બાંગ્લાદેશમાં આજે હિંસા – અરાજકતાના ઓછાયા વચ્ચે ચૂંટણી | Elections in Bangladesh today amid violence and chaos

![]()
– અડધાથી વધારે મતદાન મથકો ‘ખતરનાક’ ઝોનમાં : 90 ટકા પોલિંગ સ્ટેશનો પર CCTV લગાડાયા
– 9,58,000 સલામતી રક્ષકો પહેલી જ વાર UAV, ડ્રોન સાથે અને પોલીસને ‘બોડી કેમેરા’ સાથે તૈનાત કરાયા
ઢાકા : બાંગ્લાદેશમાં આવતીકાલ તા. ૧૨ ફેબુ્રઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી ‘કાંટે કી ટક્કર’ બની રહેવાની છે. તેવે સમયે ૫૦ ટકાથી વધુ મતદાન કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયાં છે. અધિકારીઓ કહે છે કે, ૯૦ ટકા કેન્દ્રો ઉપર સીસીટીવી તૈનાત કરાયા છે. ઢાકા તેમજ મહત્વનાં શહેરોમાં પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે, ચૂંટણી અધિકારી અબુલ ફઝલ મોહમ્મદ સતાઉલ્લાહે મંગળવારે મોડી રાત્રે પત્રકારોને કહ્યું હતું કે, સ્થાનિક સ્તરે સંવેદનશીલતાના આધારે સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય અધિકારીઓએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં હજી સુધીમાં ન જોવા મળી હોય તેવી સજ્જડ સલામતી વ્યવસ્થા રાખવામાં આવી છે.
ચૂંટણીપંચ આશા રાખે છે કે, મતદાન સમયે અને તે પછી પણ દેશમાં શાંતિ પ્રવર્તી રહે.
ડી.જી.પી. બહારૂલ આલમે કહ્યું હતું કે દેશમાં ૪૩૦૦૦ મતદાન કેન્દ્રો પૈકી ૨૪,૦૦૦ કેન્દ્રો ઘણા કે મધ્યમ સંવેદનશીલ છે. ઢાકામાં ૨,૧૩૧ કેન્દ્રો પૈકી ૧૬૧૪ સંવેદનશીલ જાહેર કરાયાં છે. દેશના કુલ ૩૦૦ મતવિસ્તારો પૈકી શેરપુર-૩ના ઉમેદવારનું નિધન થતાં ૨૯૯ મત વિસ્તારોમાં ચૂંટણી થશે.
આ વખતની ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી આગળ રહી છે. એક સમયે તેનો સાથી પક્ષ હતો તે જમાત-એ-ઈસ્લામી હવે તેનાથી છૂટો પડી ગયો છે. તેટલું જ નહીં પરંતુ આ વખતે ખરેખરી સ્પર્ધા બીએનપી અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે જ થઈ રહી છે. બીએનપીના નેતા વડાપ્રધાન પદના દાવેદાર છે.
આવતીકાલ સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૪.૩૦ સુધી મતદાન થશે. ૪.૩૦ સુધીમાં જેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હશે તેમને પણ મત આપવા દેવામાં આવશે.



