ઈઝરાયેલ ગાઝાની રણનીતિ લેબેનોનમાં અપનાવશે : હિઝબુલ્લાહને એક ખૂણામાં ધકેલશે | Israel will adopt Gaza strategy in Lebanon: push Hezbollah into a corner

![]()
– લેબેનોનમાં જીત બાદ મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ સર્વોપરી બનશે
– સરહદથી ૩૦ કિમી દૂર લિતાની નદી સુધીના વિસ્તાર પર કબજો જમાવશે, જે ઈઝરાયેલની સૌથી મોટી વ્યૂહાત્મક જીત સાબિત થશે
બૈરુત: ઈઝરાયેલને ગાઝામાં હમાસ સામેની રણનીતિનું પરિણામ જીતના રૂપમાં મળ્યું હતું. ઈઝરાયેલે પહેલા હમાસને એક ખૂણામાં ધકેલી દીધું હતું અને ત્યારબાદ તેની ઉપર તાબડતોડ હુમલા કરીને ટોપ નેતાઓને ખતમ કરી નાખ્યા હતા. હવે, લેબેનોનમાં પણ ઈઝરાયેલ આ જ રણનીતિ અપનાવી રહ્યું છે. સૈન્ય વિશ્લેષકોના મતે, ઈઝરાયેલ દક્ષિણ લેબેનોનમાં એક પ્રકારનો સિક્યોરિટી બફર ઝોન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ હિઝબુલ્લાહને ઈઝરાયેલની સરહદથી દૂર ધકેલવાનો છે. જેથી તેઓ ઉત્તર ઈઝરાયેલના શહેરો પર રોકેટ અથવા અન્ય હુમલા સરળતાથી ન કરી શકે. જાણકારોના મતે, ઈઝરાયેલ સરહદથી લગભગ ૪ થી ૫ કિમી સુધીનો સુરક્ષા વિસ્તાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે સમય જતાં ૩૦ કિમી સુધી વિસ્તારવામાં આવશે. આ વિસ્તારમાં લિતાની નદીને આવરી લેવામાં આવશે. લિતાની નદીને લાંબા સમયથી દક્ષિણ લેબેનોનમાં મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સરહદ માનવામાં આવે છે. આ વિસ્તાર પર કબજો હિઝબુલ્લાહના નેટવર્કને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવાશે. ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે, તેમનો હેતુ લેબેનોન પર કાયમી કબજો જમાવવાનો નથી. તેમનો ઉદ્દેશ હિઝબુલ્લાહની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો અને ઉત્તર ઈઝરાયેલના શહેરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ, સિક્યોરિટી એક્સપર્ટના મતે, ઈઝરાયેલની આર્મીની હાજરી લાંબા સમય સુધી લેબેનોનમાં રહી તો તે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલ અપ્રત્યક્ષ કબજો જમાવી દેશે.
– ૧૯૮૫થી ૨૦૦૦ સુધી ઈઝરાયેલનું નિયંત્રણ
ઈઝરાયેલે અગાઉ પણ લેબેનોનમાં સિક્યોરિટી ઝોન બનાવ્યો હતો. ૧૯૮૫થી ૨૦૦૦ સુધી ઈઝરાયેલ અને તેના સાથી દળોએ લેબેનોનની અંદર લગભગ ૫ થી ૨૦ કિમી સુધીનો વિસ્તાર પોતાના નિયંત્રણમાંરાખ્યો હતો. આ સિક્યોરિટી ઝોનનો હેતુ ઉત્તર ઈઝરાયેલમાં અવારનવાર થતા હુમલાઓને અટકાવવાનો હતો. પરંતુ, લાંબા સમય સુધી ચાલેલી અથડામણો બાદ ઈઝરાયેલે વર્ષ ૨૦૦૦માં પોતાની સેનાને પાછી બોલાવી લીધી હતી.
હિઝબુલ્લાહનું સંખ્યાબળ ૯૦,૦૦૦થી વધુ : રિપોર્ટ
હિઝબુલ્લાહને મધ્ય પૂર્વના સૌથી શક્તિશાળી સશસ્ત્ર સંગઠનોમાંનું એક માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ, હિઝબુલ્લાહ પાસે લગભગ ૯૦,૦૦૦ થી ૧ લાખનું સંખ્યાબળ છે. તેની પાસે મોટી સંખ્યામાં અત્યાધુનિક રોકેટ અને ડ્રોન છે. ઈઝરાયેલ જાણે છે કે, હિઝબુલ્લાહની તાકાતના જોરે હમાસ પણ પુનઃસંગઠિત થઈ જશે એટલે જ ઈઝરાયેલ હિઝબુલ્લાહની કમર તોડીને મધ્ય પૂર્વમાં મોટી જીત મેળવવા માંગે છે.



