ઈરાન વિરુદ્ધના યુદ્ધને ખતમ કરવા રશિયાનો માસ્ટર પ્લાન ટ્રમ્પે ફગાવ્યો! જાણો પડદાં પાછળનો ખેલ | Trump Rejects Putin s Offer to Transfer Iranian Uranium to Russia Amid Middle East Crisis

Trump Putin Phone Call: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને ત્યારબાદ સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં પુતિને યુદ્ધ રોકવા માટે એક મહત્ત્વનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુતિને સૂચવ્યું હતું કે ઈરાન પાસે રહેલો યુરેનિયમનો જથ્થો રશિયામાં ટ્રાન્સફર કરી દેવો જોઈએ, જેથી ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. ટ્રમ્પનું માનવું છે કે તેઓ કોઈ નબળો સોદો કરવા માંગતા નથી.
પરમાણુ ક્ષમતા અને રશિયાના પ્રસ્તાવનું મહત્ત્વ
પુતિનનો આ પ્રસ્તાવ એટલા માટે મહત્ત્વનો હતો કારણ કે રશિયા પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને અગાઉ 2015ના કરાર વખતે પણ તેણે ઈરાનનું યુરેનિયમ સાચવ્યું હતું. પરંતુ હાલની સ્થિતિમાં ટ્રમ્પ અને અમેરિકન પ્રમુખના વહીવટીતંત્રને આ પ્રસ્તાવ યોગ્ય લાગ્યો નથી. સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ જણાવ્યું છે કે ઈરાનના યુરેનિયમ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા પાસે અન્ય ઘણા વિકલ્પો ખુલ્લા છે. બીજી તરફ, ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં એવી શંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા આ યુદ્ધમાં ઈરાનને મદદ કરી રહ્યું હોઈ શકે છે.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કરતાં પાડોશી દેશોમાં ફફડાટ!
આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. IAEA મુજબ, ઈરાન પાસે હાલ એટલો યુરેનિયમનો જથ્થો છે કે તેમાંથી 10 જેટલા પરમાણુ બોમ્બ બનાવી શકાય તેમ છે. ઈરાનના નતાંજ, ઇસ્ફહાન અને ફોર્દો જેવા પરમાણુ મથકો પર અગાઉ પણ હુમલા થઈ ચૂક્યા છે, છતાં ત્યાં હજુ પણ યુરેનિયમનો મોટો જથ્થો હોવાનું મનાય છે. હાલ સમગ્ર વિશ્વની નજર આ વ્યૂહનીતિ અને આગળ વધતા યુદ્ધ પર ટકેલી છે.



