રશિયા, ચીન અમને સૈન્ય મદદ કરી રહ્યા છે, હોર્મુઝ બંધ જ રહેશે : ઇરાન | Russia China are helping us militarily Hormuz will remain closed: Iran

![]()
અમેરિકન સૈન્ય મથકોની માહિતી રશિયાએ આપી
હોર્મુઝમાંથી ઇઝરાયેલ, અમેરિકા અને તેના સાથી દેશોના જહાજો પસાર નહીં થાય : ઇરાનની ચીમકી
તેહરાન: ઇરાન હાલ ઇઝરાયેલ પર અને આસપાસના પાડોશી દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો પર આક્રામક હુમલા કરી રહ્યું છે. આ હુમલામાં જે હથિયારોનો ઉપયોગ થઇ રહ્યો છે તે રશિયા અને ચીન પુરા પાડી રહ્યું હોવાનો ખુલાસો ખુદ ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇરાને તાજેતરમાં હોર્મુઝ ખાડી બંધ કરી છે તેને સંપૂર્ણ રીતે ખોલવાનો હાલ કોઇ ઇરાદો નથી. ઇરાનના વિદેશમંત્રીએ દાવો કર્યો હતો કે રશિયા, ચીન સાથે ઇરાનને બહુ જ સારા સંબંધો છે. હાલમાં ઇરાનને આ બન્ને દેશો જ હથિયારો પુરા પાડી રહ્યા છે. આર્થિક રીતે, સૈન્ય અને રાજકીય રીતે તમામ ક્ષેત્રોમાં આ બન્ને દેશો સાથે ઇરાનને ઘણા જ સારા સંબંધ છે.
થોડા દિવસ પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાનને અમેરિકાના સૈન્ય મથકોની ગુપ્ત માહિતી રશિયા દ્વારા જ પુરી પાડવામાં આવી હતી. ટ્રમ્પના આ નિવેદનને હવે ઇરાન સરકારે પણ સમર્થન આપતી સ્પષ્ટતા કરી દીધી છે. મીડિયાએ જ્યારે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસને સવાલ કર્યો કે શું રશિયા ઇરાનને ગુપ્ત માહિતી આપી રહ્યું છે તેના જવાબમાં અબ્બાસે કહ્યું હતું કે ઇરાનના રશિયા અને ચીન બન્ને દેશો સાથે ઘણા મિત્રતાભર્યા સંબંધો છે. આ દરમિયાન ઇરાને અન્ય એક સ્પષ્ટતા પણ કરી છે અને કહ્યું છે કે હોર્મુઝની ખાડી અમેરિકા અને તેના સાથી દેશો માટે બંધ જ રહેશે. જે પણ શિપ ઇઝરાયેલ, અમેરિકા કે તેના સાથી દેશોની હશે તેને હોર્મુઝની ખાડીમાંથી પસાર નહીં થવા દઇએ, બાકીની તમામ શિપ્સને જવા દઇશું.



