LIVE : શારજહાંમાં અમેરિકન ઓઈલ જહાજ પર હુમલો, ઈરાકમાં US એમ્બેસી પર એર સ્ટ્રાઈક, ઈરાનનું તાબ્રિઝ ખાલી કરવા ઈઝરાયલની ધમકી | 5 US Planes Damaged in Iranian Strike Saudi Arabia March 14 2026

![]()
Iran vs Israel and USA War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં અમેરિકાના 5 વિમાનોને નુકસાન થયું છે.
Iran vs Israel and USA War Updates LIVE
ઇઝરાયલની ઇરાનને નવી ચેતવણી: તાબ્રિઝ ખાલી કરવા આદેશ
ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ હવે ઇરાનના અંદરના વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. ઇઝરાયલી સેનાએ ઉત્તર-પશ્ચિમ ઇરાનના તાબ્રિઝ (Tabriz) શહેરના પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે સત્તાવાર ચેતવણી આપી છે. ઇઝરાયલના ફારસી ભાષાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નકશો જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ આ વિસ્તારમાં રહેલા સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને એક પિસ્ટન ફેક્ટરીની આસપાસના મથકોને નિશાન બનાવવા જઈ રહ્યા છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુરક્ષા માટે આ વિસ્તારમાંથી દૂર જવું અનિવાર્ય છે, કારણ કે ત્યાં રહેવું તેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.
VIDEO : યુએઇ નજીક શારજહાંમાં અમેરિકાના યુદ્ધજહાજ પર ભયાનક હુમલો થતા બળીને રાખ
દુબઈમાં મિસાઇલનો કાટમાળ પડ્યો
દુબઈના મીડિયા ઓફિસના અહેવાલ અનુસાર દુબઈમાં ફરી એકવાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ મિસાઈલનો કાટમાળ ઈન્ટસેપ્ટ થયા બાદ દુબઈના મધ્યમાં આવેલી એક ઇમારતની નજીક પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તના અહેવાલ સામે આવ્યા નથી.
ઈરાકના બગદાદમાં અમેરિકન એમ્બેસી પર એર સ્ટ્રાઈક
મેસીએ ટ્રમ્પના વખાણ કરતાં ઈરાનમાં વિરોધ
અહેવાલો મુજબ, ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીએ ઈરાન વિરુદ્ધ અમેરિકાની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કરતા એક નવો વિવાદ છેડાયો છે. મેસીએ અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની પ્રશંસા કર્યા બાદ ઈરાનમાં તેના પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં ઈરાની બાળકો અને યુવાનો વિરોધ પ્રદર્શન તરીકે મેસીની જર્સી સળગાવતા જોવા મળ્યા હતા. ખેલ જગતની આટલી મોટી હસ્તી દ્વારા રાજકીય અને સૈન્ય સંઘર્ષમાં પક્ષ લેવામાં આવતા રમતપ્રેમીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ લોકો તેને મેસીની અંગત અભિવ્યક્તિ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ રમતગમતને રાજકારણથી દૂર રાખવાની માંગ ઉઠી રહી છે.
કતારના દોહામાં મિસાઈલ હુમલા
કતારના ડિફેન્સ મંત્રાલયના અહેવાલ અનુસાર દોહામાં ફરી એકવાર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા જેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. લોકોને આ હુમલા પહેલા જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
યુએઇએ 10 લોકોની ધરપકડ કરી
યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએઈની સરકારે મોટી કાર્યવાહી કરતાં સોશિયલ મીડિયા પર યુદ્ધને લગતા વીડિયો પોસ્ટ કરનારા 10 લોકોની ધરપકડ કરી લીધી છે. આ 10 લોકો જુદા જુદા દેશોના છે. તેમના પર અસલ અને ફેક બંને પ્રકારના વીડિયો શેર કરવાનો આરોપ છે. આ લોકોને હવે એક વર્ષની જેલ અને 1 લાખ દિરહામનો દંડ થઇ શકે છે.
નોન ઈમરજન્સી કર્મચારીઓ અને તેમના પરિવારો ઓમાન છોડો : અમેરિકાનો આદેશ
અમેરિકાના વિદેશ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે ઓમાનમાં રહેતાં અમેરિકન્સ માટે અચાનક મોટો આદેશ જાહેર કરી દીધો. તેમાં જણાવાયું કે ઓમાનમાં રહેતા અમેરિકાના નોન ઈમરજન્સી કર્મચારીઓ અને તેમના પરિવારો તાત્કાલિક ધોરણે ઓમાન છોડી દે. તેમના જીવને ખતરો હોઈ શકે છે. આ સાથે લેવલ-3ની ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરી દેવામાં આવી હતી.
સાઉદી અરેબિયાના એરબેઝ પર હુમલો
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલા ‘પ્રિન્સ સુલતાન એરબેઝ’ પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકન વાયુસેનાના 5 રિફ્યુલિંગ વિમાનો (KC-135) ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. અહેવાલમાં એવો દાવો પણ કરાયો છે કે આ વિમાનો હજુ સક્રિય મોડમાં છે અને તેનું સમારકામ ચાલી રહ્યુ છે.
ઈરાન અને હિઝબુલ્લાહે ઈઝરાયલમાં કેર વરસાવ્યો
ઈરાકમાં અમેરિકન વિમાન દુર્ઘટનામાં 6 જવાનોના મોત
અમેરિકન સેનાએ પુષ્ટિ કરી છે કે પશ્ચિમ ઈરાકમાં ક્રેશ થયેલા KC-135 રિફ્યુલિંગ એરક્રાફ્ટમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય એક વિમાન પણ સામેલ હતું, જે સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. આ ઘટના પાછળ કોઈ દુશ્મનનો હુમલો નહીં પરંતુ ટેકનિકલ કારણો હોવાની આશંકા છે.
ઈરાકી જૂથનો મોટો દાવો
બીજી તરફ, ઈરાન સમર્થિત ઈરાકી જૂથ ‘ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઈરાક’ એ દાવો કર્યો છે કે તેઓએ જ અમેરિકન વિમાનને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હજુ સુધી કોઈ દુશ્મનાવટભર્યા હુમલાની પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે.
અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 13 અમેરિકન જવાનો શહીદ થયા છે. અગાઉ કુવૈત અને સાઉદી અરેબિયામાં ડ્રોન હુમલામાં 7 જવાનોના મોત થયા હતા, જ્યારે ગઈકાલની દુર્ઘટનામાં વધુ 6 જવાનોએ જીવ ગુમાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 150 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેતવણી આપી છે કે ઈરાન વિરુદ્ધનું અભિયાન ચાલુ રહેશે. ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ઈરાન વળતો પ્રહાર કરશે, જેના કારણે જાનહાનિ વધી શકે છે, પરંતુ અમેરિકા પીછેહઠ કરશે નહીં.



