ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું: ભારત સહિત 60 દેશો સામે અનફેર ટ્રેડની તપાસ | Trump administration’s new movies: Unfair trade investigation against 60 countries including India

![]()
– ટ્રમ્પ હવે સુપ્રીમના ટેરિફના ચુકાદાનો તોડ કાઢવાની ફિરાકમાં
– યુએસટીઆરના પ્રવક્તાનો દાવો: અમારી ટેરિફની નીતિ યથાવત છે, પરંતુ ફક્ત ટૂલ્સ જ બદલાયા છે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આખા વિશ્વના દેશો પર નાખેલા ટેરિફને તેમની જ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવ્યા પછી પણ તે શસ્ત્રો હેઠા મૂકવાના મિજાજમાં નથી. તેમણે હવે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર અયોગ્ય રીતે વેપાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત સહિત કેટલાય દેશોની સામે તપાસ શરૂ કરી દીધી છે. સુપ્રીમે ટેરિફ ફગાવી દેતા ટ્રમ્પ તંત્રએ નવું ગતકડું કાઢ્યું છે.
ટ્રમ્પ હવે વિશ્વના બીજા દેશો પર ટેરિફ લગાવવા નવો જ રસ્તો કાઢવાની ફિરાકમાં છે. તેથી ભારત, ચીન, જાપાન, યુરોપીયન યુનિયન સામે અમેરિકાના ઉત્પાદન ક્ષેત્રના હિતોને વિપરીત અસર પાડતી અયોગ્ય વ્યાપારી રીતરસમો અપનાવી હોવાનું જણાવી તપાસ શરૂ કરી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (યુએસટીઆર) જેમિસન ગ્રીયરે ૧૯૭૪ના ટ્રેડ એક્ટની જોગવાઈ ૩૦૧(બી) હેઠળ વિવિધ અર્થતંત્રો સામે તપાસ શરૂ કરી છે. યુએસટીઆરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ સુનિશ્ચિત કરશે કે આ દેશોની રીતરસમો, નીતિઓ, અને કાયદાઓ અમેરિકન વેપાર માટે અયોગ્ય ભેદભાવ કરનારી કે બોજારૂપ કે અતાર્કિક છે.
ગ્રીરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે બીજા દેશો માટે તેના ઇન્ડસ્ટ્રીયલ બેઝનું બલિદાન નહીં આપે.બીજા દેશોની વધુ પડતી ઉત્પાદન ક્ષમતાનો ભોગ અમેરિકા શા માટે બને. તે અમેરિકાની મુશ્કેલી નથી. તમણે જણાવ્યું હતું કે આ તપાસ પ્રમુખ ટ્રમ્પની સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવાનો અને અમેરિકન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અમેરિકન કામદારો માટે સારું વેતન આપતી નોકરીઓ સુનિશ્ચિત કરવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના આ પગલાંના કારણે તેના મુખ્ય વ્યાપારિક ભાગીદારો સાથે તનાવ વધી શકે છે.
ગ્રીરે જણાવ્યું હતું કે ટ્રમ્પ તંત્રના રીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના પ્રયત્નોને વિદેશી અર્થતંત્રોની વધુ પડતી ક્ષમતાનો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમારી નીતિઓ યથાવત્ છે,પરંતુ ટૂલ્સ બદલાયા છે. તેમની તપાસના બે મુખ્ય ક્ષેત્ર છે એક તો વધુ પડતું ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષમતા સાથે જોડાયેલી તપાસ. બીજું પરાણે કરાવવામાં આવતા શ્રમ એટલે કે ફોર્સ્ડ લેબરથી બનેલા પ્રોડક્ટ સાથે આયાત સંલગ્ન તપાસ. તેમા પણ ફોર્સ્ડ લેબર પ્રોડક્ટ્સ અંગેની તપાસના લીધે ૬૦ દેશો પર અસર થઈ શકે છે. તેમાં ચીન, યુરોપીયન યુનિયન, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ,નોર્વે, ઇન્ડોનેશિયા, મલેશિયા, કમ્બોડિયા, થાઇલેન્ડ, સાઉથ કોરીયા, વિયેતનામ, તાઇવાન, બાંગ્લાદેશ,મેક્સિકો, જાપાન અનેે ભારતનો સમાવેશ થાય છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બૈજિંગમાં ચીનના પ્રમુખ સાથે મહત્ત્વની બેઠક પ્રસ્તાવિત છે તેના પહેલાં આ પગલું ઉઠાવાયું છે. આ તપાસ વૈશ્વિક વ્યાપાર વાતાવરણને વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ટ્રમ્પ પાસે તેના માટે કોમેન્ટ્સનું ડોકેટ ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ ખૂલશે. યુએસટીઆર આ અંગેની સુનાવણી પાંચ મે ૨૦૨૬ના રોજથી શરૂ કરશે. સુપ્રીમે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી ટ્રમ્પે ૧૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેણે તેને ૧૫૦ દિવસમાં યુએસ કોંગ્રેસમાં મંજૂર કરાવવો પડશે. તેની અંતિમ તારીખ ૨૪ જુલાઈ છે. જો તે યુએસ કોંગ્રેસમાં મંજૂર નહીં કરાવી શકે તો તે એક્સ્પાયર થઈ જશે.



