ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અમેરિકાનું નવું ટેરિફ માળખું બનશે પછી જ થશે | India US trade deal will happen only after America’s new tariff structure is in place

![]()
– ભારતે વેપાર કરારની વાટાઘાટો લંબાવી
– બંને પક્ષ હાલમાં કરારની અન્ય વિગતોને અંતિમ ઓપ આપવા પર કામ કરી રહ્યા છે
– ટ્રમ્પે હાલમાં નાખેલો 10 ટકા ટેરિફ પાંચ મહિના સુધી ચાલશે, પછી યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી પડશે
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહી અમેરિકાનું નવું વૈશ્વિક ટેરિફ માળખું નક્કી થયા પછી થશે. બંને પક્ષ હાલમાં અમેરિકન ટેરિફ અંગે અંતિમ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. એક વખત ટેરિફ અંગે સ્પષ્ટતા થઈ જશે પછી આ કરાર પર સહીસિક્કા થશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા હાલમાં કરારની વિગતોને અંતિમ ઓપ આપવા પર ચર્ચા કરી રહ્યા છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે અમે હાલમાં કરારની બધી વિગતોને તલસ્પર્શી ધોરણે અંતિમ ઓપ આપવા પર કામ કરી રહ્યા છીએ. ટ્રેડ ડીલના કરાર પર તો સહી નવું ટેરિફ માળખું અસ્તિત્વમાં આવ્યા પછી થશે. ગયા મહિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે વચગાળાના ટ્રેડ ડીલ પર ચાલુ મહિનામાં સહી થવાની હતી.આમ છતાં અમેરિકાની ટ્રેડ પોલિસીને થઈને થયેલી હિલચાલના કારણે આ ડીલ પાછું ઠેલાયું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિશ્વના સંખ્યાબંધ દેશો પર લાદેલા ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવ્યા છે. તેના કારણે ટ્રમ્પે લાદેલુ ટેરિફ સ્ટ્રકચર જ પડી ભાંગ્યું છે. તેના પછી અમેરિકાએ બધા દેશો પર કામચલાઉ ધોરણે ૧૦ ટકા ટેરિફ નાખ્યો છે. આ ટેરિફ અમેરિકન બંધારણની જોગવાઈ ૧૨૨ હેઠળ નાખવામાં આવ્યો છે.
આ ડયુટી પાંચ મહિના સુધી રહેશે તેમ માનવામાં આવે છે. તેના પછી જારી રાખવી હશે તો ટ્રમ્પે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી પડશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કરારના વ્યાપક પાસા પર સંમતિ સધાઈ ચૂકી છે. હવે વાટાઘાટો ફક્ત ટેકનિકલ પાસાઓ પૂરતી જ સીમિત રહી છે. કેટલાક નોન-ટેરિફ અવરોધો છે, જેને દૂર કરવા જરુરી છે. અમે આ સમયનો રચનાત્મક રીતે ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી એક વખત કરાર સહી માટે તૈયાર હોય ત્યારે બીજા મુદ્દાઓના લીધે વિલંબ ન થાય.
અમેરિકા ભારત સહિત વિવિધ દેશો સામે સુપર ૩૦૧ હેઠળ તપાસ કરવાનું છે તેના અંગે વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેના કાયદાકીય પાસાનો અભ્યાસ થઈ રહ્યો છે, તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ અપાશ તે સમયે રહી ગયેલા બાકીના બધાના પાસાને સંબોધવામાં આવશે.



