दुनिया

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત પણ મોકલશે યુદ્ધ જહાજ? ભારતીય વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | Strait of Hormuz India says no bilateral discussion with US combined force to reopen



Strait of Hormuz: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લું કરવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજો(વોરશિપ) મોકલવાનું આહ્વાન કર્યું હતું. આ બાબતે વિદેશ મંત્રાલયે સોમવારે (16 માર્ચ 2026) જણાવ્યું હતું કે, ભારતે હોર્મુઝ માર્ગ પરથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ભારતીય નેવીના જહાજોની તૈનાતી અંગે અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા કરી નથી.

ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વોરશિપ મોકલવા માટે ભારતનો સંપર્ક કર્યો છે અને આ અંગે સરકારનું વલણ શું છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમે આ મામલે અનેક દેશો દ્વારા કરવામાં આવી રહેલી ચર્ચાઓથી વાકેફ છીએ. અત્યાર સુધી અમે આ મુદ્દે દ્વિપક્ષીય સ્તરે કોઈ ચર્ચા કરી નથી.’ MEA પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે ભારત આ બાબતે તમામ હિતધારકો સાથે વાતચીત ચાલુ રાખશે.

દ્વિપક્ષીય સંબંધોને કારણે સુરક્ષિત પસાર થઈ રહ્યા છે ભારતીય જહાજો: MEA

ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય ધ્વજવાળા જહાજો પસાર કરવા માટે ઈરાન સાથે કોઈ ખાસ લેખિત કરાર કર્યો નથી. તેમણે જણાવ્યું કે જહાજોની અવરજવર અંગે ઈરાન સાથે સતત વાતચીત ચાલી રહી છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે. હોર્મુઝના માર્ગે ભારતીય જહાજોના સુરક્ષિત પસાર થવા બદલ નવી દિલ્હીએ કોઈ વિશેષ શરત સ્વીકારી નથી, પરંતુ આ સફળતા બંને દેશોના મજબૂત સંબંધોને કારણે શક્ય બની છે.

ઈરાનથી ભારતીયોની ઘરવાપસી: આર્મેનિયાનો માન્યો આભાર

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને જોતા નવી દિલ્હી ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સરહદ પાર કરીને આર્મેનિયા તરફ આવવા વિનંતી કરી રહ્યું છે, જેથી ત્યાંથી સ્વદેશ લાવવાનીની સુવિધા આપી શકાય. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મામલે કહ્યું કે, ‘ઈરાનમાંથી અત્યાર સુધીમાં 550થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવા બદલ અમે આર્મેનિયા સરકાર અને ત્યાંના લોકોનો આભાર માનીએ છીએ.’ બીજી તરફ સરકારે અપીલ કરી છે જાણ બહાર સરહદ પાર કરવાની કોઈ કોશિશ ન કરે!

ટ્રમ્પે શું કર્યો હતો દાવો

ટ્રમ્પે 14 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે’. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.’ જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ  ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત્ રાખશે.

બ્રિટન: ઈરાન સામે વ્યાપક યુદ્ધમાં નહીં જોડાય 

ટ્રમ્પના સતત દબાણ બાદ લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પત્રકાર પરિષદમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટતા કરી હતી કે, બ્રિટિશ સરકાર દેશને કોઈ પણ સંજોગોમાં ‘વ્યાપક યુદ્ધ’માં હોમવા માંગતી નથી. અમારું લક્ષ્ય આ યુદ્ધનો વહેલી તકે અંત લાવવાનું છે. અમે ચેતવણી આપીએ છીએ કે, જો આ યુદ્ધ લાંબું ચાલશે તો તેની અસર સામાન્ય લોકોના જીવનનિર્વાહના ખર્ચ પર પડશે. હાલ બ્રિટન ફક્ત ડ્રોન મોકલવા જેવી મર્યાદિત કામગીરી પર જ વિચાર કરી રહ્યું છે.

ચીન: શાંતિની અપીલ અને જવાબદારીનું ભાન

વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે. ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે ઊર્જા પુરવઠો અવરોધ વિના જળવાઈ રહે તે તમામ પક્ષોની જવાબદારી છે. ચીને આ મુદ્દે સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખવાની વાત પણ કરી છે.

જાપાન: ‘નિર્ણય લેવામાં અમે સ્વતંત્ર છીએ’

અમેરિકાના સૌથી નજીકના સાથી ગણાતા જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જાપાની મીડિયા સંસ્થા NHKના અહેવાલ મુજબ, આગામી બુધવારથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન સનેઈ તાકાઈચીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો એજન્ડામાં હોઈ શકે છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘જાપાન માત્ર ટ્રમ્પના કહેવા પર તાત્કાલિક યુદ્ધ જહાજો નહીં મોકલે. જાપાન પોતાની પ્રતિક્રિયા જાતે નક્કી કરે છે અને સ્વતંત્ર નિર્ણય લેવો તે પાયાની બાબત છે.’

આ પણ વાંચો: ખામેનેઈ સહિત 40 કમાન્ડર્સના મોત છતાં US-ઈઝરાયલને કેવી રીતે હંફાવી રહ્યું છે ઈરાન? જાણો 5 કારણ

ફ્રાન્સ: અફવાઓનું ખંડન કર્યું

ફ્રાન્સ સરકારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ટ્રમ્પની પોસ્ટના થોડા જ કલાકોમાં ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એવી અફવાઓનું ખંડન કર્યું હતું કે તેઓ જહાજો મોકલી રહ્યા છે. ફ્રાન્સે સ્પષ્ટ કર્યું કે તેમનું એરક્રાફ્ટ કેરિયર અને ગ્રૂપ પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં જ રહેશે અને તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. મંત્રાલયે આ વલણને ‘રક્ષણાત્મક’ ગણાવ્યું છે.

દક્ષિણ કોરિયા: મૌન સેવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પની આ અપીલ પર દક્ષિણ કોરિયા તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.



Source link

Related Articles

Back to top button