ઇડીના દરોડા દરમિયાન તમે જે કર્યું તે યોગ્ય નહોતું : મમતાને સુપ્રીમની ફટકાર | What you did during ED raid was not right: Supreme Court reprimands Mamata

![]()
– બંગાળના સીએમને ઇડીના દરોડા સ્થળેથી ફાઇલો લઇ લેવી ભારે પડી
– રાજ્ય સરકારોને કોર્ટોમાં લઇ જવાની કેન્દ્રીય એજન્સીઓેને કોઇ સત્તા નથી, બંગાળ સામે ઇડીની અરજી ખતરનાક : મમતા સરકાર
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઇડીના દરોડા દરમિયાન દરોડા સ્થળે પહોંચી ફાઇલો લઇ લીધી હતી, આ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટે મમતાને ફટકાર લગાવી હતી. સુપ્રીમે ટકોર કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રીએ જે કર્યું તે ઠીક નહોતું. ઇડીની અરજી પર સુનાવણી ટાળવાની રાજ્ય સરકારે અપીલ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે અમારા પર હુકમ ના ચલાવી શકો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને એનવી અંજારિયાની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, ઇડીના દરોડા દરમિયાન અચાનક જ મમતા બેનરજી સ્થળે પહોંચી ગયા હતા અને ફાઇલો લઇ લીધી હતી. જેની પણ સુપ્રીમ કોર્ટે ટીકા કરી હતી અને કહ્યું હતું કે તમે જે કઇ કર્યું તે ખોટુ હતું. જે કઇ થયું તે કોઇ સારી સ્થિતિ નહોતી. ઇડીએ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ ટીએમસીના પ્રચારની કામગીરી સંભાળી રહેલી આઇપેક એજન્સીની ઓફિસ અને તેના પ્રમુખ પ્રતીક જૈનના ઘર પર દરોડા પાડયા હતા. તે સમયે જ મમતા બેનરજી એમ કહીને ત્યા પહોંચી ગયા હતા કે ઇડી પક્ષના પ્રચારની ગુપ્ત માહિતી ચોરી કરવા આવી છે. આ મામલે બાદમાં રાજ્ય સરકાર સામે કેન્દ્રીય એજન્સી ઇડી સુપ્રીમ પહોંચી હતી, ઇડીની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમની બેંચે સવાલ ઉઠાવ્યો હતો કે કાલે ઉઠીને અન્ય રાજ્યના મુખ્યમંત્રી પણ આવુ કરવા લાગશે તો શું થશે? રાજ્ય સરકાર તરફથી હાજર વકીલ શ્યામ દિવાને કહ્યું હતું કે રાજ્ય સરકારોની સામે કેન્દ્ર સરકારના એક વિભાગને કોર્ટમાં પિટિશન દાખલ કરવાની છૂટ આપવી ખતરનાક છે. સીબીઆઇ, એનસીબી, ડીઆરઆઇ, એસએફઆઇઓ વગેરે એજન્સીઓને રાજ્ય સરકારોને કોર્ટમાં ખસેડી જવાનો કોઇ અધિકાર નથી. આ મામલે હવે ૨૪મી માર્ચે વધુ સુનાવણી કરવામાં આવશે.


