दुनिया

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી | future of india bangladesh ties under tarique rahman bnp


India-Bangladesh Relations: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)એ ભવ્ય જીત મેળવી છે અને આજે, 17 ફેબ્રુઆરીએ તેઓ વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના પહેલાં જ રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયૂ કબીરે ભારત સાથેની 1996ની ગંગા જળ સંધિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. 

સંધિ રિન્યુ કરવા માટે બાંગ્લાદેશનો કડક અભિગમ

તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ સંધિને રિન્યુ કરવાનો નિર્ણય બાંગ્લાદેશ માત્ર પોતાના ‘રાષ્ટ્રીય હિત’ને ધ્યાનમાં રાખીને જ લેશે. આ સંધિ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે અને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ આ મુદ્દો ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય વાટાઘાટોમાં મુખ્ય સ્થાને રહેવાની શક્યતા છે. કબીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે અગાઉ બાંગ્લાદેશને નદી જળ કરારોમાં ભારતીય રાજ્યોના હિતો વિશે જણાવવામાં આવતું હતું, પરંતુ હવે તેમની સરકાર બાંગ્લાદેશના ફાયદાને પ્રાથમિકતા આપશે.

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે કબીરનું ભારત વિરોધી નિવેદન

બીજી તરફ, બાંગ્લાદેશમાં ઓગસ્ટ 2024માં શેખ હસીનાના શાસનકાળના અંત પછી હિન્દુ લઘુમતીઓ પર થયેલા હુમલા અને દીપુ દાસની લિંચિંગ જેવી ઘટનાઓએ વિશ્વભરમાં ચિંતા જગાવી છે. જોકે, હુમાયૂ કબીરે આ હિંસા પર વાત કરવાને બદલે ઊલટાનું ભારત પર જ નિશાન સાધ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતની સાંપ્રદાયિક ઘટનાઓ બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય છે. તેમના મતે, ભારત એક અસહિષ્ણુ સમાજ બની રહ્યો છે અને ત્યાં કટ્ટરપંથી નિવેદનબાજીના સહારે ચૂંટણીઓ જીતવામાં આવે છે. કબીરે બાંગ્લાદેશની સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે ત્યાં જમાત-એ-ઈસ્લામી જેવી કટ્ટરપંથી પાર્ટીઓ સત્તામાં આવી શકી નથી કારણ કે બાંગ્લાદેશી જનતા આવી વિચારધારાને સમર્થન આપતી નથી.

આ પણ વાંચો: જતાં જતાં પણ યુનુસે ઝેર ઓક્યું! રાજીનામું આપ્યા બાદ ‘સેવેન સિસ્ટર્સ’ અંગે સૂચક નિવેદન

સીમા પરની ઘટનાઓથી ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ

હુમાયૂ કબીરે ભારત-બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ની કાર્યવાહીમાં બાંગ્લાદેશી નાગરિકોના મોતના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવી ઘટનાઓ બંને દેશોના સંબંધો પર માઠી અસર પાડે છે. આ સાથે જ તેમણે ભારતને સલાહ આપી છે કે ભારતે હવે બાંગ્લાદેશની વર્તમાન રાજકીય વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગ હવે બાંગ્લાદેશના રાજકારણમાં અસ્તિત્વ ધરાવતી નથી, તેથી ભારતે હવે નવી વ્યવસ્થા સાથે આગળ વધવું જોઈએ.


તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી 2 - image



Source link

Related Articles

Back to top button