ્લાન્ટ્સ પ્રભાવિત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે ગુરુવારે સવારે અહીં અનેક જગ્યાએ ભીષણ આગ લાગી હતી. કતાર દુનિયાનો સૌથી મોટો ગેસ ભંડાર ઈરાન સાથે શેર કરે છે અને કતાર એનર્જીના રિપોર્ટ મુજબ, વિશ્વનો અંદાજે 10% ગેસ રિઝર્વ કતાર પાસે છે. કતારે ભારત અને ફ્રાન્સ સહિતના દેશો સાથે LNG કરાર કરેલા છે.

4. રુવૈસ રિફાઇનરી (અબુ ધાબી) – ઈરાનનો હુમલો

ઈરાને વળતી કાર્યવાહીમાં અબુ ધાબીમાં આવેલી રુવૈસ રિફાઇનરીને નિશાન બનાવી છે, જે દુનિયાની ચોથી સૌથી મોટી સિંગલ-સાઇટ રિફાઇનરી છે. આ મહિનાની શરૂઆતમાં ડ્રોન હુમલા બાદ સાવચેતીના ભાગરૂપે અહીં કામ અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે રિફાઇનરીને સીધું નુકસાન થયું છે કે નહીં તે સ્પષ્ટ નથી અને સંચાલન કરતી કંપની ADNOC એ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

5. રાસ તનુરા (સાઉદી અરેબિયા) – ઈરાનનો હુમલો

રાસ તનુરા રિફાઇનરી સાઉદી અરેબિયામાં છે અને તે મિડિલ ઈસ્ટની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે. જેની ક્ષમતા પ્રતિદિન 5.5 લાખ બેરલની છે. જંગ દરમિયાન આના પર પણ અનેકવાર હુમલા થયા છે, જેમાં ડ્રોન એટેક બાદ લાગેલી આગને કારણે કામ આંશિક રીતે બંધ કરવું પડ્યું હતું.

આ પણ વાંચો: Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

આ તમામ હુમલાઓ બાદ વૈશ્વિક ઉર્જા સંકટ વધુ જોખમાયું છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે ચાલુ કરેલું યુદ્ધ પહેલાથી 14 દેશોને પોતાની બાનમાં લઈ ચૂક્યું છે. હવે ન તો દરિયાઈ માર્ગ સુરક્ષિત રહ્યા છે ન તો જમીન કે ન તેલ ભંડારો, તમામ વસ્તુઓ હવે યુદ્ધની ઝપેટમાં આવી ગઈ છે. જેનાથી ભારત જેવા દેશો જે ક્રૂડ અને ગેસ માટે બીજા દેશો પર નિર્ભર છે, તેના માટે આવનારો સમય પડકારજનક અને કપરો સાબિત થઈ શકે છે. દેખીતી રીતે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનું પરિણામ ન માત્ર ત્યાંના દેશો ચૂકવી રહ્યા છે પરંતુ એનર્જી સેક્ટર પર થયેલી હુમલાઓ બાદ આ યુદ્ધની આગની લપેટમાં ભારત સહિત સમગ્ર દુનિયા આવી જશે. 



Source link

Related Articles

Back to top button