दुनिया

ઈરાન સાથે ‘ડીલ’ કરશે અમેરિકા? ટ્રમ્પે આપ્યો જવાબ, કહ્યું- તેમના 70 ટકા રોકેટ લોન્ચર તબાહ | trump claims iran military destroyed navy airforce missile capacity wiped out



Iran America War : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, એક સપ્તાહથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ બાદ ઈરાન હવે સૈન્ય દ્રષ્ટિએ અત્યંત નબળું પડી ગયું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકી અને ઇઝરાયલી હુમલાઓએ ઈરાની નૌકાદળ, વાયુસેના અને મિસાઈલ ક્ષમતાને એવો ફટકો માર્યો છે કે તે હવે પાયમાલ થવાના આરે છે.

નેવી અને એરફોર્સ પર કાળઝાળ પ્રહાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, “અમે ઈરાની નેવીને લગભગ સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે. તેમના 44 જહાજો તબાહ થઈ ગયા છે. તેમની એરફોર્સનું પણ અસ્તિત્વ રહ્યું નથી, તેમનું દરેક વિમાન નષ્ટ કરી દેવામાં આવ્યું છે.” આ સંયુક્ત સૈન્ય અભિયાન 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે શરૂ કર્યું હતું.

મિસાઈલ અને લોન્ચિંગ સિસ્ટમ ઠપ

ટ્રમ્પના દાવા મુજબ, ઈરાનની વળતો હુમલો કરવાની ક્ષમતા હવે માત્ર 9 ટકા સુધી જ સીમિત રહી ગઈ છે. ઈરાનના લગભગ 70 ટકા રોકેટ લોન્ચર અને લોન્ચિંગ સિસ્ટમ નષ્ટ કરવામાં આવી છે. આ સિસ્ટમ્સ મેળવવી અત્યંત મોંઘી અને મુશ્કેલ છે, જે હવે ઈરાન માટે અશક્ય બની જશે. હુમલાખોર ક્ષમતા સાથે ઈરાનની હથિયાર ઉત્પાદન કરવાની શક્તિ પણ તોડી પાડવામાં આવી છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

ઈરાનનું નેતૃત્વ વેરવિખેર

ટ્રમ્પે ઈરાની શાસન વ્યવસ્થા પર કટાક્ષ કરતા કહ્યું કે, “પહેલા અમે પ્રથમ હરોળના નેતૃત્વને ખતમ કર્યું, ત્યારબાદ બીજા સ્તરના નેતાઓને પણ હટાવી દીધા. હવે ત્યાં એવા લોકો નેતૃત્વ કરી રહ્યા છે. જેમને કોઈ ઓળખતું પણ નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાન દેશ ભવિષ્યમાં અત્યારે જેવો દેખાય છે તેવો નહીં રહે, એટલે કે ભૌગોલિક કે રાજકીય માળખામાં મોટા ફેરફારો શક્ય છે.

સમજૂતી માટે કોઈ ઉતાવળ નથી

સૈન્ય દબાણ હોવા છતાં, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હાલમાં કોઈ કૂટનીતિક સમજૂતી કરવાની ઉતાવળમાં નથી. તેમણે કહ્યું, “અમારી પાસે નેગોશિએટિંગ લીવરેજ (વાટાઘાટોમાં સરસાઈ) છે. તેઓ સમજૂતી કરવા માંગશે, પરંતુ અમે અત્યારે તેના માટે તૈયાર નથી.” ઈરાન દ્વારા પડોશી દેશોની માફી માંગવાને ટ્રમ્પે ‘સરન્ડર’ (આત્મસમર્પણ) સમાન ગણાવ્યું હતું.

રશિયાની ભૂમિકા

રશિયા ઈરાનને મદદ કરી રહ્યું છે કે કેમ તે અંગે ટ્રમ્પે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો.આ ઉપરાંત ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તેઓ કુર્દ લડવૈયાઓને આ યુદ્ધમાં સામેલ થવા દેશે નહીં, જેથી સ્થિતિ વધુ જટિલ ન બને. ઈરાનમાં કન્યા શાળા પર થયેલા હુમલાના આરોપને નકારી કાઢતા ટ્રમ્પે કહ્યું કે તેમની માહિતી મુજબ તે હુમલો ઈરાન તરફથી જ થયો હતો. ટ્રમ્પે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે આ સૈન્ય કાર્યવાહી સમાપ્ત થશે, ત્યારે દુનિયા પહેલા કરતા વધુ સુરક્ષિત હશે.



Source link

Related Articles

Back to top button