दुनिया

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના જાની દુશ્મન કેમ બની ગયા? જાણો યુદ્ધનું કારણ | pakistan afghanistan war 2026 operation ghazab lil haq



Pakistan-Afghanistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલો તણાવ શુક્રવારે એક ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. પાકિસ્તાન એરફોર્સ (PAF) એ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કંદહાર અને પક્તિકામાં ભારે હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાન સરકારે આ સૈન્ય કાર્યવાહીને ‘ઓપરેશન ગઝબ-લિલ-હક’ (Operation Ghazab lil-Haq) નામ આપ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાન લડાયકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેવી રીતે યુદ્ધનો ભડકો થયો?

આ સૈન્ય અથડામણની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાને 21 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનની અંદર શંકાસ્પદ આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, તેની પાસે પાકા પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ બળવાખોરો પાકિસ્તાન પર હુમલા કરવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.

જેના જવાબમાં, ગુરુવારે અફઘાન તાલિબાને વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાનની ડઝનેક સીમા ચોકીઓ પર કબજો મેળવવાનો અને 55 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઉશ્કેરણીના જવાબમાં જ પાકિસ્તાને શુક્રવારે વહેલી સવારે કાબુલ અને કંદહાર પર મિસાઈલો વરસાવી હતી.

નુકસાનના આંકડા

પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે સોશિયલ મીડિયા પર ઓપરેશનની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, હુમલામાં 133 તાલિબાની લડાયકોના મોત નિપજ્યાં છે. જ્યારે 200થી વધુ ઘાયલ થયા છે. તાલિબાનના 2 કોર હેડક્વાર્ટર, 3 બ્રિગેડ હેડક્વાર્ટર અને 27 સૈન્ય ચોકીઓ નષ્ટ કરવામાં આવી છે. 80 થી વધુ ટેન્ક, તોપો અને સશસ્ત્ર વાહનો (Armored vehicles) તબાહ થયા છે. પાકિસ્તાને તાલિબાનની 9 વ્યૂહાત્મક ચોકીઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે.

યુએન અલગ જ રાગ આલાપી રહ્યું છે

જોકે, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અફઘાન સૂત્રોએ અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. UNના અહેવાલ મુજબ, પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં આશરે 13 સામાન્ય નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાબુલ વહીવટીતંત્રે આ હુમલાઓને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવીને યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.

વિવાદનું અસલી કારણ શું છે?

2021માં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી જ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ભારે વધારો થયો છે. પાકિસ્તાનનો આરોપ છે કે, TTPના લડાયકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મેળવી રહ્યા છે. જોકે, કાબુલ હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે. તાજેતરના હુમલા પહેલા બાજોર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જેનો આરોપ પાકિસ્તાને અફઘાન મૂળના હુમલાખોર પર લગાવ્યો હતો.

પરમાણુ શક્તિ વિરુદ્ધ ગેરીલા યુદ્ધ (Gurilla War)

નિષ્ણાતોના મતે, કાગળ પર પાકિસ્તાનનું સૈન્ય બળ (6 લાખ સક્રિય સૈનિકો, 400 લડાયક વિમાનો અને પરમાણુ હથિયારો) અફઘાનિસ્તાન કરતા ઘણું વધારે છે. જોકે, તાલિબાન પાસે દાયકાઓ સુધી યુદ્ધ લડવાનો અનુભવ છે. હાલમાં ડ્યુરન્ડ લાઇન (સીમા) પર બંને સેનાઓ સામસામે છે, જેનાથી દક્ષિણ એશિયામાં એક મોટા પ્રાદેશિક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.



Source link

Related Articles

Back to top button