ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત | India’s Terror Conspirators and Convicts Now MPs in Bangladesh After Yunus Pardon

![]()
Criminal MP in Bangladesh : બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં દિવંગત પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)એ ભવ્ય જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબતમાં એ ત્રણ નેતાઓનો વિજય છે, જેમને ગંભીર ગુનાઓમાં સજા મળી હતી, પરંતુ મોહમ્મદ યુનુસ દ્વારા માફી મળ્યા બાદ તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
ગંભીર આરોપમાં સજા પામેલા ત્રણ નેતાઓને માફી
ડિસેમ્બર-2024માં બાંગ્લાદેશ હાઇકોર્ટે તારિક રહેમાન સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મોહમ્મદ યુનુસે ગંભીર આરોપો હેઠળ સજા પામેલા ત્રણ મુખ્ય નેતાઓને માફી આપી હતી. જેમાં BNPના લુત્ફેજ્જમાં બાબર, અબ્દુસ સલામ પિંટુ અને જમાત-એ-ઇસ્લામીના અઝહરુલ ઇસ્લામનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ પર લાગેલા તમામ આરોપો હટાવી લેવામાં આવ્યા હતા.
24ના મોતનો આરોપી ‘લુત્ફેજ્જમાં બાબર’
BNPના નેતા લુત્ફેજ્જમાં બાબર પર 21 ઑગસ્ટ 2004ના રોજ શેખ હસીના પર થયેલા ગ્રેનેડ હુમલાનો ગંભીર આરોપ હતો, જેમાં 24 લોકોના મોત થયા હતા. હાઇકોર્ટ દ્વારા બરી થયા બાદ તેઓ ચૂંટણી લડ્યા અને પોતાના પ્રતિસ્પર્ધીને 1.6 લાખ મતોની જંગી સરસાઈથી હરાવીને સંસદમાં પહોંચ્યા છે.
ગ્રેનેડ હુમલાનો આરોપી ‘અબ્દુસ સલામ પિંટુ’
અબ્દુસ સલામ પિંટુ પર પણ 2004ના ગ્રેનેડ હુમલાના કેસમાં દોષિત ઠર્યા બાદ હવે કોર્ટે તેમને મુક્ત કર્યા છે. પિંટુ પર પાકિસ્તાની આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી(Huji)ને સમર્થન આપવાનો પણ આરોપ હતો. આ સંગઠન ભારત સામે આતંકી કાવતરામાં સામેલ હતું, જેમાં 2006માં વારાણસી કોર્ટ પરિસર, 2007માં અજમેર શરીફ દરગાહ અને 2011માં દિલ્હીમાં થયેલા વિસ્ફોટોનો સમાવેશ થાય છે. પિંટુ આશરે 2 લાખ મતોની સરસાઈથી વિજેતા બન્યા છે.
આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 4 દિવસથી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા
દુષ્કર્મના 13 ગુનાનો આરોપી ‘અઝહરુલ ઇસ્લામ’
જમાત-એ-ઇસ્લામીના નેતા અઝહરુલ ઇસ્લામ પર 1971ના લિબરેશન વોર દરમિયાન 1200થી વધુ લોકોની હત્યા અને બળાત્કારના 13 કેસમાં સંડોવણીના આરોપો હતા. આ ગંભીર ગુનાઓ બદલ તેમને 2014માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, અમેરિકાથી પરત ફરેલા નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે તેમને પણ માફી આપી તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા, અને હવે તેઓ પણ સાંસદ બન્યા છે.
ત્રણે આરોપીઓ બની ગયા સાંસદ
21 ઑગસ્ટ 2004ના રોજ શેખ હસીનાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં તેઓ તો બચી ગયા હતા પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે નેતાઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, તેઓ યુનુસ સરકાર અને કોર્ટના નિર્ણય બાદ હવે મુક્ત થઈને બાંગ્લાદેશની સંસદમાં પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો : જેફ્રી એપસ્ટિને આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા થઇ, ડૉક્ટરનો ચોંકાવનારો દાવો



