दुनिया

યુદ્ધ હવે પૂરું થવાના આરે: પ્રમુખ ટ્રમ્પ તમે નહીં યુદ્ધ અમે પૂરું કરીશુ: ઇરાન | The war is now about to end: President Trump we will end the war not you: Iran



– પુતિન સાથે કલાકની વાતચીત પછી ટ્રમ્પની મહત્ત્વની જાહેરાત

– અમેરિકન સૈન્યને જહાજને પકડવા કરતાં ડૂબાડી દેવામાં વધારે મજા આવે છે: ટ્રમ્પના નિવેદનની આકરી ટીકા

વોશિંગ્ટન : ઇરાન સામે મહિના કે તેના કરતાં પણ વધુ સમય સુધી યુદ્ધ કરીશું તેવી ડંફાસ હાંકનારા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અચાનક જ યુ ટર્ન લેતા જણાવ્યું છે કે યુદ્ધ હવે પૂરુ થવાના આરે છે. તેનો વળતો જવાબ આપતા ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ જણાવ્યું હતું કે યુદ્ધ તમે શરૂ કર્યુ હતુ, પરંતુ યુદ્ધ હવે અમે પૂરુ કરીશું. આમ યુદ્ધને અમે ખતમ થવા નહીં દઈએ. 

ઇરાને અમેરિકાના પ્રમુખની મરજીથી વિરુદ્ધ જઈને નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી હોવા છતાં પણ ટ્રમ્પે યુદ્ધ લાંબુ નહીં ચાલે અને ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે તેવી વાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આને ટ્રમ્પનો વધુ એક યુ ટર્ન માનવામાં આવે છે. જો કે ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાને વૈશ્વિક ઓઇલ પુરવઠાને અટકાવવાનો જરા પણ પ્રયત્ન કર્યો તો અમે ઇરાનને બરોબરનો પદાર્થપાઠ શીખવાડીશું. 

આ દરમિયાન ઇરાને ઇઝરાયેલ અને અખાતી દેશો પર હુમલાનો નવો રાઉન્ડ શરૂ કર્યો છે, જેથી મધ્યપૂર્વના દેશો પર દબાણ આવે. બહેરીનમાં એક મહિલાનું મોત થયું હતું અને આઠને ઇજા થઈ હતી. સાઉદી અરેબિયાએ બે ડ્રોન ખતમ કર્યા હતા. જ્યારે કુવૈતના નેશનલ ગાર્ડ છે ડ્રોન તોડી પાડયા હતા. જ્યારે યુએઈમાં ઇન્ડસ્ટ્રીયલ ટાઉન રિવાઈ પર ઇરાનનું ડ્રોન ત્રાટક્યુ હતુ. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.  ટ્રમ્પે જણાવ્યું હતું કે અમને જે ભય હતો તે ખતમ થતાં અમે હવે તરત જ યુદ્ધનો અંત લાવી દઇશું. તેના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ ઘટી જશે અને અમેરિકન કુટુંબોને હાલાકી ભોગવવી નહીં પડે. ઉલ્લેખનીય છે કે તાજેતરના જ એક સર્વેક્ષણમાં મોટાભાગના લોકોએ અમેરિકાના ઇરાન સાથેના યુદ્ધનો વિરોધ કર્યો હતો.

જો કે આ બધાની વચ્ચે ટ્રમ્પે એક એવું નિવેદન કર્યુ છે જેની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે મને જણાવ્યું હતું કે જહાજો પકડવાના બદલે તેમને ડૂબાડી દેવા વધારે મજેદાર છે. આ વધારે સુરક્ષિત અભિગમ છે. ઉલ્લેખનીય છે કે ખાડી યુદ્ધમાં અમેરિકા ઇરાનના ૪૮ યુદ્ધજહાજ ડૂબાડી દેવાનો દાવો કરી રહ્યુ છે. ટ્રમ્પને આ વાતને તાજેતરમાં ભારતીય સમુદ્રમાં ઇરાનના નૌકાદળના જહાજને ડૂબાડી દેવામાં આવ્યુ તે સંદર્ભમાં જોવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે યુદ્ધના લીધે વૈશ્વિક બજારોમાં અને અમેરિકામાં પણ મધ્યપૂર્વથી આવતો ઓઇલ-ગેસનો પુરવઠો અટવાઈ ગયો છે. તેના કારણે આખા વિશ્વમાં ઓઇલ-ગેસના ભાવમાં ઉછાળો થયો છે. ટ્રમ્પના નિવેદનના પગલે તરત જ ક્રૂડ ઓઇલ માર્કેટમાં આવેલો ઉછાળો બેસી ગયો હતો અને ૧૨૦ ડોલરના ભાવે ગયેલુ ક્રૂડ ૯૦ ડોલર પર આવી ગયુ હતુ. આ ઉપરાંત  ટ્રમ્પ કહે છે તેમ યુદ્ધ વહેલા પૂરુ થઈ જાય તો ક્રૂડ પાછુ ૬૦થી ૭૦ ડોલરની વચ્ચે આવી શકે છે.

ટ્રમ્પે આ નિર્ણય રશિયન પ્રમુખ પુતિન સાથેની ચર્ચા પછી લીધો છે. પુતિન અને ટ્રમ્પ વચ્ચે એક કલાક ચર્ચા થઈ હતી. પુતિને જણાવ્યું હતું કે તેમણે ઇરાનના પ્રમુખ અને અન્ય રાજકીય આગેવાનો અને મધ્યપૂર્વના આરબ દેશના વડાઓ સાથે વાત કરીને ફોન કર્યો છે. પુતિનનું કહેવું હતું કે અમેરિકા સાથેના યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ જ ઉચકાયા નથી. વૈશ્વિક ઉર્જા બજાર પર વિપરીત અસર પડી છે. તેની સાથે યુક્રેન સાથેના યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી. આ સિવાય રશિયાના મિત્ર દેશો પર લાદેલા પ્રતિબંધોને ઉઠાવવાના સંદર્ભમાં પણ વાતચીત થઈ હતી. ટ્રમ્પનો દાવો હતો કે વાતચીત ખૂબ જ સારી રહી હતી. આ દરમિયાન ૨૦ વિસ્ફોટોએ તહેરાનને હચમચાવી નાખ્યું હતું.

આ દરમિયાન ઇરાનના આઇઆરજીએસ કમાન્ડે જણાવ્યું હતું કે યુદ્ધ ચાલે છે ત્યાં સુધી અમે હોર્મુઝની ખાડીમાંથી એક લિટર પણ ઓઇલ બહાર નહીં જવા દઈએ. તેણે ટ્રમ્પની ધમકીના જવાબમાં આમ જણાવ્યું હતું. 

ઇરાને ઇઝરાયેલ પર છોડેલી મિસાઇલ પર નવા સુપ્રીમ લીડરની સહી

અલી ખામેનેઈના પુત્ર મોજતબા ઇરાનના સુપ્રીમ લીડર તરીકેનો કાર્યભાર સંભાળતા જ પહેલો હુમલો ઇઝરાયેલ પર કર્યો. ઇરાનના નવા સર્વોચ્ચ નેતાએ ઇઝરાયેલને લક્ષ્યાંક બનાવીને છોડેલી મિસાઇલ પર એક સંદેશ લખી સહી કરી હતી. હોદ્દા પર નિમણૂક થયાના ગણતરીના કલાકો પછી મોજતબા ખામેનેઈએ પોતાનો પહેલો હુમલો ઇઝરાયેલ પર કર્યો. સત્તા પર આવ્યા પછી પોતાના પહેલા પગલામાં એકમાં તેમણે એક મિસાઇલની તસ્વીર જારી કરી. મિસાઇલ પર લખ્યું હતું કે તમારી સેવામાં સૈયદ મોજતબા. આ પોસ્ટ ટેલિગ્રામ ચેનલ પર કરવામાં આવી હતી. મિસાઇલ પર મોજતબાની સહીવાળી તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.



Source link

Related Articles

Back to top button