दुनिया

ઇરાન યુધ્ધના પગલે વૈશ્વિક ઉર્જા કટોકટીનો તોળાતો ભય, પેટ્રોલ- ડિઝલનું પેનિક બાઇંગ શરુ થયું | Fears of global energy crisis looming in wake of Iran war panic buying of petrol and diesel


ન્યૂયોર્ક,૧૦ માર્ચ,૨૦૨૬,મંગળવાર 

મિડલ ઇસ્ટમાં અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલતા યુધ્ધના કારણે ઉર્જા બજારમાં હાહાકાર મચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થવાથી ક્રુડ તેલ મોંઘું થઇ ગયું છે એટલું જ નહી પાકિસ્તાનથી લઇને અમેરિકા અને યુરોપ સુધીના પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળે છે. ભારત સહિતના અનેક દેશોએ ફયુલ સંકટનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો અવરોધાવાના લીધે જ ક્રુડમાં ૨૫ ટકાનો ઉછાળ આવ્યો છે જે આગળ જતા વધે તેવી શકયતા ડોકાઇ રહી છે. કયાંક ઉર્જાની અછત તો નહી સર્જાયને એ બાબતે નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે. વિશ્વનું ૩૧ ટકા જેટલો ઉર્જા અને ગેસનો કાચો માલ ખાસ કરીને લિકિવફાઇડ નેચરલ ગેસ ખાડીમાંથી આવે છે.

 નિષ્ણાતોનું માનવું છે કે જો ઇરાન યુધ્ધ લાંબો સમય સુધી ચાલ્યું તો ક્રુડનો ભાવ ૧૨૦ થી ૧૪૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. દુનિયા ભરના શેરબજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહયો છે. પાકિસ્તાનની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ૫૫ રુપિયા પ્રતિ લિટર વધી છે. ઇંધણ બચાવવા માટે સરકારે સ્કૂલ બે સપ્તાહ સુધી બંધ કરી છે. સરકારી ઓફિસો પણ માત્ર ૪ દિવસ ખુલ્લી રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશે પણ રાશનની કટોકટી લાગુ પાડી છે. મોટર સાયકલ માટે ૨ લિટર અને કાર માટે ૧૦ લિટર પેટ્રોલની મર્યાદા નકકી કરવામાં આવી છે. સંગ્રાહખોરીને રોકવા માટે પેટ્રોલ પંપ પર રસીદ ચેક કરવામાં આવી રહી છે. ફ્રાંસ અને જર્મની જેવા યુરોપીય દેશોમાં પણ તેલની કિંમતોમાં વધારો થયો છે. 

ઇરાન યુધ્ધના પગલે વૈશ્વિક ઉર્જા કટોકટીનો તોળાતો  ભય, પેટ્રોલ- ડિઝલનું પેનિક બાઇંગ શરુ થયું 2 - image

ફ્રાંસમાં લોકો ભવિષ્યની ચિંતાના પગલે પ્રેટ્રોલ પંપ પર પેનિક બાઇંગ કરી રહયા છે. જર્મનીના ચાન્સેલર વધતી જતી ઉર્જા કિંમતોને લઇને ચિંતા વ્યકત કરી છે. પોલેન્ડમાં પણ તણાવ પૂર્ણ સ્થિતિ છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાગમાં ૧૪ ટકા જેટલો વધારો થયો છે લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરવા લાગ્યા છે. અમેરિકાના ફલોરિડા અને લુઇસિયાનામાં ગેસ પંપો પર કિંમતોમાં ૧૧ સેન્ટ જેટલો વધારો થયો છે. મિડલ ઇસ્ટમાં ક્રાઇસિસે અમેરિકનોની પણ તકલીફ વધારી છે. એશિયન દેશ વિયેતનામે ઇંધણ બચાવવા માટે લોકોને અપીલ કરી છે. પેટ્રોલ ની તંગીનો સામનો કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. સરકારે ઇલેકટ્રીક અને હાઇબ્રિડ વાહનો અપનાવવાની ભલામણ કરી છે. 

શ્રીલંકામાં પણ પેનિક બાઇંગને રોકવા માટે ઇંધણની કિંમતોમાં ૮ ટકા વધારો કર્યો છે જો કે સરકાર પાસે એપ્રિલ સુધીનો પુરતો સ્ટોક છે. ઇન્ડોનેશિયા પણ વધતી જતી ઉર્જા કિંમતોને લઇને ચિંતામાં પડયું છે. ત્યાંની સરકાર પોતાની બાયો ડિઝલની યોજનાને ફરી લાગુ કરવાનું વિચારી રહી છે. સરકાર બજારમાં ક્રુડના વધતા જતા ભાવ પર નજર રાખી રહી છે. આમ દુનિયાના અનેક દેશોની સરકારે પોતાના નાગરિકોને પેનિક બાઇંગ નહી કરવાની અને ઉર્જા બચાવવાની લોકોને અપીલ કરી છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસો વૈશ્વિક અર્થ વ્યવસ્થા માટે અત્યંત પડકારજનક બની શકે છે.દરેક દેશ પોતાની ઉર્જા જરુરિયાતો માટે સંઘર્ષ કરી રહયો છે.



Source link

Related Articles

Back to top button