ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે માટે રાહતના સમાચાર, દુબઈ-અબુ ધાબીમાં ફ્લાઈટ ઓપરેશન ધીરે-ધીરે શરૂ | middle east dubai abu dhabi flights resume after US Israel Iran War

![]()
Israel Iran War News: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખોરવાયેલી હવાઈ સેવાઓ હવે ધીરે-ધીરે પાટા પર આવી રહી છે. દુબઈ અને અબુ ધાબીમાં આજ સાંજથી મર્યાદિત સંખ્યામાં ઉડાનો શરૂ થઈ હોવાનો દાવો છે, જેનાથી એરપોર્ટ અને હોટલોમાં ફસાયેલા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.
મેનેજ બુકિંગ દ્વારા વિગતો અપડેટ રાખવા સૂચના
દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા પ્રમાણે ફ્લાયદુબઈ 02 માર્ચ 2026ની સાંજથી મર્યાદિત ફ્લાઈટ્સ ઓપરેટ શરૂ કરી છે. એરલાઈને મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર આવતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે અને ‘મેનેજ બુકિંગ’ દ્વારા પોતાની વિગતો અપડેટ રાખે.
એમિરેટ્સની મર્યાદિત સેવાઓ
બીજી તરફ, એમિરેટ્સ એરલાઈન્સે પણ સ્પષ્ટતા કરી છે કે, ‘હાલ પૂરતી મર્યાદિત સેવાઓ જ શરૂ કરી રહ્યા છે. જે મુસાફરોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. જે લોકોએ હાલ ફરી બુકિંગ કર્યું છે તેમનો સંપર્ક સામેથી કરવામાં આવશે. એરલાઈને મુસાફરોને અપીલ કરી છે કે જ્યાં સુધી એરલાઈન સામેથી સંપર્ક ન કરે ત્યાં સુધી એરપોર્ટ પર ભીડ ન કરવી. એમિરેટ્સ ભવિષ્યના ઓપરેશનલ શેડ્યૂલ તૈયાર કરશે. મુસાફરોને વિનંતી છે કે નવીનતમ અપડેટ્સ માટે એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો તપાસતા રહે. મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે’
અબુ ધાબીથી 15 વિમાનોએ ઉડાન ભરી
દાવો છે કે સોમવારે અબુ ધાબી એરપોર્ટ પરથી ત્રણ કલાકના ગાળામાં એતિહાદ એરવેઝના 15 વિમાનોએ ઉડાન ભરી હતી. માનવામાં આવે છે કે આ ફ્લાઈટ્સ દ્વારા ત્યાં ફસાયેલા ટ્રાન્ઝિટ મુસાફરોને બહાર કાઢવામાં મદદ મળી, પરંતુ સત્તાવાર માહિતી મુજબ અબુ ધાબીથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ મંગળવાર, 3 માર્ચના રોજ બપોરે 14:00 વાગ્યા સુધી (UAE સમય) સ્થગિત રહેશે.
ભારતીય મુસાફરો માટે મહત્વના અપડેટ
ભારતીય મુસાફરો માટે પણ એર ઈન્ડિયા એક્સપ્રેસે મહત્વના સમાચાર આપ્યા છે, 3 માર્ચથી મસ્કતથી દિલ્હી, મુંબઈ, કોચી અને અન્ય શહેરો માટેની સેવાઓ ફરી શરૂ થશે. મસ્કતથી પહેલી ફ્લાઈટ સવારે 10:25 વાગ્યે તિરુચિરાપલ્લી માટે રવાના થશે. અન્ય દેશોની જો વાત કરીએ તો બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા અને UAE માટેની ફ્લાઈટ્સ 3 માર્ચના રોજ રાત્રે 23:59 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા અપીલ
ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બે વાર નિશાન બનાવવામાં આવ્યું, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ તણાવને કારણે દુબઈ, અબુ ધાબી અને કુવૈતના એરપોર્ટ પર લાખો મુસાફરો અટવાઈ પડ્યા હતા. હાલ એરલાઈન્સ કંપનીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. મુસાફરોને સોશિયલ મીડિયા અને સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.


