ટ્રમ્પનું નવું ‘ટેરિફ વોર’: ભારત અને ચીન સહિત 60 દેશો સામે તપાસના આદેશ, વૈશ્વિક બજારમાં ફફડાટ | US Starts New Trade Probe Against India China EU Trump Tariff 2026 Gujarati

![]()
Donald Trump New Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી તપાસ શરૂ કરી છે. ટ્રમ્પ સરકારનું માનવું છે કે આ દેશોની વેપાર પદ્ધતિઓ ‘અયોગ્ય’ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉના ટેરિફ રદ કરવામાં આવ્યા બાદ, ટ્રમ્પ હવે નવા કાયદાકીય માર્ગો અપનાવીને ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યા છે.
બે મુખ્ય મુદ્દાઓ પર તપાસ: ઉત્પાદન અને મજૂરી
અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) જેમિસન ગ્રીરના જણાવ્યા મુજબ, તપાસ બે સ્તરે કરવામાં આવશે.
વધારે પડતું ઉત્પાદન (Over-production): ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો જરૂરિયાત કરતા વધુ ઉત્પાદન કરીને અમેરિકાના બજારને નુકસાન પહોંચાડી રહ્યા છે.
બળજબરીથી મજૂરી (Forced Labor): બળજબરીથી મજૂરી કરાવીને તૈયાર કરાયેલા સામાનની આયાત રોકવા માટે અંદાજે 60 દેશોને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.
ગ્રીષ્મ ઋતુ સુધીમાં લાગી શકે છે દંડ
USTR એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ દેશો સાથેનો વેપાર નિષ્પક્ષ નહીં જણાય, તો આ વર્ષના ઉનાળા સુધીમાં નવા ટેરિફ અથવા મોટો દંડ લાદવામાં આવી શકે છે. આ યાદીમાં વિયેતનામ, થાઈલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે, જ્યારે કેનેડાને હાલમાં આમાંથી બહાર રાખવામાં આવ્યું છે. ગ્રીરે કહ્યું કે, “અમારે અમેરિકાની નોકરીઓ બચાવવાની છે, જો તેના માટે ટેક્સ વધારવો પડશે તો અમે પાછળ નહીં હટીએ.”
શી જિનપિંગ સાથેની મુલાકાત પહેલા મોટો દાવ
આ નિર્ણય વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે, કારણ કે એપ્રિલમાં બેઇજિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વની બેઠક થવાની છે. આ બેઠક પહેલા જ તપાસ શરૂ કરીને ટ્રમ્પ ચીન અને અન્ય દેશો પર દબાણ વધારવા માંગે છે.



