दुनिया

યુદ્ધનો સમગ્ર ઘટનાક્રમ: અમેરિકા-ઈઝરાયલનો ઈરાન પર હુમલો, ટ્રમ્પ-નેતન્યાહૂની ધમકી અને તેહરાનનો વળતો પ્રહાર | israel us attack iran war timeline trump netanyahu retaliation


Israel-US Joint Attack on Iran: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો લાંબા સમયનો તણાવ હવે વિસ્ફોટક વળાંક પર પહોંચી ગયો છે. 28 ફેબ્રુઆરી, 2026ની વહેલી સવારે ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તેહરાન સહિત 30 જેટલા વ્યૂહાત્મક સ્થળો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આને ‘પ્રી-એમ્પટીવ સ્ટ્રાઇક’ ગણાવી છે, જેમાં ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈના નિવાસસ્થાન અને રાષ્ટ્રપતિ ભવન પર પણ મિસાઇલો છોડવામાં આવી છે, જેના કારણે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ હુમલા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ પર 70 મિસાઇલો છોડી છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરી છે.

હુમલાની શરુઆત: 28 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં મોટા વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા હતા.

ઈઝરાયલની જાહેરાત: ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે ઈઝરાયલ સામેના ખતરાઓને દૂર કરવા માટે આ એક ‘પ્રી-એમ્પટીવ સ્ટ્રાઇક’ (પૂર્વ-તૈયારી રૂપે હુમલો) છે.

અમેરિકા અને ઈઝરાયલનો સંયુક્ત હુમલો: અહેવાલો મુજબ, આ માત્ર ઈઝરાયલનો જ નહીં પણ અમેરિકા સાથેનો સંયુક્ત સૈન્ય હુમલો છે. અમેરિકન અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમના વિમાનો અને મિસાઇલો પણ આ ઓપરેશનમાં સામેલ છે.

ખામેનેઈના ઘર પર હુમલો: સૂત્રો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે,  સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈના ઘર પર 7 મિસાઇલો છોડવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, ખામેનેઈની ઓફિસ નજીક પણ ધડાકા સંભળાયા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવાયું છે.

ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડાયા: હુમલા દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈને તેહરાનથી કોઈ સુરક્ષિત અને ગુપ્ત સ્થળે(બંકર) ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

ઈરાનના 30 ઠેકાણાઓ પર હુમલા: ઈઝરાયલે ઈરાનના 30 ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાનું પ્રાથમિક અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે. જે હુમલામાં તેહરાન, કુમ, ઈસ્ફહાન અને કરજ જેવા શહેરોમાં આવેલા ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ, મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનના રિપબ્લિક વિસ્તારમાં હુમલા થયા છે. હુમલા બાદ તેહરાનમાં અનેક સ્થળોએ મોબાઇલ નેટવર્કને અસર પહોંચી. જેના કારણે અનેક વિસ્તારોમાં સંપર્ક તૂટ્યા છે.

એરસ્પેસ બંધ: ઈઝરાયલના હુમલા બાદ ઈરાન, ઈરાક અને ઈઝરાયલમાં પણ એરસ્પેસ બંધ કરાયું. ઈઝરાયલના હુમલા બાદ કુવૈતે ઈરાન જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.

ઈઝરાયલમાં હાઈ એલર્ટ: હુમલા બાદ ઈરાન વળતો પ્રહાર કરી શકે તેવા ડરથી ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેલ અવીવ સહિતના દેશના તમામ શહેરોમાં એર-રેડ સાયરન વગાડવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રહેવા સૂચના અપાઈ છે. સેનાએ કહ્યું કે, મિસાઇલો ઈઝરાયલ પર છોડવામાં આવી શકે છે. એટલા માટે નાગરિકોને શેલ્ટરની પાસે રહેવાના નિર્દેશ અપાયા છે. તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.

ઈરાનની અમેરિકા-ઈઝરાયલને ધમકી: અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છે કે, ‘હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું.’

હુમલા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન: ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, ‘ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.’ 

ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલની મોટી ધમકી: ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ‘ઈરાને પરમાણુ પ્રોગ્રામ ખતમ કરવા જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે.’

ઈઝરાયલ-ઈરાનમાં વસતાં નાગરિકો માટે એડવાઈઝરી: આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે. અમેરિકાએ રાજદૂતેને શેલ્ટરમાં છૂપાવાનો આદેશ આપ્યો છે.

ઈરાનની જવાબી કાર્યવાહી: ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ હવે ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 70 મિસાઇલો છોડી છે. ઈઝરાયલની સેનાએ પુષ્ટિ કરી છે કે ઈરાન તરફથી હવાઈ હુમલો કરાતા ઈઝરાયલમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે.

હુમલો શા માટે કરાયો?

આ હુમલો થવા પાછળના મુખ્ય કારણોમાં જૂન 2025માં થયેલું 12 દિવસનું ભીષણ હવાઈ યુદ્ધ અને ઈરાનનો વિવાદિત પરમાણુ કાર્યક્રમ જવાબદાર છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ પ્રોગ્રામને રોકવા માટે એક કડક અલ્ટીમેટમ આપ્યું હતું, જેની સમયસીમા પૂરી થયા બાદ આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયલનું માનવું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું, જે વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે તેમ હતું. આ જોખમને કાયમ માટે ખતમ કરવાના હેતુથી જ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને આ ‘પ્રી-એમ્પટીવ સ્ટ્રાઈક’ કરવામાં આવી છે.


યુદ્ધનો સમગ્ર ઘટનાક્રમ: અમેરિકા-ઈઝરાયલનો ઈરાન પર હુમલો, ટ્રમ્પ-નેતન્યાહૂની ધમકી અને તેહરાનનો વળતો પ્રહાર 2 - image



Source link

Related Articles

Back to top button