ટ્રમ્પના ‘ટેરિફ રાજ’ પર સુપ્રીમ કોર્ટની બ્રેક: કયા ટેક્સ રદ થયા અને કયા હજુ યથાવત્? જાણો વિગત | US Supreme Court Rejects Trump’s IEEPA Tariffs: Key Details

![]()
USA Tariff and Donald Trump News : અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત જકાત) પ્રોગ્રામ પર મોટો કાપ મૂક્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈમરજન્સી કાયદાનો ઉપયોગ કરીને મનસ્વી રીતે ટેક્સ લાદવો એ સત્તાનો દુરુપયોગ છે.
શું છે સમગ્ર મામલો?
અમેરિકન સુપ્રીમ કોર્ટે 6-3ના ઐતિહાસિક ચુકાદામાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા IEEPA (ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ) હેઠળ લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા છે. ટ્રમ્પ પહેલા એવા પ્રમુખ હતા જેમણે આ કાયદાનો ઉપયોગ દેશો પર ભારે ટેક્સ લાદવા માટે કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ પ્રમુખના અધિકારોનું અતિક્રમણ છે.
કયા ટેરિફ પર કોર્ટે રોક લગાવી?
‘લિબરેશન ડે’ ટેરિફ: ગયા વર્ષે ટ્રમ્પે દુનિયાના લગભગ તમામ દેશો પર 10% થી 50% સુધીનો ‘રેસિપ્રોકલ’ ટેક્સ લગાવ્યો હતો, જે હવે રદ થયો છે.
કેનેડા-મેક્સિકો-ચીન પર ટેક્સ: નશીલા દ્રવ્યોની તસ્કરી અને ગેરકાયદે ઘૂસણખોરીને ઈમરજન્સી ગણાવીને ટ્રમ્પે આ દેશો પર 25% થી 35% ટેક્સ નાખ્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો છે.
ભારત પરની વધારાનો ટેરિફ : ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પે કુલ 50% જેટલો ટેક્સ ઠોકી દીધો હતો. જોકે, તાજેતરમાં થયેલા ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ આ ટેક્સ ઘટાડીને 18% કરવાની વાત હતી, પરંતુ હવે IEEPA આધારિત તમામ વધારાના ટેક્સ પર કોર્ટનો હથોડો પડ્યો છે.
કયા ટેરિફ હજુ ચાલુ રહેશે?
યાદ રહે કે તમામ ટેક્સ નાબૂદ થયા નથી. સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો સેક્ટર પર જે ખાસ ડ્યુટી (Section 232 અને 301 હેઠળ) લગાવવામાં આવી હતી, તે હજુ પણ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટનો આદેશ માત્ર ઈમરજન્સી પાવર (IEEPA) હેઠળ લાદેલા ટેક્સ પર જ લાગુ પડે છે.



