ઈરાનનો બદલો! પર્સિયન ગલ્ફમાં અમેરિકન ટેન્કર પર મિસાઈલ હુમલો, સમુદ્રની વચ્ચે ભડભડ સળગ્યું જહાજ | Iran missile attack on US Oil Tanker in Persian Gulf

![]()
Iran Missile Attack On US Oil Tanker Persian Gulf : ઈરાને તેના યુદ્ધ જહાજ IRIS ડેના પરના હુમલા માટે અમેરિકા સામે બદલો લીધો છે. હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ પર થયેલા હુમલા બાદ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ગુરુવારે(5 માર્ચ) દાવો કર્યો હતો કે, તેઓએ ઉત્તરી પર્સિયન ગલ્ફમાં એક અમેરિકન ટેન્કર પર મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાની રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે, હુમલા બાદ યુએસ જહાજ સમુદ્રની વચ્ચે ભડભડ સળગવા લાગ્યું હતું.
પર્સિયન ગલ્ફમાં અમેરિકન ટેન્કર પર મિસાઈલ હુમલો
આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈરાની વિદેશ મંત્રીએ ચેતાવણી આપી કે શ્રીલંકાના કિનારા પર IRIS ડેના પર બુધવારની રાત્રે હુમલો કરવા બદલ અમેરિકાને પસ્તાવું પડશે. એટલાં માટે તેમણે ‘BITTERLY REGRET’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ઈરાની સેના IRGCના નિવેદન બાદ હુમલો
ઈરાની સેના IRGCના નિવેદન બાદ આ હુમલો થયો હતો. જેમાં જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટથી જહાજનું આવન-જાવન તેઓના કંટ્રોલમાં રહેશે. આ ઘટના સંઘર્ષમાં એક મોટી વૃદ્ધિ દર્શાવે છે, જેમાં ઈરાનમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા છે અને 6 યુએસ સર્વિસ સભ્યોના જીવ ગયા છે.
ઓઈલ ટેન્કર પર હુમલો કરવાનો ઈરાનનો દાવો
ગુરુવારે ઈરાને ઓઈલ ટેન્કર પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આમ, શ્રીલંકાના દક્ષિણ કિનારા પર એક યુએસ સબમરીન દ્વારા ઈરાની યુદ્ધાજહાજને ડૂબાવવાના 24 કલાકથી પણ ઓછા સમય બાદ ઘટનાને અંજામ આપવામાં આવી હતી. તેનાથી યુદ્ધ હિંદ મહાસાગર સુધી ફેલાયું છે અને તે ભારતના પાછળના ભાગ સુધી પણ આવી ગયું છે.
ગાર્ડ્સના જનસંપર્ક વિભાગે રાજ્ય સમાચાર એજન્સી IRNA દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાની નૌકાદળે “ઉત્તરીય ખાડીમાં એક અમેરિકન ઓઈલ ટેન્કરને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું.” જો કે, વધુ વિગતો આપવામાં આવી નથી. બીજી તરફ, ઈરાનના દાવા સામે અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી.
ઈરાને હુમલા વધાર્યા!
ઈરાને ગુરુવારે સવારે ઈઝરાયલ અને અમેરિકા બેઝ પર હુમલાની એક નવી લહેર શરૂ કરી છે અને ધમકી આપી છે કે, અમેરિકાને હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ પર ટૉરપીડો કરવાનો પછતાવો થશે. એક ધાર્મિક નેતાએ ટ્રમ્પ માટે શખત શબ્દોનો પ્રયોગ કર્યો. જ્યારે ઈઝરાયલે કહ્યું કે, તેઓએ તેહરાન પર મોટાપાયે હુમલો શરૂ કરી દીધો છે.
ઈઝરાયલે અનેક મિસાઈલ હુમલાની જાહેરાત કરી છે અને તેલ અવીવ અને જેરુસલેમમાં હવાઈ સાયરન વગાડવામાં આવ્યા. ઈરાની સરકારી ટેલિવિઝને કહ્યું કે, ‘હુમલામાં યુએસ બેઝને નિશાનો બનાવ્યો.’
આ પણ વાંચો: ઈરાન VS અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ: 6 દિવસમાં 1200થી વધુના મોત, અનેક દેશો લોહીલુહાણ
ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે છેલ્લા 24 કલાકમાં લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ સાથે જોડાયેલા 80 ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલે ઈરાન પર હુમલાઓનો દોર શરૂ કર્યો છે. ઈઝરાયલે ઈરાની લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ સ્થળો અને અન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે.
ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હિંદ મહાસાગરમાં યુએસ નૌકાદળ દ્વારા ઈરાની ફ્રિગેટ IRIS ડેનાને ડૂબાડવાને “સમુદ્રમાં અત્યાચાર” નામ આપ્યું અને કહ્યું હતું કે, ઓછામાં ઓછા 87 ઈરાની ખલાસીઓ માર્યા ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘મારા શબ્દો યાદ રાખો, અમેરિકાએ જે ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેનો તેમને ખૂબ જ પસ્તાવો થશે.’


