નકલી લગ્ન અને સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલાઓને પોતાની જાળમાં કેદ રાખતો કુખ્યાત એપસ્ટિન | Jeffrey Epstein Files Reveal Visa Scams: Fake Marriages & Student Visas Used to Trap Women

![]()
Jeffrey Epstein Files Reveal Visa Scams: અમેરિકન ન્યાય વિભાગ દ્વારા તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી જેફ્રી એપસ્ટિનની ગુપ્ત ફાઈલોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેવી રીતે કુખ્યાત એપસ્ટિન મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રાખવા માટે અમેરિકન ઈમિગ્રેશન કાયદાઓનો દુરુપયોગ કરતો હતો. તે નકલી લગ્નો, સ્ટુડન્ટ વિઝા અને અંગ્રેજી ભાષાના કોર્સ જેવા રસ્તાઓ અપનાવીને વિદેશી મહિલાઓને પોતાની સાથે રહેવા મજબૂર કરતો હતો.
કેવી રીતે ફસાવતો હતો એપસ્ટિન?
અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી જેફ્રી એપસ્ટિનની ફાઈલોમાં તેની ગર્લફ્રેન્ડ કેરીના શૂલિયાકની વાર્તા સૌથી વધુ ચોંકાવનારી છે. વર્ષ 2013માં શૂલિયાક પોતાના વિઝા સ્ટેટસને લઈને ચિંતિત હતી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને એપસ્ટિને તેના નેટવર્કનો ઉપયોગ કરી એક અમેરિકન નાગરિક સાથે તેના નકલી લગ્ન કરાવ્યા હતા. શૂલિયાકે ગ્રીન કાર્ડ મેળવવા માટે જેનીફર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને 2018માં નાગરિકતા મળતા જ તેને તલાક આપી દીધા હતા. નોંધપાત્ર બાબત એ છે કે જે સરનામે આ લગ્ન નોંધાયા હતા, તે એપસ્ટિનનું જ સરનામું હતું જ્યાં તેની અનેક મહિલા મિત્રો અને જાણીતા મહેમાનો રોકાતા હતા.
આ પણ વાંચો: લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે
ઈમિગ્રેશન વિભાગમાં હતું સેટિંગ
એપસ્ટિન માત્ર નકલી લગ્નો જ નહીં, પરંતુ શિક્ષણના નામે પણ મહિલાઓને અમેરિકામાં રોકી રાખતો હતો. તેણે શૂલિયાકનું એડમિશન કોલંબિયા યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજમાં કરાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે તેણીનું બેલારુસથી ટ્રાન્સફર થયું છે. તપાસમાં બહાર આવ્યું છે કે એપસ્ટિને પોતાના પ્રભાવશાળી વકીલો અને રોકાણકારો દ્વારા ઈમિગ્રેશન વિભાગમાં સેટિંગ કરીને અનેક મહિલાઓના સ્ટુડન્ટ વિઝા અપાવવામાં મદદ કરી હતી. તે પોતે સીધો સામે આવવાને બદલે તેના સાથીદારો અને ખાસ ઈમિગ્રેશન ફર્મ્સ દ્વારા આ તમામ ગેરકાયદેસર કામો પતાવતો હતો જેથી તેનું નામ કોઈ ફાઈલનો હિસ્સો ન બને.
સ્ટુડન્ટ્સ વિઝાના બહાને કરતો ટારગેટ
ઈમેલ અને બેંક સ્ટેટમેન્ટ મુજબ, એપસ્ટિન મેનહટનની અનેક અંગ્રેજી ભાષાની શાળાઓમાં વિદેશી મહિલાઓની ફી જાતે ભરતો હતો જેથી તેઓ સ્ટુડન્ટ વિઝાના બહાને અમેરિકામાં રહી શકે. તે મહિલાઓને ‘સ્પોન્સર’ કરીને તેમને પોતાના દાયરામાં રહેવા મજબૂર કરતો હતો. આ દસ્તાવેજો એ પણ સાબિત કરે છે કે તેના કાયદાકીય સલાહકારો પણ આ ઈમિગ્રેશન કૌભાંડમાં સામેલ હતા અને મહિલાઓના વર્ક વિઝા માટે ખોટી અરજીઓ કરવામાં મદદ કરતા હતા. આ ખુલાસાઓએ એપસ્ટિનના ગુનાહિત નેટવર્કની ઊંડાઈ અને તેની મહિલાઓ પરની પકડની ભયાનકતા ફરી એકવાર સાબિત કરી દીધી છે.



