UKનો સરકારી બિલાડો ‘લેરી’: 6 PM બદલાયા પણ તે 15 વર્ષથી ‘સત્તા’માં! વર્લ્ડ લીડર્સ સામે પણ રાજા જેવો મિજાજ | Larry the Cat: UK’s ‘Chief Mouser’ Who Survived 6 PMs in 15 Years at Downing Street

Larry the Cat: UK’s ‘Chief Mouser’ Who Survived 6 PMs in 15 Years at Downing Street | રાજકારણ એક એવું ક્ષેત્ર છે જેમાં સામેલ થનાર જાણીતા તો થઈ જ જાય, પછી એ માણસ હોય કે જાનવર. વાત છે એક એવા પ્રાણીની જે રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને ખૂબ લોકપ્રિય બની ગયું છે. યુનાઇટેડ કિંગડમમાં ‘લેરી’ નામનો એક બિલાડો છે જે ત્યાંના સત્તાના કેન્દ્ર એવા 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાનના પરિવાર સાથે રહે છે અને પ્રસિદ્ધ થઈ ગયો છે. ચાલો, જાણીએ કે લેરી બ્રિટનના સોફ્ટ પાવરનું પ્રતિક કઈ રીતે બન્યો.
પ્રાણી આશ્રયસ્થાનથી સત્તાના ગઢ સુધીની સફર
લેરીનો જન્મ 2007માં રસ્તા પર થયો હતો. પછીથી એને લંડનના પ્રાણીઘર Battersea Dogs & Cats Homeમાં લઈ જવાયો હતો. 2011માં તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમેરોને ત્યાંથી લેરીને અપનાવ્યો અને એને પોતાના સત્તાવાર નિવાસસ્થાન ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’ લઈ આવ્યા. ત્યારથી લેરી ત્યાં જ રહે છે. તે મિશ્ર પ્રજાતિનો છે, પણ શરીર પર ભૂખરા અને સફેદ રંગની રુંવાટી હોવાથી તેને ‘ગ્રે-એન્ડ-વ્હાઇટ ટેબી’ તરીકે ઓળખાવાય છે.
લેરીનું કામ શું?
લેરી ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’નો ‘ચીફ માઉસર’ છે. ચીફ માઉસર (Chief Mouser) એટલે સરકારી ઇમારતમાં ઉંદરો પકડવાની જવાબદારી ધરાવતી બિલાડી માટે આપવામાં આવતું સન્માનજનક પદ. લેરીનું કામ ઉંદરોને દૂર રાખવાનું છે, જેથી ઉંદરો કાગળો, ખોરાક અને ઇમારતને નુકસાન ન પહોંચાડે. અલબત્ત, આ કામ માટે લેરીને કોઈ ફરજ પાડવામાં નથી આવતી. બિલાડી પ્રકૃતિથી જ ઉંદરની દુશ્મન ગણાતી હોવાથી લેરી કુદરતી રીતે જ એને સોંપવામાં આવેલું કામ કર્યે જાય છે. તે મોટેભાગે ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’ના મુખ્ય દરવાજાની બહાર બેસીને ચોકી કરતો હોય છે.
લેરીને ‘ચીફ માઉસર ટુ ધ કેબિનેટ ઑફિસ’નું બિરુદ મળેલું છે.

લેરી બ્રિટિશ ‘સોફ્ટ પાવર’નું પ્રતિક શા માટે ગણાય છે?
લેરી રાજકારણથી પર છે, તે કોઈ પક્ષનો નથી. આ નિષ્પક્ષતા તેને વિશેષ બનાવે છે. ઉપરાંત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં તેની હાજરી વિશ્વ સમક્ષ એવો સંદેશ રજૂ કરે છે કે બ્રિટિશ સત્તા કઠોર નથી, પણ માનવીય, હળવાશપૂર્ણ અને મિત્રતાભરી છે. વૈશ્વિક નેતાઓ સાથેની લેરીની તસવીરો, મીડિયા દ્વારા મળતું મહત્ત્વ અને સોશિયલ મીડિયામાં હાજરી દ્વારા લેરી બ્રિટનને આકર્ષક રીતે ‘રીપ્રેઝન્ટ’ કરે છે, જે કોઈ રાજકીય ભાષણ કરતાં વધુ અસરકારક સાંસ્કૃતિક પ્રભાવ ઊભો કરે છે. આ બધાં કારણોને લીધે લેરીને બ્રિટનના ‘સોફ્ટ પાવર’નું પ્રતિક કહેવાય છે.
15 વર્ષમાં 6 વડાપ્રધાનનો સાથી બન્યો
2011થી અત્યાર સુધીમાં લેરી બ્રિટનના છ વડાપ્રધાનોના કાર્યકાળનો સાક્ષી બન્યો છે. ડેવિડ કેમેરોન પછી થેરેસા મે, બોરિસ જોન્સન, લિઝ ટ્રસ, ઋષિ સુનક અને કીર સ્ટાર્મરનો સાથી બનેલો લેરી બ્રિટિશ રાજકારણમાં સ્થિરતા અને પ્રામાણિકતાનું પ્રતિક ગણાય છે.
લેરીનો ખર્ચ જનતાને માથે નથી પડતો
સત્તાવાર સરકારી નિવાસસ્થાનનો ખર્ચ જનતાના ટેક્સના પૈસે નિભાવાતો હોય છે, પણ લેરીનો ખર્ચ યુકેની પ્રજાના ગજવામાંથી નથી થતો. ડાઉનિંગ સ્ટ્રીટના સ્ટાફના સભ્યો પોતાની કમાણીમાંથી ફાળો ઉઘરાવીને લેરીનો ખર્ચ કાઢે છે. લેરી સત્તાવાર કર્મચારી પણ નથી, તેથી તેને પગાર નથી મળતો.
ફોટોગ્રાફરોની પ્રિય સ્ટાર
બ્રિટનની મુલાકાતે આવનારા વિદેશી મહાનુભાવો 10 ડાઉનિંગ સ્ટ્રીટ જાય ત્યારે લેરી સાથે અચૂક ફોટા પડાવે છે. બ્રિટનના ફોટોગ્રાફર્સ પણ મોજથી લેરીના ફોટા પાડે છે અને એને છપાવે છે, જેને લીધે લેરીની લોકપ્રિયતા વધતી જાય છે.
વિશ્વ નેતાઓ સાથે લેરીની રસપ્રદ મુલાકાતો થઈ છે
લેરીએ અનેક વૈશ્વિક નેતાઓને મળ્યો છે. કહેવાય છે કે તેને ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા ગમતા હતા. 2019માં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે તે ટ્રમ્પની કાર ‘The Beast’ની નીચે આરામથી સૂઈ ગયો હતો.

સોશિયલ મીડિયા પર લેરી ખૂબ લોકપ્રિય છે
લેરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. X પર તેનું જે એકાઉન્ટ છે એના 8.7 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ એકાઉન્ટ સત્તાવાર નથી, કોઈ અનામી સંચાલક દ્વારા ચલાવવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ લેરીના નામનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ્સ પર લેરીના દૈનિક જીવન, બ્રિટિશ વડાપ્રધાનો સાથે લેરીએ વિતાવેલા સમયની યાદગીરીઓ અને વિદેશી મહાનુભાવો સાથેની તેની મુલાકાતો ફોટા અને વીડિયોના રૂપમાં જોવા મળે છે. લેરી કબૂતરને પકડવા માટે ભાગદોડ કરતો હોય એ વીડિયો અને પોતાના કરતાં 3-4 ગણા મોટા કદના શિયાળને મારી ભગાડતો હોય એ વિડીયો બહુ લોકપ્રિય બન્યા છે. લેરીના નામનું વિકિપીડિયા પેજ પણ છે.
કૂતરાઓ સાથે લેરીને મિત્રતા હતી!
સામાન્ય રીતે કૂતરા અને બિલાડીને એકમેકના દુશ્મન ગણવામાં આવતા હોય છે, પણ લેરીને કૂતરાઓ સાથે પણ સારું બનતું. બોરિસ જોન્સનના કૂતરા ‘ડિલિન’ અને ઋષિ સુનકના લેબ્રાડોર ‘નોવા’ સાથે લેરીને દોસ્તી થઈ ગઈ હતી. જોકે, વિદેશ મંત્રાલયની પાલતુ બિલાડી ‘પામર્સ્ટન’ સાથે લેરીને વારંવાર ઝઘડો થતો હતો.
વૃદ્ધાવસ્થા છતાં ફરજમાં પાક્કો
હવે લેરીની ઉંમર લગભગ 18 વર્ષ થઈ ગઈ છે. તેની દોડવાની ઝડપ થોડી ઓછી થઈ ગઈ છે, છતાં તે પોતાની ફરજ બજાવવામાં ચૂકતો નથી. તે આરામ પણ મુખ્ય દરવાજા પાસે જ કરે છે.
લેરીને એક સમયે પદથી હટાવાયો હતો!
2012માં એક કિસ્સો બન્યો હતો જ્યારે તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમેરોને જોયું કે લેરીની હાજરી હોવા છતાં તેમના રૂમમાં ઉંદર ફરતો હતો. લેરી આરામથી ખુરશી પર ઊંઘતો હતો! આ કારણે લેરીને થોડા સમય માટે ‘ચીફ માઉસર’ના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ‘ફ્રેયા’ નામની બિલાડીને જવાબદારી સોંપાઈ હતી. જોકે, લેરીની લોકપ્રિયતા સામે ફ્રેયા ટકી શકી નહીં અને લેરી ફરી સત્તા પર આવ્યો.
લેરી એટલો લોકપ્રિય છે કે વિદેશી નેતાઓ ઘણીવાર તેના માટે ભેટ પણ લાવે છે. તેને ‘કેટ ટ્રીટ્સ’, રમકડાં અને ખાસ કોલર ભેટમાં મળે છે.



