दुनिया

ભારતને યુરેનિયમ આપશે કેનેડા, PM મોદી અને કાર્નીની મુલાકાતમાં થયા મહત્ત્વપૂર્ણ કરારો | india canada uranium deal pm modi mark carney meeting 2030 trade target


PM Modi Mark Carney Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે સોમવારે(2 માર્ચ) મુલાકાત થઈ હતી. ભારત-કેનેડા સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. વર્ષ 2023માં ખાલિસ્તાની અલગતાવાદીની હત્યાના મુદ્દે થયેલા રાજદ્વારી તણાવ બાદ, હવે બંને દેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દેખાય છે. આ બેઠક દરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.

એનર્જી અને ટૅક્નોલૉજીમાં સહયોગ

વડાપ્રધાન મોદીએ માર્ક કાર્નીના નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું હતું કે, ભારત અને કેનેડા લોકશાહી મૂલ્યો અને વિવિધતામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. આ ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા માટે બંને દેશો ટૂંક સમયમાં ‘વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી'(CEPA)ને અંતિમ ઓપ આપશે, જેનાથી રોકાણ અને રોજગારની નવી તકો ઊભી થશે. ભારતની વિકાસયાત્રામાં કેનેડાનો વિશ્વાસ એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડિયન પેન્શન ફંડ્સે ભારતમાં 100 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ, રિન્યુએબલ એનર્જી, કલ્ચરલ એક્સચેન્જ અને ટૅક્નોલૉજી-ઇનોવેશન પર પણ મહત્ત્વના કરારો થયા છે.

ભારત-કેનેડા વચ્ચે પરમાણુ ઊર્જાનો નવો અધ્યાય

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા વચ્ચે યોજાયેલી આ બેઠકમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી. નેતન્યાહૂ સરકારના આક્રમક વલણ અને રશિયા-યુક્રેન સહિતના વૈશ્વિક સંઘર્ષો વચ્ચે ભારત અને કેનેડાએ સિવિલ-ન્યુક્લિયર ક્ષેત્રે સહયોગ વધારવાની તૈયારી બતાવી છે, જેમાં ભારત કેનેડા પાસેથી યુરેનિયમની ખરીદી કરવાના કરારને અંતિમ રૂપ આપવા ઇચ્છે છે. માર્ક કાર્નીએ પણ સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું હતું કે ભારતમાં ઊર્જા અને ટૅક્નોલૉજીની વધતી માંગ કેનેડાના વ્યવસાયો માટે મોટી તક છે.

આ પણ વાંચો: ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની એન્ટ્રી! ઈઝરાયલ ચોંક્યું

માર્ક કાર્નીના આગમનથી સુધર્યા સંબંધો

નોંધનીય છે કે જસ્ટિન ટ્રૂડોના સમયમાં ભારત અને કેનેડાના સંબંધો અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થયા હતા, પરંતુ માર્ક કાર્નીના સત્તામાં આવ્યા બાદ બંને દેશોએ ફરી એકવાર મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસન સાથેના બદલાતા વ્યાપારી સમીકરણો વચ્ચે કેનેડા પણ ભારત જેવા મજબૂત લોકશાહી દેશ સાથે આર્થિક રીતે જોડાવા આતુર છે. પીએમ મોદીએ કાર્નીના બે દેશોની સેન્ટ્રલ બૅન્કોના નેતૃત્વના બહોળા અનુભવની પણ પ્રશંસા કરી હતી. આ મુલાકાતથી એ સ્પષ્ટ થયું છે કે ભૂતકાળના કડવા અનુભવોને પાછળ છોડીને ભારત અને કેનેડા હવે વિકાસ અને વિશ્વાસના નવા અધ્યાયની શરુઆત કરી રહ્યા છે.

ઈરાન-અમેરિકા યુદ્ધ પર બોલ્યા PM મોદી

ઈરાન-અમેરિકા યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘દુનિયામાં તણાવ ચાલી રહ્યો છે. ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વમાં હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. આતંકવાદ તમામ માટે પડકાર છે.’


ભારતને યુરેનિયમ આપશે કેનેડા, PM મોદી અને કાર્નીની મુલાકાતમાં થયા મહત્ત્વપૂર્ણ કરારો 2 - image



Source link

Related Articles

Back to top button