અલ મેંચોનાં મોત પછી મેક્ષિકો સળગેલી મોટરોનું કબ્રસ્તાન બન્યું : 14નાં મોત | Mexico becomes a graveyard of burnt out car after El Mencho death: 14 dead

![]()
– મેક્ષિકન આર્મીએ દેશના સૌથી શક્તિશાળી ખૂંખાર ડ્રગ માફિયાને પતાવી દીધો, તે પછી તેના કાર્ટેલ મેમ્બર્સે આગજની, ગોળીબારી તથા રોડ બ્લોક કરી બદલો લીધો
મેક્ષિકો સીટી : મેક્ષિકોના કુખ્યાત માફીયા ડાકુ અલ મેંચોની સેના સાથેની અથડામણમાં મોત થયા પછી સમગ્ર દેશમાં તંગદીલી, હિંસા, આગજની અને અંધાધૂંધી, ગોળીબારી ફેલાઈ ગઈ છે. જેલિરકો ન્યૂ જનરેશન કાર્ટેલના આ અતિ શક્તિશાળી નેતાના મોત પછી તેના ટેકેદારોએ વ્યાપક તોફાનો કર્યા હતા. ઠેર ઠેર આગજની, ગોળીબારી તથા રોડ બ્લોકસ કર્યા હતા. પાટનગર મેક્ષિકો સીટી સહિત દેશના અન્ય અનેક શહેરોમાં ફાટી નીકળેલા આ પ્રચંડ તોફાનોને લીધે સ્કૂલ-કોલેજો બંધ કરવા પડયા હતા. ઉડ્ડયનો રદ્દ કરાયા અને લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
પરિસ્થિતિ હવે કાબુમાં આવી છે તેવા સરકારના દાવા છતાં હજી લોકોમાં ભય અને અનિશ્ચિતતા પ્રસરી રહ્યાં છે. ભારત અને અમેરિકાએ પણ પોતાના દેશોના લોકોને માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે.
અત્યારે તો દેશના ૨૦ રાજ્યોમાં કુલ મળીને ૨૫૦ થી વધુ સ્થળોએ સડકો જામ કરી દેવાઈ છે. અનેક સ્થળોએ ફાયરિંગ થઈ રહ્યા છે.
દેશનાં જેલિરકો, નિયો આકાન અને ગુયાનાજુઆનો જેવા શહેરોમાં મળી ઓછામા ઓછા ૧૪ મૃત્યુ આ રમખાણો અને સલામતી દળો તથા ડ્રગ-કાર્ટલના ગૂંડાઓ વચ્ચે ચાલતી ગોળીબારીને લીધે નોંધાયા છે. આ ૧૪ મૃતકો પૈકી સાત તો નેશનલ ગાર્ડઝના જવાનો છે. તે પરથી અંદાજ લગાવી શકાય કે સ્થિતિ કેટલી ગંભીર છે.
દેશનું બીજા ક્રમનું શહેર ગ્વાડ લાહારા તો પુરેપુરુ બંધ છે. લોકો ઘરની બહાર નીકળતા નથી. અહીંથી જ અલ-મેંચોએ તેનું ડ્રગ કાર્ટેલ શરૂ કર્યું હતું.
આ કાર્ટેલના મેમ્બર્સોએ ઠેર ઠેર આગ લગાડી હતી. મેક્ષિકો શહેરમાં તો મોટરોનો ખુર્દો બોલાવી સળગાવી દીધી હતી. તેથી શહેર મોટરોનું કબ્રસ્તાન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય વિમાન મથકો અને અન્ય વિમાન મથકો સ્ટાફ પહોંચી ન શકવાથી બંધ જાહેર કરાયા છે.
આગજની, ગોળીબારી, રોડ બ્લોક સહિતનાં વ્યાપક રમખાણોને લીધે ભારતીય દૂતાવાસો ત્યાં રહેલા આપણા નાગરિકોને ઘર ન છોડવા જણાવ્યું છે.
પ્રમુખ ટ્રમ્પે મેક્ષિકોના સૈન્યને શાબાશી આપી છે. અમેરિકન દૂતાવાસે પણ તેના નાગરિકોને ઘરમાં જ રહેવા જણાવી દીધું છે.



