યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા | US Military Refueling Plane KC 135 Crashes in Iraq Iran War 2026

![]()
US Military Refueling Plane KC-135 Crashes in Iraq : મિડલ ઈસ્ટમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે અમેરિકાની સેના માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાક પર ઉડાન ભરી રહેલું અમેરિકાનું એક વિશાળ મિલિટરી રિફ્યુલિંગ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
ઓપરેશન ‘એપિક ફ્યુરી’ દરમિયાન અકસ્માત
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન અમેરિકાનું KC-135 રિફ્યુલિંગ વિમાન ઈરાકમાં ક્રેશ થયું છે. આ વિમાન હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમને શોધવા માટે હાલમાં મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
દુશ્મનનો હુમલો નહીં, ટેકનિકલ કારણોની આશંકા
અમેરિકન સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માત દુશ્મન દેશના કોઈ હુમલા કે ‘ફ્રેન્ડલી ફાયર’ને કારણે થયો નથી. સેનાના નિવેદન મુજબ, તે સમયે બે વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેમાંથી એકનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે જ્યારે બીજું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
યુદ્ધમાં અમેરિકાને થઈ રહ્યું છે મોટું નુકસાન
28 ફેબ્રુઆરીથી ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા આ સૈન્ય ઓપરેશનમાં અમેરિકન સેનાને સતત ફટકો પડી રહ્યો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 7 અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે 150 જેટલા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાક અને સીરિયામાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર થઈ રહેલા હુમલાઓએ ટ્રમ્પ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.



