ઇરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દઈએ, ટ્રમ્પનું 10 દિવસનું અલ્ટીમેટમ | We will not let Iran build nuclear weapons Trump’s 10 day ultimatum

![]()
– ખામેનેઈને હાંકી કાઢવા અમેરિકાની તૈયારી
વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન વચ્ચે આ સપ્તાહમાં ગમે ત્યારે યુદ્ધ શરુ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ વચ્ચે ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની બેઠકમાંથી ખામેનેઈને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઇરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દે. અમેરિકાનો દાવો છે કે ઇરાન અમારી શરતો માનતું નથી અને તેથી હવે તેની સામે લશ્કરી કાર્યવાહી કર્યા વગર છૂટકો જ નથી.
આ હુમલો અગાઉ કરવામાં આવેલી ૧૨ દિવસની કાર્યવાહીની તુલનાએ ઘણો મોટો હુમલો હશે અને તે અનેક અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે. અમેરિકાએ મધ્યપૂર્વમાં તેની તાકાત વધારી છે. હાલમાં બે એરક્રાફ્ટ કેરિયર, ૧૨ યુદ્ધજહાજ, કેટલાય લડાકુ વિમાન, કેટલીય એર ડિફેન્સ સિસ્ટમ મધ્યપૂર્વમાં ગોઠવવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૫૦થી વધુ અમેરિકન લશ્કરી કાર્ગો વિમાનો અને શસ્ત્રો તથા દારૂગોળો પહોંચાડવા ઉડયા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમેરિકાએ મધ્યપૂર્વમાં તેના લશ્કરી પુરવઠાની સંખ્યામાં વધારો કર્યો છે. તેમા ૫૦થી વધારે લડાકુ વિમાનોને મધ્યપૂર્વમાં ગોઠવ્યા છે. આ જબરદસ્ત લશ્કરી જમાવટે સમગ્ર વિશ્વમાં ડર પેદા કર્યો છે અને ગમે ત્યારે વધુ એક વિનાશક યુદ્ધ શરૂ થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ યુદ્ધ શરૂ થયું તો કંઈ તાત્કાલિક પૂરુ નહીં થાય. આ યુદ્ધ અઠવાડિયાના અઠવાડિયાઓ સુધી જારી રહેશે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ટ્રમ્પ ઇરાનના વલણથી ખાસ્સા નારાજ છે. એક લશ્કરી અધિકારીએ દાવો કર્યો કે આગામી સપ્તાહોમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના ૯૦ ટકા છે. અમેરિકી સેનેટર ટ્રેડ- ક્રૂઝે કહ્યું છે કે, આયાતુલ્લાહ અલી ખોમેનેઈ પાસે હવે માત્ર એક જ વિકલ્પ રહ્યો છે તે છે સત્તા છોડવાનો ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ક્રૂઝે કહ્યું હતું ઃ ‘તેમનું રાજ્ય ખતમ થઈ ગયું છે મને નથી લાગતું કે પ્રમુખ ટ્રમ્પ તેની વાતોમાં આવી જાય.’
બીજી તરફ એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા કોઈપણ ક્ષણે ઇરાન ઉપર હુમલો કરી શકે તેમ છે. ટ્રમ્પ પણ તેવો સંકેત આપી ચૂક્યા છે કે, અમેરિકા કોઈપણ ક્ષણે ઈરાન ઉપર હુમલો કરી શકે તેમ છે. અમેરિકી હુમલાની આશંકા વચ્ચે મધ્ય- પૂર્વમાં અત્યંત તંગદિલી વધી ગઈ છે. જિનિવામાં મંત્રણા ભલે જારી હોય, પરંતુ બંને દેશ વચ્ચે અવિશ્વાસની મોટી ખાઈ છે.અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે ઇરાન તેના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકાની રેડલાઇન્સ સ્વીકારવા તૈયાર નથી. બીજી બાજુએ ઇરાને પણ રશિયા સાથે હોર્મુઝની ખાડીમાં યુદ્ધાભ્યાસ આદરી દીધો છે. આ ઉપરાંત તે ઓમાન સાગર અને ઉત્તરી હિંદમહાસાગરમાં રશિયાની સાથે સંયુક્ત યુદ્ધઅબ્યાસ કરવા જઈ રહ્યું છે.


