BIG NEWS: ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, માર-એ-લાગો રિસોર્ટમાં ઘૂસણખોરીનો પ્રયાસ, હથિયારધારી ઠાર | man killed after entering perimeter of trumps mar a lago resort US

Mar-a-Lago Resort News: રવિવારે(22 ફેબ્રુઆરી) અમેરિકાના ફ્લોરિડામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક સામે આવી છે. ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થા તોડીને એક 20 વર્ષીય યુવકે અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેને ગોળી મારી ઠાર કર્યો છે.
સિક્રેટ સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વ્યક્તિ સશસ્ત્ર હતો અને તેણે સુરક્ષિત ઘેરામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જે સમયે આ ઘટના બની ત્યારે પ્રમુખ ટ્રમ્પ વોશિંગ્ટનમાં હોવાથી તેઓ રિસોર્ટમાં હાજર નહોતા. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને રિસોર્ટની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, માર-એ-લાગો પ્રોપર્ટીમાં સુરક્ષા ઘેરો તોડીને ઘૂસણખોરી કરનાર એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસ કાર્યવાહીમાં માર્યો ગયો છે. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ (PBSO) ના ડેપ્યુટીએ આ વ્યક્તિનો સામનો કર્યો હતો. સામસામે થયેલા એન્કાઉન્ટર દરમિયાન કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં શંકાસ્પદ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, કોઈ પણ સિક્રેટ સર્વિસ એજન્ટ કે ડેપ્યુટીને ઈજા થઈ નથી. મૃતકની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, તેના પરિવારને જાણ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ સમગ્ર મામલાની તપાસ હાલમાં FBI, યુએસ સિક્રેટ સર્વિસ અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. એજન્સીની નીતિ મુજબ, આ ઘટનામાં સામેલ સિક્રેટ સર્વિસ એજન્ટોને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વહીવટી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.




