दुनिया

અમે મંજૂરી આપી એટલે જ ભારત રશિયાનું ઓઈલ ખરીદી શકશે : બેસેન્ટ | India will be able to buy Russian oil only because we gave permission: Besant



– ભારતને ઓઈલ ખરીદવા કોઈની મંજૂરીની જરૂર નથી : કેન્દ્ર

– ભારતીયો સારા કલાકાર, પહેલા પણ અમારું માની રશિયા પાસેથી ખરીદી બંધ કરી હતી : અમેરિકા

ન્યૂયોર્ક/નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે ઓઈલ કટોકટી વચ્ચે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની મંજૂરી આપી હોવા અંગે ભારે વિવાદ થયો છે ત્યારે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે શનિવારે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકાએ મંજૂરી આપી એટલે જ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદી શકશે. વધુમાં બેસેન્ટે ભારતને સારા કલાકાર ગણાવી નવો વિવાદ સર્જ્યો હતો. જોકે, ભારતે કહ્યું કે, તેણે કોઈપણ દેશ પાસેથી ઓઈલ ખરીદવા માટે કોઈની પણ મંજૂરીની જરૂર નથી.

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે શનિવારે જણઆવ્યું કે, દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે ત્યારે ઓઈલના સપ્લાયને સ્થિર રાખવા માટે અમેરિકા હાલ ભારતને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી માટે આંશિક છૂટછાટ આપી શકે છે. પ્રમુખ ટ્રમ્પે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપી છે. આથી જ ભારતીય રિફાઈનરીઓ એવું રશિયન ક્રૂડ ઓઈલ ખરીદી શકે છે, જે હાલમાં ઓઈલ ટેન્કરોમાં દરિયામાં ફરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના કારણે પ્રમુખે આ નિર્ણય લીધો છે. હાલમાં સેંકડો મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઈલ જહાજોમાં ફસાયેલું છે. તેના પર પ્રતિબંધ લાગેલા હોવાથી કોઈ દેશ ખરીદી નથી રહ્યો.

સ્કોટ બેસેન્ટે ભારતીયોને સાર કલાકાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતે અગાઉ પણ અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોનું સારી રીતે પાલન કર્યું હતું અને ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે. અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો ઈનકાર કરતા ભારતે આ વર્ષની શરૂઆતમાં રશિયન ક્રૂડની ખરીદી બંધ કરી દીધી હતી. જોકે, વર્તમાનમાં પરિસ્થિતિ બદલાતા ભારતને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની મંજૂરી અપાઈ હતી અને અમેરિકા હજુ રશિયન ક્રૂડ પરના વધુ પ્રતિબંધો હળવા કરી શકે છે. બીજીબાજુ ભારત સરકારે શનિવારે દાવો કર્યો હતો કે તેને રશિયા જ નહીં અન્ય કોઈપણ દેશના ક્રૂડ ઓઈલની ખરીદી માટે અમેરિકા કે અન્ય કોઈ દેશની મંજૂરીની જરૂર નથી. ભારત તેની ઊર્જા સુરક્ષાને જાળવી રાખવા નીચી કિંમતે કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરવા માટે સક્ષમ છે.



Source link

Related Articles

Back to top button