નેપાળમાં ધાર્મિક સ્થળ અંગે બબાલ લાઠીચાર્જ પછી વીરગંજમાં કરફ્યુ | Curfew imposed in Nepal’s border city Birgunj to prevent religious

![]()
– ભારતની સરહદને સ્પર્શીને રહેલાં આ શહેરમાં પોલીસને સહાય કરવા આર્મી બોલાવાઇ : શકમંદ મોહમ્મદ નિઝામ ફરાર
નવી દિલ્હી : ભારતની સરહદને સ્પર્શીને રહેલાં શહેર વીરગંજમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક મારામારીમાં ભારે પથ્થરમારો પણ સામસામે થતાં પરસા જિલ્લા પ્રશાસને સોમવાર સવારના ૯.૪૫ થી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લગાડી દીધો છે. સલામતી વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસની સાથે આર્મ્ડ પોલીસ ફોર્સ અને સેના પણ તૈનાત કરવામાં આવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે એક ધાર્મિક સ્થળ પાસે રવિવારે સાંજે હિંસા ભડકતાં અર્ધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે હિંસા કાબુમાં લેવા લાઠી-ચાર્જ પણ કર્યો હતો. પર્સા જિલ્લાના ડી.એસ.પી. હરિ બહાદૂર બસ્નેએે જણાવ્યું હતું કે વોર્ડ નં. ૧૧ સ્થિત શ્રીપુરમાં એક ધાર્મિક સ્થળ પાસે તોફાન શરૂ થયું. જેમાં કોઈ કારણ વિના ફૂટપાથ ઉપર ઉભેલા યુવકો ઉપર ટોળું ધસી આવ્યું હતું અને મારપીટ શરૂ કરી દીધી હતી. તેથી લલન મહતો, અમર મહતો અને ધીરજ શાહ સહિત આશરે અર્ધા ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા, તેમને નારાયણી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહીછે.
પોલીસે ઝડપી કાર્યવાહી કરી સંદીગ્ધોને અટકાયતમાં લીધા છે. પરંતુ મુખ્ય શંકાસ્પદ મોહમ્મદ નિઝામ હજી ફરાર છે. પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો, પરંતુ તે ત્યાં ન હતો.
લોકોનું કહેવું છે કે સામાન્ય ચૂંટણી સમયે પણ બબાલ થઈ હતી. જેથી તંગદિલી વધી હતી, જે હજી પણ ચાલુ છે. પોલીસે જાહેર કર્યું છે કે કરફ્યુ દરમિયાન કોઈ પણ સભા, સરઘસ કે બેઠક યોજવી તે ગેરકાયદે ગણાશે. આ આદેશ તોડનારા સામે સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



