ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ | US Deploys Navy to Middle East Trump Briefed on Potential Powerful Strike Against Iran

US Deploys Navy to Middle East: અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો જાહેર કરીને આ ઓપરેશન વિશે વિગતો આપી છે. આ માહિતી મુજબ, અમેરિકા પોતાના નૌસેનાના જહાજોને મધ્ય એશિયામાં તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જહાજો લાંબા સમય સુધી દરિયામાં રહીને પોતાનું મિશન ચાલુ રાખી શકે તે માટે તેમાં મોટા પ્રમાણમાં ઈંધણ, ખાવા-પીવાની સામગ્રી, આધુનિક હથિયારો અને અન્ય આવશ્યક સામાન લોડ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શક્તિશાળી ગાઈડેડ-મિસાઈલ ડીસ્ટ્રોયર ‘યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક’ પર તમામ જરૂરી સપ્લાય અને સંસાધનો ભરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહે.
ટ્રમ્પને અપાયા ઈરાન પર હુમલાના વિકલ્પો
રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રૅડ કૂપરે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ઈરાન વિરુદ્ધ સંભવિત હુમલા માટેના વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. જો ટ્રમ્પ હુમલાનો નિર્ણય લે છે, તો ઈરાનની સૈન્ય તાકાત, તેના નેતાઓ અને મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ‘નાનો પણ અત્યંત શક્તિશાળી હુમલો’ કરવામાં આવી શકે છે. આ ઓપરેશનમાં ‘ડાર્ક ઈગલ’ જેવી અત્યાધુનિક હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.
સીઝફાયરની આડમાં ઈરાનની હથિયાર મેળવવાની કવાયત
અમેરિકન મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સીઝફાયરનો ઉપયોગ અગાઉના હુમલાઓમાં કાટમાળ કે જમીન નીચે દબાયેલા હથિયારોને બહાર કાઢવા માટે કરી રહ્યું છે. અમેરિકન અધિકારીઓના મતે, જો લશ્કરી ઓપરેશન ફરી શરૂ થાય છે, તો ઈરાન પોતાની આ ડ્રોન અને મિસાઈલ ક્ષમતાનો ઉપયોગ મધ્ય પૂર્વના દેશો પર હુમલા કરવા માટે કરી શકે છે.
તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ
ગુરુવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાના અહેવાલો મળ્યા હતા. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, નાના ડ્રોન અથવા જાસૂસી વિમાનોને તોડી પાડવા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. જોકે, આ કોઈ લશ્કરી કવાયત હતી કે ખરેખર કોઈ ખતરો હતો તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.




