યુદ્ધ વચ્ચે દુશ્મન પર ફીદા ટ્રમ્પ : કહ્યું, સતરંજમાં હું ઈરાનના ધુરંધરો સામે લડી રહ્યો છું | Trump sacrifices himself on the enemy in the midst of war

![]()
– આટલા પ્રચંડ યુદ્ધ વચ્ચે પણ ઈરાનની પ્રશંસા કરતાં ટ્રમ્પે કહ્યું, મારો મુકાબલો ઘણા બુદ્ધિશાળી અને ઘણી ઊંચી આઈકયુવાળા સાથે થઈ રહ્યો છે
નવી દિલ્હી : ઈરાન સામે ઇઝરાયલ- અમેરિકાના યુદ્ધનો આજે ૧૮મો દિવસ છે. યુદ્ધ દિવસે દિવસે ભીષણ થતું જાય છે. પરંતુ કોઈ પણ પક્ષ નમતું મુકવા તૈયાર નથી. તેની વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેઓએ એ યુદ્ધની તુલના શતરંજના ખેલ સાથે કરી હતી. અને કહ્યું હતું કે તેમનો મુકાબલો ઘણા જ બુદ્ધિશાળી અને ઘણી ઊંચી આઈકયુવાળા સાથે થઈ રહ્યો છે.
સોમવારે સાંજે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનના એક કમાન્ડર જનરલ કાસીમ સુવેમાનીની પણ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. તેઓએ સુલેમાનીને એક ઘણા સારા જનરલ કહ્યા.
તે સર્વવિદિત છે કે જાન્યુ. ૨૦૨૦માં અમેરિકાએ ઇરાકમાં ડ્રોન હુમલો કરી સુલેમાનની હત્યા કરી હતી. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે તે દિવસથી ઈરાનનું પતન શરુ થઈ ગયું હતું.
વ્હાઈટ હાઉસ સ્થિત પોતાની ઓવલ ઓફિસમાં તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે પૂછયું કે ઇરાન યુદ્ધ ટૂંક સમયમાં પુરું થશે ? તેના જવાબમાં પ્રમુખે કહ્યું : ‘હા ! તે ટૂંક સમયમાં જ પુરું થઈ જશે. તે પછી દુનિયા વધુ સુરક્ષિત બનશે. તેમ કરવું તે મારૃં કર્તવ્ય છે.’
આ સાથે ઈરાન યુદ્ધને શતરંજની રમત સાથે સરખાવતાં તેમણે કહ્યું કે, આ એક ખૂબ ઊંચા સ્તરની શતરંજ છે અને મારો મુકાબલો ઘણા બુદ્ધિમાન, સ્માર્ટ અને ઘણી ઊંચી આઇકયુ ધરાવતા લોકો સાથે થઈ રહ્યો છે. પરંતુ તેમાં કેટલાક દુષ્ટો પણ છે. કેટલાક સારા લોકો પણ છે. કેટલાક તો ઘણા ખાસ પણ છે, પરંતુ તેઓ હિંસક થઈ જાય છે. પરંતુ તમે જાણો છો કે મેં જે કર્યું તે ન કર્યું હોત તો આપણને ઘણું નુકશાન થાત. દુનિયાને પણ ઘણું નુકસાન થાત.
ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ ઘણા બુદ્ધિમાન અને સારા જનરલ હતા. મને નથી લાગતું કે કોઈ તેમનું સ્થાન સાચા અર્થમાં લઈ શકે.



