ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને ‘મોટી ગિફ્ટ’ આપવાની તૈયારીમાં ટ્રમ્પ! ઓઈલના ભાવ પણ ઘટશે | donald trump hints temporary waivers on russian oil sanctions amid iran war crude crisis

Trump Hints Russian Oil Ban Lifts: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના પગલે કાચા તેલના ભાવમાં ભારે ઉથલપાથલ મચી છે. એક તરફ કતાર, કુવૈત અને ઈરાક જેવા મોટા તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે અને બીજી તરફ ઈરાને ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માં અવરોધો ઊભા કરતાં દુનિયાભરમાં તેલની અછતનો ડર ઊભો થયો છે. આ કટોકટી વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેલની અછત રોકવા માટે મોટા સંકેત આપતા જણાવ્યું છે કે, તેઓ વૈશ્વિક તેલ બજારને સ્થિર કરવા માટે કેટલાક દેશો પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવી શકે છે.
રશિયન તેલ પરના પ્રતિબંધોમાં ઢીલના સંકેત
મીડિયા અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન રશિયન તેલ પરના પ્રતિબંધોમાં કામચલાઉ ઢીલ આપવા પર વિચાર કરી રહ્યું છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને રોકવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ખાતરી આપી હતી કે, તેમનું પ્રશાસન તેલ પુરવઠો વધારવા માટે સક્રિય છે અને ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માં શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પ્રતિબંધોમાં રાહત આપી શકાય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ દુનિયામાં તેલની અછત થવા દેશે નહીં.
આ પણ વાંચો: ‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!’, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય, દુનિયા સ્તબ્ધ
ક્રૂડ ઓઈલના ભાવમાં 25%નો તોતિંગ ઉછાળો
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ઈરાને બહેરીનના પેટ્રોલિયમ કોમ્પ્લેક્સ સહિત ખાડી વિસ્તારમાં અનેક હુમલા કર્યા છે, જ્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ ચેતવણી આપી છે કે યુદ્ધનો અંત ક્યારે આવશે તે તેઓ નક્કી કરશે. સામા પક્ષે ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નેવી હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનો અને રશિયન તેલ પરથી પ્રતિબંધ હટાવવાના સંકેતોની અસર સીધી બજાર પર જોવા મળી હતી. સોમવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 25%ના ઉછાળા સાથે 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો, જે ટ્રમ્પની હસ્તક્ષેપની ખાતરી બાદ ગગડીને 91 ડોલરની આસપાસ આવી ગયો હતો.




