ખામેનેઈના મોત બાદ હવે ઈરાનમાં શું હાંસલ કરવા માંગે છે અમેરિકા? ટ્રમ્પે નક્કી કર્યા 3 ટાર્ગેટ | trump 4 strategic goals iran war israel middle east conflict

Trump Iran War Goals: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને વ્હાઇટ હાઉસથી ચાર વિશિષ્ટ લક્ષ્યોની જાહેરાત કરી છે. આ પગલું એ વધતી જતી ટીકાઓના જવાબમાં લેવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમેરિકા કોઈ પણ સ્પષ્ટ યોજના વગર મધ્ય-પૂર્વના વધુ એક સંઘર્ષમાં ફસાઈ ગયું છે. ટ્રમ્પે અમેરિકા અને ઈઝરાયલના આ સંયુક્ત સૈન્ય અભિયાનને ઈરાન જેવા જૂના દુશ્મન પર પ્રહાર કરવાની છેલ્લી અને સૌથી શ્રેષ્ઠ તક ગણાવી છે.
યુદ્ધના 4 મુખ્ય ઉદ્દેશ્યો
આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પ્રથમ વખત યુદ્ધને આ ચાર સ્પષ્ટ લક્ષ્યો પર કેન્દ્રિત કર્યું છે.
1. મિસાઇલ ક્ષમતાઓનો વિનાશ: ઈરાનની બેલેસ્ટિક અને અન્ય મિસાઇલ ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવી.
2. નૌસેનાનો ખાતમો: ઈરાની નૌકાદળને પૂરેપૂરી રીતે ખતમ કરવી.
3. પરમાણુ હથિયારો પર રોક: એ સુનિશ્ચિત કરવું કે વિશ્વમાં આતંકવાદને સૌથી વધુ પ્રોત્સાહન આપનારો આ દેશ ક્યારેય પરમાણુ હથિયાર હાસલ ન કરી શકે.
4. આતંકી જૂથોના સમર્થન પર લગામ: ઈરાની શાસનને પોતાની સરહદોની બહાર સક્રિય આતંકી સંગઠનો(પ્રોક્સી જૂથો)ને હથિયાર, ફન્ડિંગ અને નિર્દેશ આપતા કાયમ માટે રોકવું.
યુદ્ધની વર્તમાન સ્થિતિ અને ખામેનેઈનું મોત
હાલમાં અમેરિકા અને ઈઝરાયલની સેનાઓએ ઈરાન પર હુમલા તેજ કરી દીધા છે. ખાસ કરીને મિસાઇલ સાઇટ્સ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સંઘર્ષ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે સપ્તાહના અંતે થયેલા હુમલામાં આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હતા. જેના વળતા પ્રહારમાં ઈરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા છે, જેમાં પ્રથમ વખત અમેરિકન સૈનિકોના મોતના અહેવાલ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ બંધ, અમેરિકાની નવી એડવાઈઝરી…: ઈરાન યુદ્ધની 10 મોટી અપડેટ્સ
કેટલો સમય ચાલશે આ યુદ્ધ?
પેન્ટાગોન અને સંરક્ષણ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ઈરાક જેવું અનંતકાળ સુધી ચાલનારું યુદ્ધ નથી. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે લાંબા યુદ્ધની આશંકાઓને ફગાવી દીધી છે. જોકે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે જરૂર પડશે તો આ સંઘર્ષ ચારથી પાંચ અઠવાડિયા સુધી ખેંચાઈ શકે છે. અત્યારે મધ્ય-પૂર્વમાં વધારાના સૈનિકો અને લડાકુ વિમાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
આ યુદ્ધની અસર માત્ર મધ્ય-પૂર્વ પૂરતી મર્યાદિત નથી રહી. હોર્મુઝ સ્ટ્રેટમાં વેપાર અને શિપિંગ ખોરવાઈ જવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ઈરાને ઈઝરાયલ સિવાય ખાડી દેશોના અમુક મથકોને પણ નિશાન બનાવતા સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને નેતન્યાહૂ અને ટ્રમ્પની આ સંયુક્ત રણનીતિ આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાનો નકશો બદલી શકે છે.



