અમેરિકાની ચીન વિરુદ્ધ મોટી કાર્યવાહી, 15000 કિ.મી. પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું | us navy seizes oil tanker bertha indian ocean

![]()
US Forces Seize Oil Tanker : અમેરિકી સેનાએ હિંદ મહાસાગરમાં પ્રતિબંધિત તેલ ટેન્કરો વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો પીછો હિંદ મહાસાગર સુધી પહોંચ્યો હતો, જ્યાં ‘બર્થા’ (Bertha) નામનું ત્રીજું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે. આ જહાજ વેનેઝુએલાથી ભારે અશુદ્ધ તેલ (Crude Oil) લઈને ચીન જઈ રહ્યું હતું અને ઈરાન સાથે જોડાયેલા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પેન્ટાગોને તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજી સફળ જપ્તી ગણાવી છે. જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનો એક ભાગ છે.
હિંદ મહાસાગરમાં આ જહાજ પકડ્યું
પેન્ટાગોન અનુસાર, અમેરિકી સૈન્ય દળોએ કેરેબિયન સમુદ્રથી પીછો કર્યા બાદ હિંદ મહાસાગરમાં આ પ્રતિબંધિત ટેન્કરને પકડ્યું છે. ગયા મહિને કારાકસમાં સૈન્ય દરોડામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, વોશિંગ્ટને તે જહાજો પર નાકાબંધી અને કડકાઈ વધારી દીધી છે. જે પ્રતિબંધો હેઠળ વેનેઝુએલાથી તેલની હેરફેર કરી રહ્યા છે.
જહાજની ઓળખ
અમેરિકી સંરક્ષણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે, સુરક્ષા દળોએ રાતોરાત ‘બર્થા’ જહાજ પર ચઢાઈ (Boarding) કરી હતી. આ જહાજ કુક આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલતું હતું અને શાંઘાઈ લિજેન્ડરી શિપ મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે જોડાયેલું છે. તે જાન્યુઆરી 2020 માં લાદવામાં આવેલા પ્રતિબંધોના દાયરામાં આવે છે.
માલસામાન
વેનેઝુએલાની સરકારી કંપની PDVSA ના રિપોર્ટ મુજબ, આ જહાજ લગભગ 19 લાખ બેરલ ‘મેરેય’ (Merey) ભારે અશુદ્ધ તેલ ચીન લઈ જઈ રહ્યું હતું.
ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે, કુલ ત્રણ જહાજો ભાગી રહ્યા હતા અને હવે ત્રણેયને પકડી લેવામાં આવ્યા છે. ‘બર્થા’ જાન્યુઆરીની શરૂઆતમાં વેનેઝુએલાના દરિયાકાંઠેથી રવાના થયું હતું અને તે તેવા કાફલાનો ભાગ હતું જેને અમેરિકાએ લગભગ સંપૂર્ણપણે જપ્ત કરી લીધો છે.
માલદીવ નજીક લોકેશન હતું
મરીનટ્રાફિકના ડેટા મુજબ, જહાજનું અંતિમ લોકેશન 24 ફેબ્રુઆરીએ માલદીવના તટ પાસે હિંદ મહાસાગરમાં નોંધાયું હતું. પેન્ટાગોને લખ્યું કે ઇન્ડો-પેસિફિક કમાન્ડ (INDOPACOM) એ કોઈ પણ મોટી ઘટના વિના આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ જહાજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેરેબિયન સમુદ્રમાં પ્રતિબંધિત જહાજો માટે સ્થાપિત ક્વોરેન્ટાઇન (Quarantine) ના નિયમોનું ઉલ્લંઘન કરીને બચવાનો પ્રયાસ કરી રહ્યું હતું.



