અમેરિકાના ઉત્તર પૂર્વમાં ભયંકર બર્ફીલું તોફાન : 5000થી વધુ ફ્લાઈટ્સ રદ્દ | Severe ice storm hits northeastern US: More than 5 000 flights canceled

![]()
– 5 કરોડથી વધુ નાગરિકો તોફાનની જપેટમાં
– ન્યૂ જર્સી, ન્યુ યોર્ક અને બોસ્ટનના એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત, કેટલાક શહેરોમાં પરિવહન સેવાઓ બંધ
ન્યુ યોર્ક : અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા શક્તિશાળી બર્ફીલા તોફાને શહેરોની જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે હિમવર્ષા, સૂસવાટા મારતો પવન અને ઝીરો વિઝિબિલીટી વચ્ચે લાખો લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન ઝડપથી શક્તિશાળી બનેલું ‘બોમ્બ સાયક્લોન’ છે. જે મેરીલેન્ડથી મેઇન સુધીના વિસ્તારોમાં ભારે બરફ અને જોખમી પરિસ્થિતિ સર્જી રહ્યું છે. અનેક સ્થળોએ પ્રતિ કલાક ૨-૩ ઇંચ સુધી હિમવર્ષા નોંધાઈ છે અને ઘણા વિસ્તારોમાં એક ફૂટથી વધુ બરફ પડી ગયો છે.
તોફાનને કારણે દેશભરમાં ૫,૦૦૦થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ન્યુયોર્ક, ન્યુ જર્સીઅને બોસ્ટનના મોટા એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા. જાહેર પરિવહન સેવાઓ પણ કેટલાક શહેરોમાં બંધ રાખવામાં આવી છે. રસ્તાઓ પર જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં અનાવશ્યક મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તોફાનના કારણે વીજ પુરવઠા પર પણ અસર પડી છે અને પૂર્વ કિનારે ૫ લાખથી વધુ ઘરો અને ઓફિસો-દુકાનો અંધકારમાં ડૂબી ગયા છે. મેસેચ્યુસેટ્સ અને ન્યૂ જર્સી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ન્યૂ યોર્કના લોંગ આઈલેન્ડમાં 22 ઈંચ હિમવર્ષા ઘણા વિસ્તારોમાં વ્હાઈટ આઉટ જેવી સ્થિતિ
લોંગ આઇલેન્ડમાં ૨૨ ઇંચથી વધુ અને ન્યુ યોર્ક શહેરમાં આશરે ૧૫-૧૬ ઇંચ બરફ નોંધાયો છે. ૩૦ માઇલ પ્રતિ કલાકથી વધુ પવનના ઝોકા સાથે દ્રશ્યતા ઘટી જતાં ‘વ્હાઇટઆઉટ’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દબાણમાં અચાનક ઘટાડાને કારણે તોફાન ઝડપથી શક્તિશાળી બન્યું છે. જેના કારણે કિનારાકાંઠે પૂર અને વધુ વિક્ષેપની શક્યતા ઉભી થઈ છે.અનેક શાળાઓ બંધ રાખવામાં આવી છે. જ્યારે જેએફકે, લા ગાર્ડિયા અને ન્યુઆર્ક એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. એરલાઇન્સે ચેતવણી આપી છે કે ફ્લાઇટ શેડયૂલ સામાન્ય થવામાં હજુ કેટલાક દિવસ લાગી શકે છે. આ તોફાનના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને કાર્ગો પરિવહન પર પણ અસર પડી છે. જે વૈશ્વિક સપ્લાય ચેઇન અને પ્રવાસ વ્યવસ્થાને અસરકારક રીતે અસર કરી શકે છે.



