ચીનમાં પીએચડીમાં નકલ રોકવાનો પ્રયાસ : થીસિસ નહીં પ્રેક્ટિકલ જરૂરી | Attempt to stop plagiarism in PhD in China: Practicals not thesis required

![]()
– ડિગ્રી માટે પ્રોટોટાઈપ રજૂ કરવો પડશે
– હરબિન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી અને સાઉથ ઈસ્ટ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં નવો નિયમ લાગુ
બેઈજિંગ: ચીને રિસર્ચમાં વધતી નકલ (પ્લેજરિઝમ)ને રોકવા માટે પીએચડી પ્રણાલીમાં બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ, કેટલાક ક્ષેત્રોમાં પીએચડી માટે પરંપરાગત લાંબી થિસિસ લખવી ફરજિયાત નહીં રહે. તેના બદલે વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે પ્રોટોટાઈપ, ટેકનોલોજી, ઉદ્યોગલક્ષી સોલ્યુશન અથવા વાસ્તવિક પ્રોડક્ટ રજૂ કરવી પડશે. આ સુધારો ખાસ કરીને એન્જિનિયરિંગ, ઈન્ટેલિજન્સ, સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટર્સમાં લાગુ કરવામાં આવ્યો છે.
ચીને રિસર્ચનું મૂલ્યાંકન લેખોની સંખ્યાથી નહીં પરંતુ, નવીનતા અને ઉપયોગિતાના આધારે કરવાનો નિર્ણય લીધો છે. જેને હરબિન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી અને સાઉથઈસ્ટ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. આ જાણીતી સંસ્થાઓએ નવા પ્રેક્ટિકલ મોડલ મુજબ પ્રેક્ટિકલ પીએચડી ડિગ્રી લોન્ચ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીનમાં પ્રકાશિત કરો અથવા પાછળ પડી જશોની સંસ્કૃતિ વિસ્તરી હતી. પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પર વધુ લેખ પ્રકાશિત કરવાનું દબાણ રહેતું હતું.
તેના પરિણામે નકલી રિસર્ચ પેપર્સ, અન્ય પાસેથી ખરીદેલા લેખો અને બનાવટી ડેટાના કેસો વધ્યા હતા. આ સાથે જ યુનિવર્સિટીઓ ઈચ્છી રહી છે કે, વિદ્યાર્થીઓ એઆઈની જગ્યાએ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ વધુ કરે.



