दुनिया

ઈરાનમાં ધર્મ જેહાદ : અમેરિકા-ઈઝરાયેલ સામે બળવો | Religious Jihad in Iran: Rebellion against America and Israel



– ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા : પૂર્વ પ્રમુખ અહેમદીનેજાદ, 48 કમાન્ડરોનાં પણ મોત

– મરણીયા બનેલા ઈરાનનો મધ્ય-પૂર્વના દેશો પર ઘાતક હુમલો : ઈઝરાયેલમાં આઠ, યુએઈમાં ત્રણનાં મોત, અમેરિકાના પણ ત્રણ જવાન માર્યા ગયા

– અમેરિકાના વિમાનવાહક યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર ઈરાનનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો

– દુબઈ, શારજાહ, અબુધાબી સહિત અમેરિકાના સાથી દેશોમાં મોલ, હોટેલ, એરપોર્ટ પર મિસાઈલ-ડ્રોનથી ઈરાનનું આક્રમણ

– ઈરાન વાટાઘાટો માટે તૈયાર : ટ્રમ્પનો દાવો

– સતત બીજા દિવસે ઈઝરાયેલના હુમલા યથાવત્ : અમેરિકાના બી-૨ બોમ્બર વિમાનોએ ઈરાનના મિસાઈલ સ્ટોરેજનો કચ્ચરઘાણ કાઢ્યો

દુબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કૂટનીતિક વાટાઘાટો ચાલુ હતી. ગુરુવારે બંને પક્ષો વચ્ચે ત્રીજા તબક્કાની ચર્ચા થઈ હતી અને તેઓ રવિવારે વધુ એક બેઠક કરવાના હતા, પરંતુ આ પહેલાં જ અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે અચાનક જ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ, તેમની પુત્રી, પૌત્રી અને જમાઈ સહિત અનેક ટોચના ૪૦ કમાન્ડર્સ પણ માર્યા ગયા હતા. જોકે, ઈરાને આ અંગે રવિવારે કબૂલ્યું હતું કે આ હુમલામાં તેમના સુપ્રીમ લીડર શહીદ થયા છે. ઈરાને ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાન, ચીફ જસ્ટિસ ગુલામ હુસૈન મોહસેની એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના કાયદાકીય નિષ્ણાત અયાતુલ્લા અલીરેજા અરાફીની ત્રણ સભ્યોની પરિષદે ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે અયાતુલ્લા અલીરેજા અરાફીની નિમણૂક કરી હતી. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના પૂર્વ પ્રમુખ મહમૂદ અહેમદીનેજાદનું પણ મોત થયું હતું. 

અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે ૨૦૦ ફાઈટર જેટથી ઈરાનમાં ૫૦૦ જગ્યાઓ પર ટાર્ગેટેડ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે આ હુમલાઓમાં એક જ મિનિટમાં ૪૦ કમાન્ડર્સનો ખાત્મો બોલાવી દીધો હતો. તેમના સુપ્રીમ લીડર ખામેનેઈની મોતના સમાચારથી ઈરાનમાં લાખો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ઈરાનના પ્રમુખ પેઝેશકિયને પણ અમેરિકા અને ઈઝરાયેલ સામે ખામેનેઈના મોતનો બદલો લેવાનું એલાન કરતા વધુ ઘાતક હુમલા ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

સુપ્રીમ લીડર ખામેનેઈના મોતથી મરણીયા બનેલા ઈરાને રવિવારે અમેરિકા, ઈઝરાયેલ અને મધ્ય-પૂર્વમાં તેમના સાથી દેશો યુએઈ, સાઉદી અરબ, બહરેન, ઓમાન, કુવૈત, કતર સહિતના દેશોમાં અમેરિકાના સૈન્ય સ્થળો તેમજ મોલ, હોટેલ, એરપોર્ટ, બંદરો જેવા નાગરિક સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને રવિવારે અમેરિકાના વિમાન વાહક યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. સાથે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઈલના વેપાર માટેના વ્યૂહાત્મક જળમાર્ગ હોરમુઝ જલડમરુમધ્યમાં અમેરિકન જહાજો માટે પ્રતિબંધ મુકી દીધો હતો.

ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઈઝરાયેલમાં બેઈત-શેમેશમાં એક રહેણાંક ઈમારતમાં આઠ લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૨ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાએ પણ તેના ત્રણ જવાનો માર્યા ગયા હોવાનું તથા પાંચને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. સંયુક્ત આરબ અમિરાતે પણ ઈરાનના હુમલામાં ત્રણ નાગિરકો માર્યા ગયા હોવાનું કબૂલ્યું હતું. ઈરાને કુવૈતમાં ૯૭ બેલિસ્ટિક મિસાઈલ્સ અને ૨૮૩ ડ્રોનથી હુમલો કર્યો હતો. 

બીજીબાજુ અમેરિકા અને ઈઝરાયેલે રવિવારે ઈરાન પર વધુ ઘાતક હુમલા ચાલુ રાખ્યા હતા. તહેરાનમાં રવિવારે પણ જોરાદર વિસ્ફોટો સંભળાયા હતા. અમેરિકાએ રવિવારે ઈરાનના અન્ડરગ્રાઉન્ડ મિસાઈલ સ્થળો પર બી-૨ બોમ્બર વિમાનોથી હુમલા કર્યા હતા. ઈઝરાયેલના હુમલામાં તહેરાનમાં ઈરાનના પોલીસ ઈન્ટેલિજન્સ ચીફનું મોત થયું હતું. ઈઝરાયેલે ઈરાનના બ્રોડકાસ્ટિંગ કોમ્પ્લેક્સ પર પણ હુમલો કર્યો હતો.

– ઈલોન મસ્કે સ્ટારલિંકનું ગેરકાયદે નેટવર્ક તૈયાર કર્યું : ઈરાનમાં સરકારે ઈન્ટરનેટ ઠપ કરતા મસ્કે સુવિધા પૂરી પાડી

તહેરાન: ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે હુમલો કર્યા પછી સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. યુદ્ધના સમયે બળવાખોરો સરકાર સામે કોઈ આંદોલન શરૂ કરી મુશ્કેલી ના વધારે તે હેતુથી સરકારે ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. તેમ છતાં છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનમાંથી અમેરિકા અને ઈઝરાયેલનના હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થવા પાછળ અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કનો હાથ હોવાનું કહેવાય છે. સરકારી પ્રતિબંધ છતાં ઈલોન મસ્કની સ્ટારલિંકે હજારો સેટેલાઈટ ટર્મિનલ ગેરકાયદેસર રીતે દુબઈ અને ઈરાકના માર્ગે ઈરાનમાં ઘુસાડયા હતા. હવે આ ટર્મિનલ મારફત ઈરાનમાં સ્ટારલિંકનું સિક્રેટ નેટવર્ક તૈયાર થઈ ગયું છે અને અનેક લોકોને તેનો લાભ લઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ ઈરાનમાં સરકાર વિરોધી અનેક એક્ટિવિસ્ટ સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરીને ઈરાનની માહિતી અને વીડિયો દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે.

– અમેરિકા અને ઈઝરાયેલને તાત્કાલિક હુમલા રોકવા હાકલ : ખામેનેઈની હત્યા ઈરાનની સંપ્રભુતા-સુરક્ષાનો ભંગ : ચીન

બેઈજિંગ/મોસ્કો: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલિ ખામેનેઈની હત્યાના પગલે રશિયા અને ચીન બંનેએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ખામેનેઈની હત્યાને માનવીય નૈતિક્તા અને આંતરરાષ્ટ્રીય કાયદાના બધા જ માપદંડોનો નીંદનીય ભંગ ગણાવી હતી જ્યારે ચીને આ હત્યાને ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનો ગંભીર ભંગ ગણાવી હતી.

ખામેનેઈનું મોત માનવીય નૈતિક્તા-આંતરરાષ્ટ્રીય કાયદાના માપદંડોનું ઉલ્લંઘન : રશિયન પ્રમુખ

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને અમેરિકા અને ઈઝરાયેલના આ પગલાંની આકરી ટીકા કરતા તેમને ઈરાનમાં સૈન્ય અભિયાનો તાત્કાલિક રોકવા ચેતવણી આપી હતી. ક્રેમલિન દ્વારા પ્રકાશિત અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાનને સંબોધિત એક પત્રમાં પુતિને ખામેનેઈની હત્યા પર તેમની ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ઈરાની નેતાને ઉત્કૃષ્ટ રાજનેતા તરીકે યાદ કરાશે, જેમણે મૈત્રીપૂર્ણ રશિયા-ઈરાની સંબંધોના વિકાસમાં વ્યક્તિગતરૂપે મોટું યોગદાન આપ્યું હતું. પુતિને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાની ટીકા કરતા તેને એક ખતરનાક દુસ્સાહસ ગણાવ્યું હતું, જે ક્ષેત્રીય વિનાશને જન્મ આપી શકે છે.

ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ આ હુમલાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ખામેનેઈની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનો ગંભીર ભંગ છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના આશયો અને સિદ્ધાંતો તથા આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત માપદંડોનો ભંગ છે. ચીન તેનો ઉગ્ર વિરોધ કરે છે. સાથે જ અમેરિકા અને ઈઝરાયેલને તાત્કાલિક સૈન્ય અભિયાનો રોકવા હાકલ કરે છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ મુદ્દે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ફોન પર વાત કરી હતી.

— ખામેનેઇની તસવીર સળગાવી હતી તે યુવતી ડાંસ કરતી જોવા મળી

નવી દિલ્હી: ઇરાનમાં જ્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા હતા ત્યારે એક યુવતીની તસવીર અને વીડિયો વાયરલ થયા હતા જેમાં તે ખામેનેઇની સળગતી તસવીરની આગથી પોતાની સિગારેટ સળગાવતી જોવા મળી હતી. હવે જ્યારે ખામેનેઇનું મોત નિપજ્યું છે ત્યારે આ જ યુવતી ખામેનેઇના મોતની ઉજવણી કરતી જોવા મળી હતી. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આ યુવતી ડાંસ કરતી જોવા મળી હતી. અગાઉ ખામેનેઇના શાસન સમયે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હતા. કેટલીક મહિલાઓએ ઇરાનના ફરજિયાત ચેહરો ઢાંકવાના નિયમોના વિરોધમાં પણ રસ્તા પર ઉતરી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો.    



Source link

Related Articles

Back to top button