લંડનમાં 16 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરન્ટ બંધ, માલિકનો પાકિસ્તાની નાગરિકો પર ઓનલાઈન હેરેસમેન્ટનો આક્ષેપ | Indian Restaurant In London To Shut Down After 16 Years In Business

Indian Restaurant in London shuts after 16 years: લંડનના હેમરસ્મિથમાં આવેલી પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટ ‘રંગરેઝ’ (Rangrez) ના માલિક હરમન સિંહ કપૂરે આગામી મહિનાથી રેસ્ટોરન્ટ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંગે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે, 16 વર્ષના યાદગાર પ્રવાસ બાદ હું ભારે હૈયે આ નિર્ણય લઈ રહ્યો છું. બિઝનેસ ચલાવવા માટેનો આર્થિક બોજ સતત વધી રહ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાની જૂથો દ્વારા સોશિયલ મીડિયા પર અમને સતત નિશાન બનાવાઈ રહ્યા છે, ખોટા રિવ્યુ આપવામાં આવ્યા. આ દરમિયાન રેસ્ટોરન્ટ પર પણ વારંવાર હુમલા થયા છે, જેમાં શારીરિક હુમલા પણ સામેલ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ તરફથી પૂરતું રક્ષણ કે ટેકો પણ નથી મળ્યો.
ગ્રાહકોનો આભાર અને ભવિષ્યની યોજના
આ પોસ્ટમાં હરમન સિંહે એ તમામ ગ્રાહકોનો આભાર માન્યો જેમણે વર્ષો સુધી તેમને સાથ આપ્યો. તેમણે લખ્યું છે કે, ‘ભલે મારો બિઝનેસ બંધ થઈ રહ્યો હોય, પરંતુ મારી હિંમત તૂટી નથી. હવે કોઈપણ બંધન વિના પૂર્ણ સમય સામાજિક સક્રિયતા પર ધ્યાન આપીશ અને આવા તત્ત્વો સામે લડતો રહીશ. દરેક અસલી ગ્રાહકનો આભાર જેમણે વર્ષોથી અમને સપોર્ટ કર્યો. હું હંમેશા તમારો આભારી રહીશ.’ આ દરમિયાન તેમણે રેસ્ટોરન્ટના ફોટોગ્રાફ પણ મૂક્યા છે.
પોલીસ પ્રત્યે નારાજગી
હરમન સિંહે પોતાની પોસ્ટમાં લંડનની ‘મેટ્રોપોલિટન પોલીસ’ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે વારંવારની ફરિયાદો અને જીવનું જોખમ હોવા છતાં સ્થાનિક પોલીસ તરફથી તેમને પૂરતું રક્ષણ કે સહાય મળી નથી. વધતા જતા ખર્ચ અને સતત સુરક્ષાના ભયને કારણે હવે આ વ્યવસાય ચાલુ રાખવો અશક્ય બની ગયો છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા અને વિવાદ
આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અનેક લોકોએ હરમન સિંહ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. એક યુઝરે લખ્યું કે તેમને પણ આવી જ રીતે ઓનલાઈન પરેશાન કરાય છે. તો અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે અમે રંગરેઝની મુલાકાત લીધી હતી અને ત્યાંનું ફૂડ ખૂબ સારું હતું. તો કેટલાક લોકોએ માલિક પર જ ‘વંશીય ટિપ્પણી’ (Racist) કરવાનો આરોપ લગાવ્યો હતો. એક યુઝરે નકારાત્મક રિવ્યૂ ટાંકીને કહ્યું કે, ખરાબ ક્વોલિટી અને ઊંચા ભાવને કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ રહી છે, બીજા પર દોષારોપણ કરવું તે ઠીક નથી.

રેસ્ટોરન્ટનું રેટિંગ અને વિશેષતા
ગૂગલ રિવ્યુઝ પર નજર કરીએ તો ‘રંગરેઝ’ને 3.9 સ્ટાર રેટિંગ મળેલું છે અને 859 રિવ્યુઝ છે. ઘણાં ગ્રાહકોએ ભોજનના વખાણ કર્યા છે, તો કેટલાકે સર્વિસ અને ક્વોલિટી સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. આ રેસ્ટોરન્ટ તેની સ્પેશિયલ કરી, તંદૂરી અને વાઈબ્રન્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી હતી.



