दुनिया

અફઘાનિસ્તાનમાં પાક.ની એરસ્ટ્રાઈક, 70નાં મોત | Pakistan airstrike in Afghanistan 70 dead



– ટીટીપીના આતંકી હુમલાના બદલામાં રમઝાનમાં પાકિસ્તાનની કાર્યવાહી : તાલિબાને સરહદે ટેન્કો ગોઠવી

– ઉરગુન અને ગની ખેલ સહિત 7 સ્થળે આતંકી છાવણીઓને નિશાન બનાવ્યાનો પાક.નો દાવો : એક જ ઘરના 19 લોકો પાકિસ્તાની હુમલાનો ભોગ બન્યા

ઈસ્લામાબાદ/કાબુલ: પાકિસ્તાને તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં રવિવારે આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી ૭૦ આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને લગભગ પાંચ મહિનાના સમયમાં અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં એક જ પરિવારના ૧૯ લોકો માર્યા ગયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. તાલિબન સરકારે આ હુમલાને પોતાની સંપ્રભુતા પર સીધો પ્રહાર ગણાવતા પાકિસ્તાનને જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. આ સાથે અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદ પર ટેન્કો તૈનાત કરી દીધી છે. સાથે જ તાબિલાને કાબુલ અને કંધારમાં ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.

પાકિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન લાંબા સમયથી આતંકવાદની નિકાસ કરી રહ્યું છે. પાકિસ્તાન તેના નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે તમામ પગલાં લઈ રહ્યું છે. આ પહેલાં માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે બજૌર, ઈસ્લામાબાદ અને બન્નુમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકીઓના આત્મઘાતી હુમલાના બદલામાં એર સ્ટ્રાઈક કરાઈ હોવાની પુષ્ટી કરી હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બરમલ અને ઉરગુન, નંગરહાર પ્રાંતના ખોગયાની, બેહસૂદ, ગરદા સામિયા અને ગની ખેલ જિલ્લામાં આતંકી છાવણીઓને નિશાન બનાવી હતી.

અફઘાનિસ્તાનની નંગરહાર પ્રાંતની પોલીસના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં એક ઘરને નિશાન બનાવાયું હતું, જ્યાં ૨૩ લોકો કાટમાળમાં દબાઈ ગયા. આ હુમલામાં એક જ પરિવારના ૧૯ લોકોનાં મોત થયા હતા. 

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓએ શનિવારે ખૈબર પખ્તખ્ખ્વા પ્રાંતના બન્નુમાં એક આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં એક આર્મી લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિક માર્યા ગયા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં આ હુમલાઓ માટે અફઘાનિસ્તાન સ્થિત પાકિસ્તાની તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન પ્રાંત (આઈએસકેપી)ના આતંકીઓ જવાબદાર છે. 

પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જોકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે.

મંત્રાલયે ઉમેર્યું કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાને ગુપ્તચર માહિતીના આધારે આતંકીઓની સાત છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૭૦ આતંકીઓ માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા. 

આ આતંકીઓ હુમલા કરીને અફઘાનિસ્તાનમાં ભાગી જતા હતા. 

પાકિસ્તાનની એરસ્ટ્રાઈકને તાલિબાન સરકારે તેમની સંપ્રભુતા પર સીધો હુમલો ગણાવતા જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. તાલિબાન સરકારે કહ્યું કે, આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોનાં મોત થયા છે. તાલિબાન સરકારે કાબુલ અને કંધારમાં ઈમર્જન્સી બેઠક પણ બોલાવી હતી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે, તેઓ હાલ નુકસાનનું આકલન કરી રહ્યા છે અને સમય આવશે ત્યારે આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે.



Source link

Related Articles

Back to top button