ભારત સાથે ‘ટ્રેડ ડીલ’ કર્યા પછી અમેરિકા હવે બાંગ્લાદેશ સાથે ‘સિક્રેટ ટ્રેડ ડીલ’ કરશે ? | After making a ‘trade deal’ with India will America now make a ‘secret trade deal’ with Bangladesh

![]()
– ચૂંટણી પહેલા થનાર આ ગુપ્ત વ્યાપાર સમજૂતીની તેજ હવા ચાલી રહી છે તે સાથે જ અનેક પ્રશ્નો ઉભા થયા છે
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે હમણાં જ થયેલી વ્યાપાર સમજૂતી પછી હવે બાંગ્લાદેશ પણ અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે આ સમજૂતી ૯મી ફેબ્રુઆરી (૨૦૨૬)માં ફાયનલ થઈ જશે. મહત્ત્વની વાત તે છે કે આ સમજૂતી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી પહેલા (તા. ૧૨ ફેબુ્ર. પહેલા) થવા સંભવ છે.
આ અંગે બાંગ્લાદેશમાં તેજ હવા ચાલે છે તેથી દેશમાં આર્થિક તેમજ રાજકીય હલચલ વધી ગઈ છે.
એવું પણ કહેવાય છે કે, બાંગ્લાદેશ સરકાર અમેરિકા સાથે ટેરિફ અને વ્યાપાર સંબંધી સમજૂતી કરી રહી છે પરંતુ તેની શરતો હજુ જાહેર કરાઈ નથી કે, સંસદને પણ તેની માહિતી અપાઈ નથી. સામાન્ય જનતાને તો તેની કશી ખબર જ નથી તેથી તેને સિક્રેટ ડીલ કહેવામાં આવે છે.
અર્થશાસ્ત્રીએ આ ‘ડીલ’ના ટાઇમિંગ અંગે પ્રશ્ન ઉઠાવે છે તેઓ કહે છે કે, ચૂંટણી પહેલાં આટલો મોટો નિર્ણય લેવાય જ નહીં. તેઓ કહે છે કે, નવી સરકાર રચાયા પછી બોજો તેની ઉપર પડશે. સંસદમાં ચર્ચા કર્યા વિના કરાયેલી આ સમજૂતી દેશના હિતોને નુકસાન પણ કરી શકે.
બાંગ્લાદેશના અર્થતંત્રનો બહુ મોટો ભાગ રેડીમેડ- ગાર્મેન્ટસ તથા ટેક્સટાઇલ સેક્ટર પર ટકેલો છે જો તેમાં અમેરિકા છૂટ નહી મુકે તો અમેરિકન કંપનીઓ ભારત તરફ જ વળશે.
અર્થશાસ્ત્રીઓ કહે છે કે, ભારત અમેરિકા વચ્ચે તો ટ્રેડ ડીલ થઈ ગઈ છે. ભારતના નિકાસકારોને ફાયદો થાય તેમ છે બીજી તરફ બરોબર ચૂંટણી સમયે જ બાંગ્લાદેશ સાથે અમેરિકાને જો ટ્રેડ ડીલ થાય તો તેમાં આર્થિક કરતા રાજકીય ગણતરી વધુ હશે. પરિણામ તે પણ આવે કે કેટલાક રાજકીય પક્ષો વિરોધ વંટોળ પણ ઉઠાવે સાથે રાજકીય વિવાદ ગંભીર બની રહેશે.



