ટ્રમ્પ સરકારની રૂ.15 લાખ કરોડનું ટેરિફ રિફંડ ચૂકવવાની યોજના તૈયાર | Trump government’s plan to pay tariff refunds worth Rs 15 lakh crore ready

![]()
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ‘ગેરકાયદે’ ટેરિફનો મોટો ઝટકો
અમેરિકાના ૩,૩૦,૦૦૦ ઈમ્પોર્ટર્સને એક જ પેમેન્ટમાં રિફન્ડ ચૂકવવા માટે ૪૫ દિવસમાં સિસ્ટમ તૈયાર કરાશે
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે સત્તા સંભાળ્યા બાદ તુરંત જ મરજીપડે તેમ દુનિયા પાસેથી જંગી ટેરિફની વસૂલાત કરી હતી, પરંતુ ટ્રમ્પના આ ટેરિફને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી દીધા હતા. હવે પ્રમુખ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે ચાલતા યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો પાસેથી ગેરકાયદે રીતે વસૂલેલા ટેરિફની રકમ આયાતકારોને પાછી ચૂકવવી પડશે. આ સ્થિતિમાં અમેરિકાને બેવડો ફટકો પડયો છે. ઈરાન સામેના યુદ્ધમાં જંગી ખર્ચ વચ્ચે અમેરિકાએ ૧૬૬ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૫ લાખ કરોડ)ના ગેરકાયદે ટેરિફની રકમ અમેરિકાના ૩.૩૦ લાખ આયાતકારોને રિફન્ડ કરવી પડશે. અમેરિકા આ રિફન્ડ ચૂકવવા માટે ૪૫ દિવસમાં સિસ્ટમ તૈયાર કરશે.
અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયા પર ટેરિફ નાંખવાની સત્તા નહીં હોવાનો ચૂકાદો આપ્યા પછી અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં વસૂલેલા ૧૬૬ અબજ ડોલર જેટલી જંગી રકમ પાછી આપવાનો મુદ્દો ઉભો થયો હતો. ટ્રમ્પ સરકારે આ રકમ વિલંબથી ચૂકવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમે આ અરજી ફગાવી દીધી હતી.
આ અંગેના કેસની સુનાવણીમાં અમેરિકન કસ્ટમ એજન્સીના અધિકારીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, સરકાર દેશના ૩,૩૦,૦૦૦ આયાતકારોને એક જ પેમેન્ટમાં રિફન્ડ ચૂકવવા માટે ૪૫ દિવસની અંદર એક સિસ્ટમ તૈયાર કરશે. આયાતકારોને મેન્યુઅલ પ્રક્રિયાથી આ રિફન્ડ ચૂકવવામાં આવે તો તેમાં અંદાજે ૪૦ લાખ કલાકનો સમય લાગી શકે છે. જોકે, અમેરિકન કસ્ટમ એજન્સી અધિકારીના નિવેદન પરથી પ્રમુખ ટ્રમ્પના આક્રમક વેપાર એજન્ડાના ભાગરૂપે વસૂલવામાં આવેલા ટેરિફનું રિફન્ડ અમેરિકન આયાતકારોને ક્યારે મળશે તે અંગે હજુ આશંકા સેવાઈ રહી છે.
અમેરિકન ઈમ્પોર્ટર્સને મળનારા રિફન્ડનો ફાયદો ભારતીય નિકાસકારોને પણ મળશે. ભારત પર અમેરિકાના ૫૦ ટકા ટેરિફ ઘટીને ૧૫ ટકા થઈ ગયા હોવાના કારણે પણ ભારતીય નિકાસકારોને આ લાભ મળશે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના ટ્રેડ પોલિસી અને પ્રોગ્રામ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રાન્ડન લોર્ડે જણાવ્યું કે, એજન્સી ૪૫ દિવસમાં આયાતકારો તરફથી લઘુત્તમ સબમિશન માટે જરૂરી નવી ઓટોમેટેડ સિસ્ટમ તૈયાર કરવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.
બ્રાન્ડન લોર્ડે અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર કોર્ટમાં કહ્યું કે નવી પ્રક્રિયા હેઠળ ઈમ્પોર્ટરોને ખૂબ જ ઓછા દસ્તાવેજો જમા કરવાના રહેશે. સરકારી વકીલોએ જજ રિચર્ડ ઈટર્ન સાથે મુલાકાત શરૂ કરી દીધી છે, જે લગભગ ૨,૦૦૦ કેસોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારે ૩,૩૦,૦૦૦ આયાતકારોને રિફન્ડ ચૂકવવાનું છે, પરંતુ તેની ઓટોમેટેડ સિસ્ટમમાં માત્ર ૨૧,૪૨૩ આયાતકારોએ જ નોંધણી કરાવી છે. તેથી સરકાર માટે રિફન્ડ ચૂકવવાની પ્રક્રિયા પડકારજનક બની રહેશે.
સીબીપીની ઓટોમેટેડ કમર્શિયલ એન્વાયરમેન્ટ સિસ્ટમ મારફત આયાતકાર એક એફિડેવિટ જમા કરશે, જેમાં તેઓ જણાવશે કે તેમણે કેટલા ટેરિફ ચૂકવ્યા છે. આ દાવાઓની તપાસ કરાશે અને પછી વ્યાજ સહિત રિફન્ડ અપાશે. ઈમ્પોર્ટેર અલગ અલગ સમયે ટેરિફ ચૂકવ્યા હોય તો પણ દરેક ઈમ્પોર્ટરને અમેરિકન ટ્રેઝરી વિભાગમાંથી એક જ પેમેન્ટથી રિફન્ડ અપાશે. આમ, આયાતકારોએ રિફન્ડ માટે કેસ કરવાની જરૂર નહીં પડે.



