બ્રિટન અને આયરલેન્ડને જોડતી ‘ધી લૂપ’ હાઈ સ્પીડ રેલ | ‘The Loop’ high speed rail connecting Britain and Ireland

![]()
– સેંકડો કિ.મી.નું અંતરનું માત્ર ગણતરીના સમયમાં કપાશે
– 480 કિ.મી.ની ઝડપે યુકેના મહત્વના શહેરોને સાંકળી લેતી ધી લૂપ રોજગાર અને પ્રવાસનને વેગ આપશે
– 21 વર્ષ અગાઉ પડતી મુકાયેલી હાઈસ્પીડ રેલ યોજના અર્થતંત્રની દ્રષ્ટિએ હવે અત્યંત મહત્વની મનાઈ રહી છે
નવી દિલ્હી : યુરોપના નકશા પર એક એવી રેલ લાઈનની કલ્પના કરો જે સેંકડો માઈલનું અંતર ગણતરીના સમયમાં પાર કરી શકે. જે સફર બોજ નહિ, અનુભવ બની જાય, જ્યાં શહેરો વચ્ચેનું અંતર મિનિટોમાં સમેટાઈ જાય. યુકે અને આયરલેન્ડને જોડનારી મહત્વાકાંક્ષી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ‘ધી લૂપ’ આ જ સોચનો વિસ્તાર છે, જે ફરી એકવાર સમચારોમાં ચમકી રહ્યો છે. જેને વર્ષો પહેલા ફગાવી દેવાઈ હતી તેને હવે અર્થવ્યવસ્થા અને પ્રવાસન માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે.
લગભગ ૧૧૯૦ કિલોમીટર (૭૪૦ માઈલ) લાંબા આ પ્રોજેક્ટનો હેતુ બ્રિટન અને આયર્લેન્ડના મુખ્ય શહેરોને એક હાઈસ્પીડ નેટવર્કથી જોડવાનો છે. અહેવાલો અનુસાર આ રેલ લાઈન વેલ્સ, સ્કોટલેન્ડ અને આયરલેન્ડને સાંકળી લેશે. ડબલિન, બેલફાસ્ટ અને ગ્લાસગો જેવા મોટા શહેર આ રુટનો હિસ્સો બનશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળતા તે બ્રિટનની ત્રીજી હાઈ સ્પીડ રેલ લાઈન બનશે. પ્રથમ ૨૦૦૩માં લંડનને ચેનલ ટનલ સાથે જોડી ચુકી છે, જ્યારે બીજી લાઈનનું કામ હજી થઈ રહ્યું છે.
‘ધી લૂપ’ની સૌથી મોટી ખાસિયત તેની સંભવિત ગતિ છે. કહેવાય છે કે આ ટ્રેન લગભગ ૪૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે. યોજના મુજબ દર પાંચ મિનિટમાં એક ટ્રેન ઉપલબ્ધ કરાશે, જેનાથી પ્રવાસીઓએ લાંબી રાહ નહિ જોવી પડે. અનુમાન છે કે એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર માત્ર ૯૦ મિનિટમાં પાર કરી શકાશે. સરખામણી કરીએ તો જો આવી ટ્રેન ભારતમાં હોય તો દિલ્હીથી કાનપુરનો પ્રવાસ લગભગ એક કલાકમાં પૂરો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટનો સર્વ પ્રથમ પ્રસ્તાવ ૨૧ વર્ષ પહેલા રજૂ થયો હતો, પણ રાજનીતિક સમર્થનના અભાવમાં આગળ વધી ન શક્યો. હવે તેને ઉત્તરી બ્રિટન અને આયરલેન્ડની અર્થવ્યવસ્થાને મજબૂતી આપનાર પ્રોજેક્ટ તરીકે જોવાઈ રહ્યો છે. નિષ્ણાંતોના મતે ઝડપી અને સુવિધાજનક પરિવહનથી વેપાર, રોજગાર અને રોકાણ માટે નવી તકો ઊભી થશે, જેનાથી પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થઈ શકે છે.
આર્થિક દ્રષ્ટિ ઉપરાંત ટૂરીઝમની દ્રષ્ટિએ પણ આ પરિયોજના મહત્વની માનવામાં આવે છે. પહાડો, તટીય વિસ્તારો અને સુંદર પ્રાકૃતિક દ્રશ્યોથી પસાર થનારી આ ટ્રેન પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવી શકે છે. ‘ધી લૂપ’ માત્ર એક પરિવહન પરિયોજના નહિ, પણ સુવિધા અને વિકાસની નવી સોચનું પ્રતીક છે. આ યોજનાને મંજૂરી મળતા તે યુકે અને આયરલેન્ડ વચ્ચેની સફરનો સમગ્ર અનુભવ બદલી શકે છે.



