‘AI કંઇ પણ કરી શકે છે પરંતુ…’, દિલ્હીના ટ્રાફિક અંગે બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનકનો કટાક્ષ | rishi sunak delhi traffic remark ai impact summit india

Rishi Sunak on Delhi Traffic: બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’માં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થતાં તેમણે દિલ્હીના ટ્રાફિક અંગે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ઘણી સમસ્યાઓ ઉકેલી શકે છે, પરંતુ તે દિલ્હીના ટ્રાફિકને ઓછો કરી શકે તેમ નથી. સેશન મોડું શરૂ થવા બદલ માફી માંગતા તેમણે રમુજી અંદાજમાં સ્વીકાર્યું કે મોડું થવા પાછળનું કારણ શહેરની ભીડભાડ હતી. ટ્રાફિક પરના આ કટાક્ષ છતાં તેમણે AI ક્ષેત્રે ભારતની પ્રગતિના મન ભરીને વખાણ કર્યા હતા.
AIના પરિવર્તન માટે ભારત સર્વશ્રેષ્ઠ સ્થળ
ઋષિ સુનકે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું કે, AI ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા કરવા માટે ભારતથી વધુ સારું કોઈ સ્થળ હોઈ શકે નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, ભારત પાસે વિશાળ ટેલેન્ટ પૂલ, મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીને ટેકો આપતું માનસ છે. સુનકના મતે, ભારત એ સાબિત કરી રહ્યું છે કે AI માત્ર વિકસિત દેશો માટે જ નહીં, પરંતુ વિકાસશીલ દેશોના ઉત્થાન માટે પણ કેટલું ઉપયોગી સાબિત થઈ શકે છે.
પશ્ચિમી દેશોમાં ચિંતા, ભારતમાં આશાવાદ
વિશ્વભરમાં AI પ્રત્યેના દૃષ્ટિકોણ અંગે વાત કરતા સુનકે નોંધ્યું કે, જ્યાં પશ્ચિમી દેશોમાં AIને લઈને ચિંતા અને આશંકાઓ જોવા મળે છે, ત્યાં ભારતમાં આ ટેકનોલોજી પ્રત્યે જબરદસ્ત ઉત્સાહ અને ભરોસો છે. હવે પ્રશ્ન એ નથી કે આ સાધનો શું કરી શકે છે, પરંતુ પ્રશ્ન એ છે કે દેશો આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે.
આ પણ વાંચો: ટ્રમ્પના બોર્ડ ઓફ પીસની પહેલી બેઠક યોજાઈ, ભારત સભ્ય નથી છતાં મીટિંગમાં થયું સામેલ
રાજકીય નેતૃત્વની મોટી જવાબદારી
સુનકે ભારપૂર્વક જણાવ્યું કે હવે AI એ કોઈ ગૌણ વિષય નથી રહ્યો, પરંતુ સરકારોની કેન્દ્રીય જવાબદારી બની ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોતાની ક્ષમતા અને ટેકનોલોજી પ્રત્યેના હકારાત્મક અભિગમને કારણે ભારત આગામી સમયમાં વિશ્વ સ્તરે AI ક્ષેત્રે નેતૃત્વ કરવાની મજબૂત સ્થિતિમાં છે.



