યુદ્ધ-એફબીઆઈમાં છટણીથી અમેરિકા પર આતંકી હુમલાનું જોખમ વધ્યું | War FBI layoffs increase risk of terrorist attacks on America

![]()
– અમેરિકામાં ગયા સપ્તાહે ત્રણ આતંકી ઘટનાઓએ ચિંતા વધારી
– દેશની સુરક્ષા અને હિંસક ગુનાઓને રોકવા સતત કામ કરતા સમર્પિત એજન્ટો અને કર્મચારીઓની અછત : એફબીઆઈ
– ન્યાય વિભાગના વકીલોને એપસ્ટીનની ફાઈલોને રિલિઝ કરવા માટેની તૈયારી કરવાનું કામ સોંપાયું
વોશિંગ્ટન : અમેરિકાએ ઈઝરાયેલ સાથે મળીને મધ્ય-પૂર્વમાં ઈરાન પર ભારે મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વિચારતા હતા તેટલી ઝડપથી યુદ્ધ પુરું થાય તેવી શક્યતા ઓછી છે. બીજીબાજુ એફબીઆઈ અને ન્યાય વિભાગમાં અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા કર્મચારીઓની વિદાયના પગલે અમેરિકામાં આતંકવાદ વિરોધી સિસ્ટમ નબળી પડી ગઈ છે અને અમેરિકા પર આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે.
અમેરિકામાં ન્યૂયોર્ક સિટીમાં ઈસ્લામિક સ્ટેટ દ્વારા પ્રેરિત બે માણસોએ મેયરની ઓફિસર બહાર કટ્ટરવાદી જમણેરી દેખાવો સમયે શક્તિશાળી ઘરેલુ બનાવટનો બોમ્બ લઈને આવ્યા હતા. મિશિગનમાં લેબનોનથી આવેલા એક વ્યક્તિને સુરક્ષા દળોએ ઠાર કર્યો તે પહેલાં તેણે તેનું વાહન યહૂદી પૂજા સ્થળ સિનેગોગ સાથે અથડાવ્યું હતું. વર્જિનિયામાં અગાઉ આતંકવાદના ગુના હેઠળ સજા પામેલા એક માણસે ‘અલ્લા-હુ-અકબર’ની બૂમો પાડતા એક યુનિવર્સિટીના ક્લાસરૂમમાં હુમલો કર્યો હતો, જેને વિદ્યાર્થીઓએ મારી નાંખ્યો હતો.
અમેરિકામાં ગયા સપ્તાહે થયેલી આ હિંસક ઘટનાઓ ઈરાન યુદ્ધ અને એફબીઆઈ તથા ન્યાય વિભાગમાં મોટાપાયે છટણીની પૃષ્ઠભૂમિમાં દેશમાં આતંકી હુમલાના જોખમમાં વધારો થયો હોવાનો સંકેત આપે છે. કર્મચારીઓની છટણી અને રાજીનામા સાથે ગયા વર્ષે ટ્રમ્પ સરકારની અન્ય અગ્રતાઓ પૂરી કરવા માટે સંશાધનો અને કર્મચારીઓને અન્ય કામગીરી તરફ વાળવાથી આતંકી હુમલાના જોખમોને રોકવાની એફબીઆઈની ક્ષમતામાં ચિંતાજનક વધારો થયો છે.
એફબીઆઈના એક વરિષ્ઠ નિવૃત્ત અધિકારી ફ્રેન્ક મોન્ટોયાએ કહ્યું કે, અનેક અનુભવી કર્મચારીઓને હટાવી દેવાયા છે. એફબીઆઈએ જણાવ્યું હતું કે, તે કર્મચારીઓની છટણી અને નિર્ણયો પર કોઈ ટીપ્પણી નહીં કરે પરંતુ દેશની સુરક્ષા અને હિંસક ગુનાઓને રોકવા સતત કામ કરતા સમર્પિત વ્યાવસાયિક એજન્ટો અને કર્મચારીઓની અછત તેના માટે સમસ્યા છે.
અમેરિકામાં જાસૂસી, આતંકવાદ અને અન્ય જોખમોના ઉકેલ માટે ૨૦૦૬માં ન્યાય વિભાગમાં રાષ્ટ્રીય સુરક્ષા ડિવિઝનની શરૂઆત કરાઈ હતી. પરંતુ ગયા વર્ષે આ વિભાગના વકીલોને આતંકીઓને સજા અપાવવા, જાસૂસોને પકડવાના બદલે જેફરી એપસ્ટીનની ફાઈલોને રિલિઝ કરવા માટેની તૈયારી કરવાનું કામ સોંપાયું હતું. બીજીબાજુ એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે ફ્લોરિડાના માર-અ-લાગો એસ્ટેટમાં ગુપ્ત દસ્તાવેજો રાખવા સામે ટ્રમ્પના કેસની તપાસ કરનારા અનેક એજન્ટ્સની છટણી કરી હતી.
દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈની હત્યા કરી નાંખી છે ત્યારે ઈરાનના સત્તાવાળા અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ સહિત ટોચના નેતાઓ પર હુમલા કરાવે તેવી આશંકાઓ છે. નોંધનીય છે કે અમેરિકાના ન્યૂયોર્કમાં એક પાકિસ્તાની ઉદ્યોગપતિને ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના સંપર્કના નિર્દેશોનું પાલન કરી ૨૦૨૪માં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સહિત જાહેર હસ્તીઓને નિશાન બનાવવા માટે હીટમેનને ભાડે રાખવાનો પ્રયાસ કરવા બદલ ગયા સપ્તાહે સજા થઈ હતી.



