મોદીને ફોન કરો…ઇરાન યુદ્ધ બંધ કરવા માટે પૂર્વ સૈન્ય અધિકારીની ટ્રમ્પને સલાહ | Call Modi Former military officer advises Trump to stop Iran war

![]()
– અમેરિકા અને ઇઝરાયેલના પ્રચંડ હુમલાથી તહેરાન સહિત સમગ્ર ઇરાનમાં અફડા તફડી મચી ગઈ છે : ખાડી ક્ષેત્રના તમામ દેશો અસલામતી અનુભવે છે
વૉશિંગ્ટન : અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળી ઇરાન પર કરેલા પ્રચંડ હુમલાને લીધે સમગ્ર મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ વ્યાપી રહી છે. ઇરાનમાં તો તહેરાન સહિત સમગ્ર દેસમાં અફડા તફડી મચી ગઈ છે. ઇરાનના વળતા હુમલાથી ખાડી ક્ષેત્રના તમામ દેશો અસુરક્ષાની સ્થિતિમાં રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેઇટસ પર કરાયેલી નાકાબંધીથી વિશ્વભરમાં ક્રૂડની કિંમત આસમાને પહોંચવા લાગી છે. એલપીજીની અછતને લીધે એશિયાના તમામ દેશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આ સ્થિતિમાં આ યુદ્ધ બંધ કરવાની વકીલાત કરનારાઓમાં અમેરિકાના એક પૂર્વ વરિષ્ટ લશ્કરી અધિકારી ડગ્લાસ મેકગ્રેગરે કહ્યું છે કે મંત્રણા દરમિયાન જ હુમલો કરી ટ્રમ્પે અમેરિકાની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. તે પરિસ્થિતિમાં હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી મધ્યસ્થા કરવા કહેવું જોઇએ. કારણ કે તેઓને ઇરાન તથા ઇઝારયલ તેમ બંને સાથે સારા સંબંધો છે.
ટકર કાર્લસન પોડકાસ્ટમાં આ યુદ્ધ અંગે વાતચીત કરતાં ડગ્લાસે કહ્યું કે ઇરાનમાં સત્તાપરિવર્તન કરવું જરાકે સહેલું નથી. આપણે વાયુસેના અને નૌ-સેના દ્વારા આ યુદ્ધ લાંબુ ચલાવી નહીં શકીએ, છતાં તે ચાલુ જ રાખીશું તો આપણને ઘણું બધું નુકસાન થશે. તેથી આપણે વહેલામાં વહેલી તકે મધ્યસ્થતા તરફ જોવું જોઇએ.
આ સાથે ડગ્લાસ મેકગ્રેગરે કહ્યું : અમેરિકાના પહેલા હુમલામાં જ ખામેનેઇ અને તેમનાં કુટુમ્બના કેટલાયે સભ્યો માર્યા ગયા છે. હવે જે નવા સુપ્રીમ લીડર બન્યા છે તેઓનાં પત્ની, મા, પિતા અને તેમના એક પુત્ર કે પુત્રી પણ માર્યા ગયાં છે. હવે આવી વ્યક્તિ, જ સુપ્રીમ લીડર બને તો તે આપને નફરત કરે જ તે સ્વાભાવિક છે.
કાર્લસને શાંતિ અને મધ્યસ્થના ઉપર ભાર મુકતાં તટસ્થ રાષ્ટ્ર તરીકે ભારત ઉપર ભાર મુકતાં કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરવો જોઇએ તેમને ઇઝરાયલ તથા ઇરાન બંને સાથે સારા સંબંધો છે. ઇરાનને ભારત સાથે દુશ્મનાવટ નથી કે શિયા સંપ્રદાય પ્રત્યે પણ દુશ્મનાવટ નથી. તેઓ જ ઇઝરાયલ ઇરાનને મંત્રણા માટે બોલાવી શકે તેમ છે.
ગમે તેમ કરીને પણ આ યુદ્ધ બંધ કરાવવું જ જોઇએ.


