સમગ્ર વિશ્વ પર 15 ટકાનો ટેરિફ ! : ટ્રમ્પની તાનાશાહી | 15 percent tariff on the entire world : Trump’s dictatorship

![]()
– ન્યાયતંત્રની ઐસી તૈસી : અગાઉનો ટેરિફ ગેરકાયદે ઠેરવાયો છતાં પણ
– વડાપ્રધાન મોદી મહાન માણસ, પરંતુ અમેરિકાનો ટેરિફ તો આપવો જ પડશે : વેપાર કરારમાં કશું જ નહીં બદલાય, ભારત અમને લૂંટતું હતું, હવે અમે ટેરિફ નહીં આપીએ : ટ્રમ્પ
– અમેરિકી સુપ્રીમના ચુકાદા અને ટ્રમ્પના ગ્લોબલ ટેરિફની સમીક્ષા કરી રહ્યા છીએ : ભારત
– ટ્રેડ ડીલ હેઠળ 18 ટકા ટેરિફ હવે 15 ટકા થઈ જતા ભારતને આંશિક રાહત
વોશિંગ્ટન/નવી દિલ્હી : અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા પર નાંખેલા ટેરિફને ગેરકાયદે ઠેરવતા અમેરિકન આયાતકારો અને વિશ્વને ટ્રમ્પના ટેરિફની ચુંગાલમાંથી છુટવાની રાહત મળશે તેવી આશા જાગી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તુરંત જ પ્રમુખ ટ્રમ્પે ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકી બધાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને ૧૫ ટકા કરી નાખ્યો હતો.
આ ટેરિફનો અમલ મંગળવારે ૨૪ ફેબુ્રઆરીથી થશે. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટેરિફ આપવો જ પડશે અને અમેરિકા ટેરિફ નહીં જ આપે. હું જે ઈચ્છું તે કરી શકું છું. જોકે, ભારત માટે રાહત વાત એ છે કે અમેરિકા સાથે વેપાર સોદામાં લગાવાયેલો ૧૮ ટકા ટેરિફ હવે ૧૫ ટકા થઈ ગયો છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેના ચૂકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પને આઈઈઈપીએ હેઠળ ટેરિફ નાંખવાનો અધિકાર નથી. સુપ્રીમના આ ચૂકાદા બાદ પ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ ‘મૂળભૂત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સમસ્યાઓના નિરાકરણ માટે કામચલાઉ આયાત સરચાર્જ લાદવા’ના શિર્ષક હેઠળ અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ૧૫૦ દિવસના સમય માટે ૧૫ ટકા એડ વેલોરમનો કામચલાઉ આયાત સરચાર્જ નાંખી રહ્યા છે, જેનો અમલ ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થશે. ટ્રમ્પનો આ ટેરિફ દુનિયાના બધા દેશો પર લાગુ થશે.
અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને હવે ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફના પગલે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારના ભાગરૂપે ભારતીય નિકાસકારોએ હવે ૧૮ ટકા ટેરિફ ચૂકવવો નહીં પડે. તેના બદલે તેમના સામાન પર ૧૫ ટકા ટેરીફ લાગુ પડશે. ભારત અને અમેરિકાએ લાંબા સમયની મડાગાંઠના અંતે આ મહિનાની શરૂઆતમાં વચગાળાના વેપાર કરાર માટે ફ્રેમવર્ક પર સહમતી પર પહોંચવાની જાહેરાત કરી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વચગાળાના વેપાર કરાર હેઠળ ભારત પરનો કુલ ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો હતો. બંને દેશ આગામી સમયમાં વચગાળાના વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાના છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભમાં ટ્રમ્પને વચગાળાના વેપાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, કશું જ બદલાશે નહીં. તેમણે ટેરિફ ચૂકવવો જ પડશે અને અમે ટેરિફ નહીં આપીએ.
તેમણે ઉમેર્યું કે, ભારત સાથે એ જ સમજૂતી થઈ છે કે તેઓ ટેરિફ ચૂકવશે. આ પહેલા કરતાની વિપરિત સ્થિતિ છે. વડાપ્રધાન મોદી મહાન માણસ છે અને અમેરિકાના સંદર્ભમાં તેઓ અગાઉના પ્રમુખો કરતાં વધુ સ્માર્ટ હતા. તેમણે અમેરિકાને લૂંટી લીધું. પરંતુ હવે જે કરાર થયો છે તેમાં કશું બદલાશે નહીં, અમે બસ તેને થોડી અલગ રીતે કરીશું. મારા કહેવાથી જ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી એકદમ ઘટાડી દીધી છે. ભારત હવે રશિયાથી અલગ થઈ ગયું છે.
ગ્લોબલ ટેરિફ અંગે સુપ્રીમના ચૂકાદા છતાં ટ્રમ્પે પીછેહઠ કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હું જે ઈચ્છું તે કરી શકું છું. તેમનો આક્રમક વેપાર એજન્ડા યથાવત્ રાખવા માટે તેમની પાસે અનેક વિકલ્પો છે.
આથી જ ટ્રમ્પે સુપ્રીમના ચૂકાદા પછી તુરંત જ ૧૦ ટકા ગ્લોબલ ટેરિફના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા. તેમણે કહ્યું, તેમની સરકાર અમેરિકન કામદારો, ખેડૂતો અને ઉત્પાદકોના લાભમાં આપણા વેપાર સંબંધોને પુન:સંતુલિત કરવાનું કામ ચાલુ રાખશે.
વ્હાઈટ હાઉસે જાહેર કરેલી ફેક્ટશીટમાં જણાવાયું હતું કે, ટ્રમ્પે ૧૯૭૪ના વેપાર કરારની કલમ ૧૨૨ હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા અમેરિકામાં આયાત થતા સામાનો પર ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેરિફ નાંખે છે, જેનો અમલ ૨૪ ફેબુ્રઆરી રાતે ૧૨.૦૧થી થશે. ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ કલમ ૩૦૧ હેઠળ પણ પગલાં લઈ શકે છે.
15 ટકા ગ્લોબલ ટેરિફનો કેટલાક સામાન પર અમલ નહીં
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દુનિયાના દેશો પર ૧૫ ટકા ટેરિફ નાંખવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી વ્હાઈટ હાઉસે ફેક્ટશીટ જાહેર કરી જણાવ્યું કે, અમેરિકન અર્થતંત્રની જરૂરિયાતના કારણે અને અમેરિકા સામેની મૂળભૂત આંતરરાષ્ટ્રીય ચૂકવણી સમસ્યાઓને વધુ અસરકારક રીતે સંબોધવા માટે ડયુટી વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરવા કેટલાક માલ-સામાન પર કામચલાઉ ઈમ્પોર્ટ ડયુટી લાગુ નહીં પડે. આ સામાનમાં ચોક્કસ દુર્લભ ખનીજો, ચલણ અને બુલિયનમાં વપરાતી ધાતુઓ, એનર્જી અને એનર્જીના ઉત્પાદનો, કુદરતી સંશાધનો અને કેટલાક ખાતર, બીફ, ટામેટાં અને નારંગી સહિત ચોક્કસ કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઘટકો, ચોક્કસ ઈલેક્ટ્રોનિક્સ, પેસેન્જર વાહનો, ચોક્કસ હળવા ટ્રક, ચોક્કસ મધ્યમ અને ભારે ડયુટી વાહનો, બસો અને પેસેન્જર વાહનોના કેટલાક પાર્ટ્સ અને કેટલાક એરોસ્પેસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.



