સિક્રેટ ડીલને કારણે ઈરાને ભારતના બે જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દીધા, નિષ્ણાતનો દાવો | brahma chellaney analysis india iran deal strait of hormuz indian oil tankers safe passage

![]()
Iran America War : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાની દ્વીપ ‘ખર્ગ’ પર અમેરિકાના અત્યાર સુધીના સૌથી મોટા હુમલાએ જંગની દિશા બદલી નાખી છે. આ તણાવ વચ્ચે ભારત અને ઈરાનના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વનો વળાંક જોવા મળ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાં ઈરાનનો કબજો છે, ત્યાંથી ભારતના બે મોટા ઓઈલ ટેન્કરો સુરક્ષિત રીતે પસાર થઈ ભારત પહોંચ્યા છે. સામરિક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીના જણાવ્યા અનુસાર, આ કોઈ સામાન્ય ઘટના નથી પણ નવી દિલ્હી અને તેહરાન વચ્ચે થયેલી એક ચોક્કસ ‘ડીલ’નું પરિણામ છે.
શું છે આ ‘ક્વિડ પ્રો ક્વો’ની સ્ટોરી?
બ્રહ્મા ચેલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, ભારત અને ઈરાન વચ્ચે માનવીય અને વ્યૂહાત્મક સ્તરે એક સમજૂતી થઈ છે. ભારતે કોચીમાં રોકાયેલા ઈરાની નૌસેનાના જહાજ ‘આઈઆરઆઈએસ લવાન’ના આશરે 180 નાવિકોને સુરક્ષિત રીતે ચાર્ટર ફ્લાઈટ દ્વારા તેહરાન મોકલવાની મંજૂરી આપી હતી. બદલામાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રોકી રાખેલા ભારતના બે ટેન્કરો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ને સુરક્ષિત પેસેજ આપ્યો. આ ટેન્કરો 92 હજાર ટનથી વધુ એલપીજી લઈને ભારત પહોંચ્યા છે.
આ પણ વાંચો : LIVE : ઈઝરાયલ બાદ જોર્ડન, યુએઈ, ઇરાક, કુવૈત અને બહેરીનમાં ઈરાનના હુમલાઓના સાયરન વાગ્યા
અમેરિકી હુમલો અને આઈઆરઆઈએસ ડેનાની ઘટના
આ સમગ્ર મામલો 4 માર્ચની એ ઘટના સાથે જોડાયેલો છે. જ્યારે અમેરિકી સબમરીન ‘યુએસએસ ચાર્લોટી’એ હિંદ મહાસાગરમાં ઈરાની ફ્રિગેટ ‘આઈઆરઆઈએસ ડેના’ને ડૂબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં નૌસેના અભ્યાસ પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું. જોકે શ્રીલંકાએ તેના વિસ્તારમાં રહેલા બચેલા નાવિકોને હજુ ઈરાન મોકલ્યા નથી, પરંતુ ભારતે માનવીય અભિગમ અપનાવી ‘લવાન’ના ક્રૂ મેમ્બર્સને સ્વદેશ જવાની સુવિધા આપી હતી.
ભારત માટે કેમ મહત્વનું છે આ રૂટ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. ભારતની જરૂરિયાતનું આશરે 40% ક્રૂડ ઓઇલ આ માર્ગે આવે છે. કતારથી આવતો એલપીજી (LPG) નો મોટો જથ્થો પણ આ જ રસ્તે પસાર થાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, બે ટેન્કરો છૂટ્યા હોવા છતાં હજુ પણ ભારતના આશરે 22 ટેન્કરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતની આ કૂટનીતિ બાકીના ટેન્કરોને છોડાવવામાં કેટલી સફળ રહે છે.



