હુમલો ઈરાન પર પણ ઝટકો ચીનને! ડ્રેગનની આર્થિક કમર તોડવા ટ્રમ્પનો ‘ઓઈલ માસ્ટરપ્લાન’ | donald trump oil game china energy crisis iran venezuela attack

![]()
Donald Trump Rises China Tension : અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કરેલા ભીષણ હુમલામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈનું મોત થયું છે. તાજેતરના સમયમાં અમેરિકાનો આ બીજો મોટો હુમલો છે. આ અગાઉ અમેરિકાએ વેનેઝુએલા પર એરસ્ટ્રાઈક કરીને ત્યાંના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી હતી. ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આ બંને હુમલા ચીન માટે આર્થિક ફટકા સમાન સાબિત થઈ રહ્યા છે, અને આ રમતનું મુખ્ય કેન્દ્ર છે કાચું તેલ (Crude Oil).
ઈરાન-વેનેઝુએલા અને ટ્રમ્પની વ્યૂહરચના
વેનેઝુએલા પર હુમલા બાદ ત્યાંના તેલના ભંડાર પર ટ્રમ્પનું નિયંત્રણ આવી ગયું છે. હવે તેલથી સમૃદ્ધ ઈરાન અમેરિકાના નિશાને આવ્યું છે. આ બંને દેશો ચીનના સૌથી મોટા તેલ સપ્લાયર રહ્યા છે.
ઈરાનનું તેલ અને મહત્વ
ઈરાન પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ભંડાર (અંદાજે 209 અબજ બેરલ) છે, જે વિશ્વના કુલ ભંડારના 12% અને મધ્ય પૂર્વના ચોથા ભાગ જેટલો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ઈરાન દરરોજ 3.3 થી 3.5 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે અને 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ ચાલુ રાખે છે.
ઈરાન પર હુમલો ચીન માટે કેમ ચિંતાનો વિષય?
ચીન અમેરિકી પ્રતિબંધોને અવગણીને ઈરાની ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાનની કુલ તેલ નિકાસનો 80% હિસ્સો (અંદાજે 10 લાખ બેરલ પ્રતિ દિવસ) ચીન ખરીદે છે. પ્રતિબંધોને કારણે ચીનને આ તેલ ખૂબ જ સસ્તા ભાવે (ડિસ્કાઉન્ટ પર) મળે છે. હવે જો આ સપ્લાય અટકી જાય, તો ચીન સામે ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે. ઉપરાંત, યુદ્ધને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થવાથી વિશ્વના તેલ પુરવઠાનો પાંચમો ભાગ જોખમમાં મુકાયો છે.
વેનેઝુએલા દ્વારા ચીન પર નિશાન
વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો (303 અબજ બેરલ) તેલ ભંડાર છે. રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે વેનેઝુએલાના તેલના ખજાના પર પોતાનું નિયંત્રણ જાહેર કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હવે આ તેલ બજાર કિંમતે વેચવામાં આવશે, જેનાથી ચીનને મળતું 20-25% ડિસ્કાઉન્ટ ખતમ થઈ ગયું છે.
ચીનના રસ્તાઓ બંધ
અમેરિકી ટ્રેઝરીએ લાયસન્સ નંબર-46 જાહેર કર્યું છે, જેના હેઠળ હવે માત્ર અમેરિકન કંપનીઓ જ વેનેઝુએલાની સરકારી તેલ કંપની (PDVSA) પાસેથી તેલ ખરીદી શકશે. આનાથી ચીન અને રશિયા માટે વેનેઝુએલાનું તેલ ખરીદવાના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે.
ચીનને કેવી રીતે લાગ્યો જોરદાર ફટકો?
ચીન તેની જરૂરિયાતનું 70% તેલ આયાત કરે છે, જેમાંથી 15% તો માત્ર ઈરાન અને વેનેઝુએલાથી આવે છે. અમેરિકી એક્શનને કારણે તેલ પર મળતું ડિસ્કાઉન્ટ બંધ થતા ચીને દર વર્ષે અબજો ડોલર વધારાના ખર્ચવા પડશે. ચીને હવે સાઉદી અરેબિયા, ઈરાક, રશિયા અને બ્રાઝિલ જેવા વિકલ્પો પર નિર્ભરતા વધારવી પડશે. ચીનની એનર્જી સિક્યોરિટી જોખમમાં મુકાઈ છે.


